- સોમનાથ સાનિઘ્યમાં રૂપિયા 11 હજારમાં લગ્નવિધિ કરાવી શકાશે
- વિધિ માટેની જરૂરી સુવિધા ટ્રસ્ટ પુરી પાડશે
- આગામી દિવસોમાં યાત્રાધામ સોમનાથ વેડીંગ ડેસ્ટીનેશન બની રહેશે
- શણગારેલો લગ્ન હોલ, સર્ટીફીકેટ, ફુલહાર, બ્રાહ્મણ સહિતની સુવિધા ટ્રસ્ટ દ્વારા અપાશે
ગીર સોમનાથઃ એક તરફ વર્તમાન સમયમાં લગ્ન પ્રસંગોનો ખર્ચ સામાન્ય અને મધ્યમ વર્ગને પરવડતો નથી, તો બીજી તરફ હાલની જનરેશનમાં વેડીંગ ડેસ્ટીનેશનનો ક્રેઝ વધી રહ્યો છે. જેમાં યુવાઓ પ્રખ્યાત ધાર્મિક સ્થળોએ લગ્ન પ્રસંગો યોજવાનું પસંદ કરતા થયા છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિ અને ચલણને ઘ્યાને રાખી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મઘ્યમ અને ગરીબ વર્ગના લોકોને રાહતરૂપ આવકારદાયક નિર્ણય કર્યો છે. જે અંગે માહિતી આપતા સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સોમનાથ સાનિઘ્યમાં કેન્દ્ર સરકારની યોજના હેઠળ વિશાળ લગ્ન મંડપ હોલ સાથેનું અદ્યતન ટુરીસ્ટ ફેસેલીટી કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જેમાં કોઇ પણ નાગરિક લગ્નપ્રસંગ કરી શકે તેવું આયોજન ટ્રસ્ટ દ્વારા કરાયું છે. જેના માટે રુપિયા 11 હજારની રકમ ભરવાથી ટ્રસ્ટ દ્વારા વેદોક્ત, પુરાણોકત રીતે લગ્ન વિધિ કરાવી આપવામાં આવશે.
આ પણ વાંચોઃસોમનાથમાં દોઢ કિલોમીટર લાંબો વોકવે આવનાર મહિનાઓમાં સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે