ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamnagar New Mayor : જામનગરના નવા મેયર બન્યાં વિનોદ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પદની ખેંચતાણ બાદ આરુઢ થયાં નીલેશ કગથરા - ક્રિષ્નાબેન સોઢા

જામનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોનું કોકડું આખરે ઉકેલાઇ ગયું છે. આજે બપોરે જાહેર થયેલા નામો મુજબ મેયર તરીકે વિનોદભાઈ ખીમસુરિયાની અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે નીલેશ કગથરાની પસંદગી કરવામાં આવી છે. જોકે આ પહેલાં કેવી ચહેલપહેલ રહી તે જોઇએ.

Jamnagar New Mayor : જામનગરના નવા મેયર બન્યાં વિનોદ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પદની ખેંચતાણ બાદ આરુઢ થયાં નીલેશ કગથરા
Jamnagar New Mayor : જામનગરના નવા મેયર બન્યાં વિનોદ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પદની ખેંચતાણ બાદ આરુઢ થયાં નીલેશ કગથરા

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2023, 4:06 PM IST

કોકડું આખરે ઉકેલાઇ ગયું

જામનગર : જામનગર મહાનગરપાલિકાના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયરની આજરોજ વિધિવત રીતે વરણી કરવામાં આવી છે. જામનગરના નવા મેયર વિનોદભાઈ ખીમસુરિયા બન્યા છે. જ્યારે જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે નીલેશ કગથરાની પસંદગી કરવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી મેયર પદે ક્રિષ્નાબેન સોઢાને પણ સ્થાન અપાયુંં છે

પદાધિકારીઓની પસંદગી : જામનગર મહાનગરપાલિકાના નવા મેયર ડેપ્યુટી મેયર ઉપરાંત કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતા પદે આશિષ જોશીની પસંદગી કરવામાં આવી છે જ્યારે દંડક પદે કેતન નાખવાએ સત્તા સંભાળી છે. ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકામાં વિવિધ પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને દંડક સહિતના પદાધિકારીઓની આજરોજ વરણી કરવામાં આવેલી છે.

કાર્યાલય પર ભારે ચહેલપહેલ રહી : આજરોજ સવારથી જ જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે ભારે ચહેલપહેલ જોવા મળી હતી. બાદમાં તમામ લોકોના નામની જાહેરાત કરવામાં આવી છે. મેયર પદ એસસી સમાજ માટે અનામત હોવાના કારણે વિનોદ ખીમસુરિયા મેયર બન્યા છે. સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટીની પણ જાહેરાત કરવામાં આવી છે.

પાર્ટીએ જે પ્રકારે વિશ્વાસ મૂકી અને પદ આપ્યું છે તે પદની ગરિમા જાળવશે અને છેવડાના માનવીનો વિકાસ થાય તે માટેના તમામ પ્રયાસો કરશે. પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો તે મોટી વાત છે અને તમામ લોકોને સાથે લઈ જામનગરના વિકાસમાં આગળ વધીશું..મેયર વિનોદ ખીમસુરિયા (મેયર)

અટકળોનો અંત :નવા હોદ્દેદારોના નામની જાહેરાત સાથે છેલ્લા કેટલાય દિવસથી જામ્યુકોના પદાધિકારીઓના નવા ચહેરાઓને લઇને ચાલતી અટકળોનો અંત આવ્યો છે. ખાસ કરીને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પદને લઇને ભારે ઉત્તેજના-ખેંચતાણ હતી. આખરે પસંદગીનો કળશ યુવા અને તરવરીયા ચહેરા પર ઢોળવામાં આવ્યો છે. આ પહેલા અનેક સમીકરણો બદલાયા હતાં અને બે-ત્રણ નામમાં ફેરફાર પણ થયો હતો.

વ્હીપ અપાયો : આજે સવારે 11 વાગ્યે શહેર ભાજપ કાયર્લિયે ભાજપના તમામ 50 નગરસેવકોને હાજર રહેવા શહેર પ્રમુખ ડો.વિમલ કગથરાએ વ્હીપ આપી હતી અને જેમના નામ આવે તેઓની તરફેણમાં ટેકો આપવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો. આખરે ભાજપ કાર્યાલયે સંકલનની બેઠક બોલાવાઇ હતી જેમાં ઉપરોકત નામ જાહેર કરવામાં આવ્યા હતાં.

બેંચ થપથપાવીને આનંદ વ્યકત કર્યો : તો કેટલાક સમયથી આ વખતે મેયરના નામને બદલે સ્ટે.કમિટીના ચેરમેન પદે કોણ આવશે તે અંગે અનેક અફવાઓ ચાલી હતી. કેટલાકના નામો પણ ચર્ચાયાં હતાં. ત્યારે બપોરે 12 વાગ્યે મેયર બીનાબેન કોઠારીના અઘ્યક્ષસ્થાને ચેમ્બર હોલ ખાતે સામાન્ય સભા મળી હતી. જેમાં મેયર, ડે.મેયર, નેતા અને દંડકના નામોની તેમજ સ્ટે.કમિટીના 12 સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવતા સભ્યોએ બેંચ થપથપાવીને આનંદ વ્યકત કર્યો હતો.

સારી ટીમ બનાવી વધુમાં વધુ જામનગરના લોકોને પરથમિક સુવિધાઓ મળી રહે તે માટે પ્રયાસ કરીશું અને પાર્ટીના મોવડીઓને આભાર વ્યક્ત કરું છું..નીલેશ કગથરા (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન)

કેટલાકની આશાઓ ઉપર પાણી ફર્યું :કેટલાક નગરસેવકોને આશા હતી કે તેમને કંઇક પદ મળશે. પરંતુ ભાજપે કેટલાકની આશાઓ ઉપર પાણી ફેરવી દીધું છે અને આજે નવોદિતોને તક આપ્યાનું જોવા મળ્યું હતું, જો કે ભાજપે આ પહેલા જ આ વર્ષના ચાલુ હોદેદારોને કોઇપણ હોદો નહીં અપાય તેવી સ્પષ્ટ જાહેરાત પણ કરી હતી અને નો રીપિટ થીયરીનો અમલ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

લોકસભાની ચૂંટણીને નજરમાં રખાઇ : આગામી લોકસભાની ચૂંટણીને ઘ્યાનમાં લઇને અને જ્ઞાતિ સમીકરણોને ગણીને આ નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે તેમ જાણવા મળે છે. આ વખતે મેયર અને ચેરમેનના પદ માટે ભારે ગુપ્તતા રાખવામાં આવી હતી, કોઇને પણ ચોકકસ નામનો આઇડીયા ન હતો ત્યારે ભાજપે આજે કવર ખોલીને કેટલાકને ચોંકાવી દીધા હતાં.

નામોમાં નાટકીય ઢબે ફેરફાર થયો : જામ્યુકોના નવા પદાધિકારીઓની વરણીને લઇને આજે પણ છેલ્લી ઘડી સુધી જબરી ઉથલપાથલ થઇ હોવાનું અંતર્ગત વર્તુળો જણાવી રહ્યા છે, પ્રથમ ફેકસમાં જે નામ આવ્યા હતા તેમાં બે કલાક બાદ નાટકીય ઢબે ફેરફાર થયો હતો. ફરી નવા નામની જાહેરાત કરવામાં આવી હતી. રાજકોટમાં નિયત સમયે પદાધિકારીઓના નામની સતાવાર જાહેરાત કરી દેવામાં આવી હતી. પરંતુ અહીં કોકડું ગુંચવાયું હતું.

નીલેશભાઇ કગથરાનું નામ : જાણવા મળ્યા મુજબ પ્રદેશ તરફથી પદાધિકારીઓની વરણી માટે પ્રથમ ફેકસ આવ્યો હતો તેમાં મેયર તરીકે વિનોદભાઇ ખીમસુરિયા સ્ટે. ચેરમેન તરીકે આશિષ જોશી, ડે. મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા તરીકે નીલેશભાઇ કગથરાના નામ આવ્યા હતાં. જો કે દંડકનું કોકડું ગુંચવાયેલું હતું. પાછળથી કોઇપણ કારણે નાટકીય ઢબે જબરદસ્ત ફેરફાર આવ્યો હતો અને ચેરમેન પદે આશિષ જોશીનું નામ કટ કરીને તેના સ્થળે નીલેશભાઇ કગથરાનું નામ આવ્યું હતું. એકાએક કલાકોની અંદર આ ફેરફાર શું કામ થયો તેનું પ્રાથમિક ગણિત એવું નીકળે છે કે રાજકોટમાં સ્ટે. કમિટીનું ચેરમેન પદ બ્રહ્મસમાજને અપાયું હોવાથી કદાચ આ કારણે છેલ્લી ઘડીએ નામ બદલાયું હતું.

આશિષ જોશીનું નામ કેમ કટ થયું? : ટૂંકમાં જામ્યુકોના નવા પદાધિકારીઓમાં ચેરમેન પદની ખુરશીની છેલ્લી મીનિટો સુધી હોટ ટોપિક રહી હતી, નામોમાં બદલાવ બાદ નીલેશ કગથરાનું નામ આ જગ્યા માટે કેટલાક દિવસથી મજબૂત રીતે દશર્વિવામાં આવતું હતું અને આખરે એ જ થયું છે. આશિષ જોશીનું નામ કટ કરીને છેલ્લી ઘડીએ નીલેશ કગથરાનું નામ આપવા પાછળ જ્ઞાતિનું ગણિત અને એ પણ રાજકોટની વરણી કારણભૂત હોવાનું હાલ જાણકારો કરી રહ્યાં છે. નવા પદાધિકારીઓને તમામ લોકોએ અભિનંદન આપી દીધા છે.

  1. Surat New Mayor: સુરતના નવા મેયર પદે સૌરાષ્ટ્રવાસી દક્ષેશ માવાણીની જાહેરાત, પૂર્વ પત્રકાર બન્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
  2. Vadodara New Mayor: પિંકી સોની બન્યા વડોદરાના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટની વરણી
  3. Ahmedabad New Mayor: અમદાવાદના નવા મેયર બન્યા પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની નિમણુક

ABOUT THE AUTHOR

...view details