જામનગર: જામનગરમાં રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જુદા જુદા ત્રણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. પહેલો કાર્યક્રમ પ્રદશન ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો જેમાં રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી હસ્તે 151 એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જુદા-જુદા 16 જિલ્લામાં એસટી બસો ફાળવવામાં આવી છે જેમાંથી નવ બસ જામનગર એસટી ડેપો ને ફાળવવામાં આવી છે. કુલ 50 કરોડના ખર્ચે રાજ્ય સરકારે 151 જેટલી બસો મુસાફરોની સુખાકારીમાં વધારો થાય તે માટે ફાળવી છે.
Etv ભારતના અહેવાલની અસર: અન્ય એક કાર્યક્રમ ધન્વંતરિ એડિટોરિયલ હોલ ખાતે યોજાયો હતો. જેમાં ચેક વિતરણ અને જામજોધપુર પોલીસ ક્વાર્ટરના આવસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ પ્રવચન આપતા જણાવ્યું હતું કે તેઓ ફરી એસટી ડેપોનું ખાતમુહૂર્ત કરવા જામનગર આવશે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે જ Etv ભારત પર એસટી ડેપોના કોઈ ઠેકાણા નથી તેવો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જામનગરનો એસટી ડેપો છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે.
ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી:હાલ દરિયા કિનારેના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવી રહયા છે. જામનગર જિલ્લામાં સરકાર બુલડોઝર ફેરવી રહી છે તો દ્વારકામાં પણ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી હર્ષદના દરિયા કિનારે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને હજુ આ કામગીરી ચાલુ રાખવામાં આવશે.