ગુજરાત

gujarat

ETV Bharat / state

ખાનગી કંપનીએ માલિકની જાણ બહાર જમીનમાં લગાવી પાઈપલાઈન, અરજદાર હાઈકોર્ટના શરણે

જામનગર: શહેરમાં આવેલા મોટી ખાવડી નજીક એક સોની પરિવારની જમીનમાં ખાનગી કંપની દ્વારા સહમતિ કે વળતર આપ્યા વિના જ એક પાઈપલાઈનને વર્ષો પહેલા જમીન નીચે લગાવી દેવામાં આવી હતી. પરંતુ વધુ એક પાઈપલાઈન લગાવવાનું શરૂ થતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. પરિવારે આ ખાનગી કંપની વિરૂદ્ધ આક્ષેપો કર્યા છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 25, 2019, 5:46 PM IST

શહેરના મોટી ખાવડી નજીક ઉષા સોની અને શારદા સોનીની સંયુક્ત માલિકીની 7 વીઘા જમીન આવેલી છે. જેના પર કુલમુખત્યાર તરીકે અમિતભાઈ અને પંકજભાઈ બંનેનો આક્ષેપ છે કે, તેમની જમીનમાં 2007-08ના સમયગાળા દરમિયાન જમીનના કોઈ માલિકોની સહમતિ વિના જ તેમની જમીનમાંથી ગેસની પાઈપલાઈન ખાનગી કંપનીએ લગાવી હતી. ત્યારબાદ જ્યારે પરિવારે વર્ષ 2016માં આ જમીનને ફેરમાપણી કરાવવાનું નક્કી કર્યું અને સર્વેયર સહિતની ટીમોને બોલાવવામાં આવી ત્યારે જાણ થઈ કે, આ જમીન નીચેથી પાઈપલાઈન લગાવવામાં આવી છે.

પરિવારને તપાસમાં જમીનમાંથી ખાનગી કંપનીની પાઈપલાઈન પસાર થઈ રહી હોવાની જાણ થઈ હતી. કંપનીને આ અંગે જાણ કરતા કંપનીએ અરજદારને આ અંગે તપાસ કરી લઇશું તેમ જણાવ્યું હતું. ત્યારબાદ અરજદારોએ પણ આ અંગે કંપનીને યોગ્ય કાર્યવાહી માટે નોટીસ આપી હતી. તેમજ આ અંગે અનેકવાર વાંધાજનક અરજીઓ પણ આપી હતી.

સ્પોટ ફોટો

અરજદારોનો આક્ષેપ છે કે, વર્ષો પૂર્વે પોતાની જમીનમાં લગાવેલી લાઈનનું વળતર પણ મળ્યું નથી. તેમજ સહમતિ વિના જ પાઇપલાઈન લગાવી દેવામાં આવી છે. કંપની દ્વારા જમીન સંપાદન માટેની નોટીસ મળતા અરજદારો ન્યાય મેળવવા માટે હાઈકોર્ટના શરણે પહોંચ્યાછે.

સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલી નોટીસમાં પણ એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે, એક લાઈન આ જમીનમાંથી પસાર થઇ રહી છે અને બીજી પાઈપલાઈન લગાવવા માટે તેમજ જમીન સંપાદન કરવા માટે અરજદારને જાણ કરવામાં આવી છે. અરજદારનો આક્ષેપ છે કે, તેઓ સહમતિ આપે તે પૂર્વે જ તેમની જમીનમાં ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

આમ, સહમતિ કે વળતર વિના જમીનમાં પાઈપ લગાવવાનું પ્રકરણ હાલ તો હાઈકોર્ટમાં પહોચ્યું છે, પણ અરજદારો પોતાની જમીનને નુકશાન ન થાય તે માટે વિવિધ કચેરીઓના ધક્કાખાઈ રહ્યાં છે.


ABOUT THE AUTHOR

...view details