મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવતીકાલે સાંજે જામનગરના રણજીતનગર પટેલ સમાજ પાસે પ્રણામી ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધન કરશે. મહત્વની વાત એ છે કે, ગઈકાલથી જ મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. જો કે, સમગ્ર કાર્યક્રમ વિશે સ્થાનિક બીજેપી નેતાઓ પણ અજાણ છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાર્યક્રમનું બપોર બાદ આયોજન થતાં સમગ્ર ટીમ દોડતી થઇ છે.
મુખ્યપ્રધાન રુપાણી આવતીકાલે જામનગરમાં જાહેર સભા સંબોધશે - Gujarat
જામનગરઃ લોકસભા ચૂંટણીનો મહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે ધીમે ધીમે સ્ટાર પ્રચારકો પણ હવે ચૂંટણીની સભાઓમાં જોવા મળી રહ્યા છે. જામનગરની પ્રતિષ્ઠાભરી બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચાએ મુખ્યપ્રધાનના કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આવતીકાલે સાંજે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી જામનગરમાં સભાને સંબોધન કરશે. સાંજે 5.30 કલાકે આ સભા શરૂ થશે. આજે મુખ્યપ્રધાન જામનગર આવી રહ્યા છે, ત્યારે પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયુ છે. લોખંડી બંદોબસ્ત ગોઠવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શહેર ભાજપના હોદ્દેદારો પાસે ટૂંકો સમય હોવાથી દોડધામ થઇ ગઇ છે.
જામનગર બેઠક પર ભાજપમાંથી સાંસદ પૂનમ માડમે ઝંપલાવ્યું છે, ત્યારે કોંગ્રેસમાંથી મૂળૂ કંડોરીયાએ ઉમેદવારી નોંધાવી છે. આહિર સમાજના 2 અગ્રણીઓ વચ્ચે જંગ જામ્યો છે, ત્યારે મુખ્યપ્રધાન વિજય રુપાણી આવતીકાલે પૂનમ માડમ માટે પ્રચાર કરશે.