જામનગર : જામનગર મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરે દિવાળીની રાત્રે હવાઈ ચોક વિસ્તારમાં પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ભાજપના કોર્પોરેટર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે. સપ્તાહ પહેલાં પૂર્વ કોર્પોરેટર સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ધીરેશ કનખરાએ નોંધાવી ફરિયાદ : જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 17માં પ્રકાશ એપાર્ટમેન્ટ ફલેટ નં. 301 ખાતે રહેતા પૂર્વ કોર્પોરેટર ધીરેશ ગિરધરલાલ કનખરા (ઉ.વ.59)એ જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ભાજપના કોર્પોરેટર અને શાસક જૂથના દંડક કેતન જેન્તીભાઈ નાખવા તેમજ વિમલ કિશોરભાઈ કનખરા અને હિતેશ કનખરા સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના અનુસંધાને સિટી એ. ડિવિઝન પોલીસે ભાજપના કોર્પોરેટર સહિત ત્રણ આરોપીઓ સામે આઈપીસી કલમ 504, 506(2), 323 અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બંને વચ્ચે લાંબા સમયથી વિવાદ : પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પૂર્વ કોંગી કોર્પોરેટર ધીરેશ કનખરા અને વર્તમાન ભાજપના કોર્પોરેટર કેતનભાઇ નાખવા બંને વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેઓની સાથે વિમલ કનખરા વગેરેને પણ તકરાર ચાલતી હતી. દિવાળીની રાત્રે હવાઈ વિસ્તારમાં બંને જૂથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. ફરીયાદિને જૂની મારામારીની ફરિયાદ પાછી ખેંચી લેવા માટે આરોપીઓ અવારનવાર કહેતા ફરિયાદીએ મનાઇ કરી ઝાપટ મારી મારી નાખવાની ધમકી આપી હતી અને ઢીકાપાટુનો માર મારીને મૂઢ ઇજા પહોચાડી હતી.
રાજકીય વર્તુળમાં ભારે ચકચાર : જોકે જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી. પરંતુ એક સપ્તાહ પહેલા પૂર્વ કોર્પોરેટર ધીરેશ કનખરા સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવ્યા પછી ગઈકાલે પૂર્વ કોંગી કોર્પોરેટર દ્વારા ભાજપના કોર્પોરેટર સહિત ત્રણ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે સિટી એ ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે. આ બનાવને લઈને જામનગરના રાજકીય વર્તુળમાં અને ખાસ કરીને ભાનુશાળી જ્ઞાતિમાં ભારે ચકચાર જાગી છે.
- Jamnagar Mayor VS MLA : જામનગર ધારાસભ્ય અને મેયર વચ્ચે શરુ થયેલ ચકમકમાં જૈન સમાજ નારાજ થયો
- Jamnagar Food checking : જામનગર મહાનગરપાલિકા ફૂડ શાખા દ્વારા ચેકિંગ ડ્રાઇવ શરુ, ભેળસેળયુક્ત ઘીના નમૂના લેવાયા