- આત્મનિર્ભર ભારતના માર્ગ પરનું આ પહેલું કદમ છે, વેક્સિન અસરકારક અને સંપૂર્ણ સુરક્ષિત: સાંસદ
- કોવિડ વેક્સિન કોવિશિલ્ડના જામનગરના 14000 ડોઝ જામનગર ખાતે આવી પહોંચ્યા
- જિલ્લાના સરકારી તથા ખાનગી ક્ષેત્રના આરોગ્યકર્મીઓને પ્રથમ તબક્કામાં કોવિશીલ્ડ વેક્સિન અપાશે
- જામનગર જિલ્લા પંચાયતને કુલ 5,000 ડોઝ, જામનગર મહાનગરપાલિકાને કુલ 9,000 ડોઝ, કોલ્ડ ચેઈન પોઇન્ટ પર વેક્સિન સપ્લાય કરશે
જામનગર : કોરોનાની આ મહામારીમાં મહામૂલા જીવન આપણે ગુમાવ્યા છે પરંતુ કોરોનાને હરાવીને કે જાકારો આપવાના તેનો જુસ્સો, હિંમત અને ધીરજ ગુમાવ્યા વગર કરેલા નિરંતર પ્રયત્નો થકી ભારતને કોરોના સામે અમોઘ શસ્ત્ર સમાન વેક્સિન મળી છે તે ગર્વની વાત છે. સમગ્ર દુનિયાની જેના પર નજર હતી, તેવી કોરોના વેક્સિનેશન ઝુંબેશ વિશાળ જનસમુદાય ધરાવતા ભારત દેશમાં તા. 16-01-2021 ના રોજ શરૂ થનાર છે. જેના ભાગરૂપે જામનગર કલેકટર કચેરી ખાતે જામનગર જિલ્લા માટે કુલ 14,000થી વધુ વેક્સિન ડોઝનો જથ્થો આવી પહોંચ્યો હતો. જેનું સાંસદ પૂનમબેન માડમે શ્રીફળ વધેરી અને હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું.
સાંસદે વેક્સિનના વધામણાં કર્યા
આ પ્રસંગે સાંસદ પૂનમબેમ માડમે જણાવ્યું હતું કે, સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા આ રસીની શોધ થઈ છે. દેશના વડાપ્રધાનની ઉદાત્ત ભાવના અને દિવસ-રાત એક કરી વેક્સિનની શોધમાં સફળતા પ્રાપ્ત કરતા વૈજ્ઞાનિકોએ દેશને આ મહામારીના સંક્ટમાંથી ઉગારવા જે વેક્સિનનું નિર્માણ કર્યું છે, તે આજે જામનગરના આંગણે આવી પહોંચી છે. દેશમાં જ કોરોનાની રસીનું સંશોધન થાય અને દેશવાસીઓ સંકટમાંથી બહાર આવે,તે આનંદની ક્ષણો છે.
રસીકરણથી દેશવાસીઓને કોરોના સામે સુરક્ષા કવચ આપી શકાશે
10 મહિનાના અંતે હિન્દુસ્તાનની ધરતી પર આ રસીની શોધ થઈ છે જે ગર્વની બાબત છે. આ રસી અસરકારક અને સંપૂર્ણ સુરક્ષિત છે. આત્મનિર્ભર ભારતના માર્ગ પરનું આ પહેલું કદમ છે. આ રસીના ઉપયેાગ વડે રસીકરણથી દેશવાસીઓને કોરોના સામે સુરક્ષા કવચ આપી શકાશે. જામનગર ખાતે આ રસીનો પહેલો જથ્થો આવી પહોંચ્યો છે. જેને કારણે જામનગરના લોકો હર્ષ સાથે રાહતની લાગણી અનુભવી રહ્યા છે. દરેક લોકોને તબક્કાવાર વેકસિનેશનનો લાભ મળે તે માટે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં સઘન અને સુચારૂ આયોજન કરાયું છે.