જામનગર :છોટે કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં અનેક શિવાલયો આવેલા છે, ત્યારે મહાશિવરાત્રીના પાવનકારી પર્વને લઈને ભોળાનાથને રિઝવવા માટે વહેલી સવારથી જ અનેક શિવભક્તોએ જુદા જુદા શિવ મંદિરોમાં લાંબી કતાર લગાવી હતી. રુદ્રાભિષેક જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરીને ભક્તોએ ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો.
ફ્લોટ્સ ઉભા કરાયા :આ ઉપરાંતશહેરમાં નીકળેલી શોભાયાત્રા માર્ગ પર અનેક શિવભક્તો દ્વારા ઠેર ઠેર સ્થાનિક ફ્લોટ્સ ઊભા કરીને ભગવાન શિવજીની વિવિધ ઝાંખી ઉભી કરાઈ હતી. જ્યાં પણ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. તેમજ શહેરમાં શિવજીના મહાપ્રસાદ ભાગ વિતરણના અનેક સ્થળે કેન્દ્રો ઉભા થયા હતા અને ભાવિકોએ ભાંગનો પ્રસાદ આરોગ્ય હતો.
ભક્તોની ભારે ભીડ :છોટી કાશીનું બિરુદ્ધ પામેલા જામનગર શહેરમાં આવેલા પુરાણ પ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, ઓમકારેશ્વર મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, ગૌરીશંકર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર સહિતના અનેક શિવાલયોમાં આજે મહાશિવરાત્રીના પાવનકારી પર્વને લઈને વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી.
ભક્તોએ બીલીપત્ર ચડાવ્યા :અનેક શિવભક્તો રુદ્રાભિષેક જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરીને તેમજ બીલીપત્ર ચડાવીને મહાદેવને રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો. સમગ્ર શહેરમાં શિવમય વાતાવરણ જોવા મળ્યું હતું. જામનગરના ભીડભંજન મહાદેવ મંદિરના દ્વારે ઉપરાંત પંચેશ્વર ટાવર, સિધ્ધનાથ મહાદેવ મંદિરના દ્વારે ભગવાન શિવજીના મહાપ્રસાદ એવા ભાંગના વિતરણ માટેના કેન્દ્રો ઉભા થયા હતા, ત્યાં પણ ભાવિકોએ પ્રસાદ લેવા માટે કતારો લગાવી હતી.