ગીર સોમનાથ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની નેમને સાકાર કરવા સોમનાથના સાન્નિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાવાનો છે. જેને લઈને સોમનાથ તમિલ સમાજમાં પણ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. સોમનાથ તમિલ સમાજ પોતાના બંધુઓને આવકારવા થનગની રહ્યો છે. આ કાર્યક્રમ પૂર્વે 14 એપ્રિલના રોજ મૂળ તમિલ સૌરાષ્ટ્રિયન સમાજે પોતાના નવા વર્ષ ‘પૂથાંડુ વઝથુકલ’ની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી અને ગરબે ઘૂમીને પોતાના બંધુઓને આવકારવા માટે ઉત્સાહ દાખવ્યો હતો.
સ્ત્રીઓએ માથામાં વેણી અને સાડી પહેરી: મૂળ તમિલનાડુના પરંતુ દાયકાઓથી ત્યાંથી અહીં ગીર સોમનાથને કર્મભૂમિ બનાવી રહેતા તમિલ પરિવારે રંગેચંગે પોતાના નવા વર્ષ ‘પૂથાંડુ વઝથુકલ’ની ઉજવણી કરી હતી. સ્ત્રીઓએ માથામાં ફૂલની વેણી અને સાડી તો પુરૂષોએ પરંપરાગત લૂંગી-ખેસ સહિત તમિલ સંસ્કૃતિ દર્શાવતા વસ્ત્રો ધારણ કરી અને રંગેચંગે પોતાના વતનને યાદ કરી ઉત્સવની ઉજવણી કરી હતી.
અનેક ધંધા સાથે જોડાયેલા: દાયકાઓથી અહીં વસવાટ કરતા તમિલ પરિવારમાંથી કોઈ માછીમારી તો કોઈ ઈડલી-ઢોસાની લારી, કોઈ સુથારીકામ તો કોઈ લુહારીકામ સાથે પણ સંકળાયેલા છે. તમિલ પરિવારના અહીં આશરે 48 જેટલા કુટુંબ છે જેના 300 જેટલા સભ્યો તહેવારોની ઉજવણીથી લઈને વ્યવસાય એમ તમામ મોરચે સમગ્ર રીતે ગુજરાતી બન્યા છે.