જામનગર : જામનગરમાં એક પતિએ પત્ની પર ચારિત્ર્યની શંકા સેવી જીવલેણ હુમલો કરી દીધો હતો અને બાદમાં પોતે પણ મોતને વ્હાલું કરી લીધું હતું. આ અંગેની જાણ થતા પંચ-બી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બંનેના મૃતદેહ હોસ્પિટલ ખસેડી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, બનાવના પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ચારિત્ર્યની શંકા સેવી મધરાત્રે ઘા ઝીંક્યાં : મૂળ મઘ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના હીડીબડીના વતની અને હાલ જામનગર તાબેના કનસુમરા પાટીયા પાસે પ્રાઇવેટ ઝોન પ્લોટ ખાતે ઝુંપડામાં રહેતા નેવા કલાભાઇ ખરાડી નામના યુવાને ગત રાત્રીના અંદાજે દોઢેક વાગ્યાના સુમારે તેમની પત્ની જેતરીબેન પર તીક્ષ્ણ પદાર્થથી જીવલેણ હુમલો કરી માથા તથા અલગ જગ્યાએ ચાર ઘા ઝીંકી મોત નિપજાવ્યુ હતું અને ત્યાંથી ભાગી ગયો હતો.
આડાસંબંધ છે તેવી શંકાકુશંકા : આ બનાવ અંગે પંચ-બીમાં હાલ પ્રાઇવેટ ઝોન ખાતે રહેતા વિજય નેવા ખરાડીએ આરોપી નેવા કલા ખરાડી સામે આઇપીસી કલમ 302 તથા જીપીએકટ 135 (1) મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમા જણાવ્યું હતું કે આરોપી અને મરણ જનાર પતિપત્ની થતા હોય અને આરોપી તેમની પત્ની તેમના વતનમાં કોઈ પુરુષ સાથે આડાસંબંધ રાખેલ છે તેવી શંકાકુશંકા કરતા હતાં. આ બાબતે અવારનવાર બંને વચ્ચે તકરાર અને ઝઘડા થતા હતાં, દરમિયાન આ બાબત મનમાં રાખીને આરોપી નેવાભાઇએ રાત્રીના પોતાની પત્નીનું ઢીમ ઢાળી દીધું હતું.
પતિએ પણ આપઘાત કરી લીધો : બીજી બાજુ પત્નીની હત્યા કરીને નેવા ખરાડી ત્યાંથી નાસી જઈ થોડે દૂર જઇ ઇલેક્ટ્રિક થાંભલા પર ખાટલો ભરવાની સુતરની પટ્ટી વડે આપઘાત કરી લીધો હતો. બનાવ બાબતમાં મનમાં લાગી આવતા પોતે જાતે ફાંસો ખાઇ લીધાનું તારણ લગાવવામાં આવ્યું છે.
ચકચાર મચી ગઇ : બનાવની જાણ થતા પંચકોશી-બીના પીએસઆઇ મોઢવાડીયા સહિતની ટુકડી દોડી ગઇ હતી અને પ્રાથમિક વિગતો જાણી હતી. તેમજ ફરિયાદ નોંધીને બંનેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતાં. હત્યા અને આત્મહત્યાના બનાવથી આસપાસમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે.
- છોટા ઉદેપુરમાં પોલીસ કોન્સ્ટેબલ પતિએ પ્રેમિકા સાથે મળી પત્નીની હત્યા કરી
- અનૈતિક સંબંધનો કરૂણ અંજામ, પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોતા પતિએ પત્નીને પતાવી દીધી