ગીર સોમનાથમાં બુધવારે સાંજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાયા બાદ લોકોના ટોળા એકઠા થયા હતા અને અને હંગામો મચાવી દીધો હતો. જ્યાં વેરાવળ ધારાસભ્ય અને પોલીસ પણ સાંજે આવી પહોંચી હતી અને આખરે મામલો થાળે પડ્યો હતો. વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ 200 થી 250 વેપારીઓ સાથે મૌન રેલી યોજી હતી અને વેરાવળ પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચી ગરીબોના ધંધા રોજગાર સામે જોવા અપીલ કરી હતી. વેરાવળ કોંગ્રેસના ધારાસભ્ય દબાણ હટાવવાના વિરોધમાં આક્રમક બન્યા છે તેમણે પ્રાંત અધિકારી અને પાલિકા સામે સવાલો ઉઠાવ્યા છે કે તંત્ર કોઈ ના ઈશારે કામ કરી રહ્યું છે.
વેરાવળ શહેરમાં ગેરકાનૂની બાંધકામનો રાફડો ફાટ્યો છે, પરંતુ આ બાંધકામ વગદાર વ્યક્તિઓ હોવાથી તંત્ર તેને અટકાવતું નથી. નવા નિયમો અમલ આવ્યાને વર્ષો પછી પણ પાર્કિંગ વગરની ઈમારતોને નગરપાલિકા મંજૂરી આપી રહી છે. મંદીમા વેપારીઓને મદદ ન કરે તો કંઈ નહિ, પણ તેમની રોજી છિનવવાનું કાર્ય તંત્ર કરી રહ્યુ હોવાનો ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો. ટ્રાફિક સમસ્યા દૂર કરવી હોય તો, ગત બજેટ સત્રમાં પાસ થયેલા ફ્લાયઓવર કેમ નથી બનાવવામાં આવતા તેવો પણ તેમણે પ્રશ્ન કર્યો હતો.