- સોમનાથ સમીપે દરિયાઈ જીવસૃષ્ટિના દર્શન માટે બનશે કાચની ટનલ
- સોમનાથને તેની આસપાસના વિસ્તારોમાં 300 કરોડના ખર્ચે ડેવલોપમેન્ટનું કામ હાથ ધરાશે
- સોમનાથ નજીક કાચની ટનલ બનાવવામાં આવશે
ગીર સોમનાથઃ મંદિરની અને તેની આસ-પાસના વિસ્તારની આગામી દિવસોમાં કાયાપલટ થવા જઈ રહી છે. વડાપ્રધાન મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, સોમનાથ નજીક દરિયામાં કાચની ટનલ બનાવવામાં આવશે. જેના થકી અહીં આવતા યાત્રિકો દરિયાઈ જીવ સૃષ્ટિને માણી અને જાણી શકે તે માટે અંદાજિત 300 કરોડના પેકેજની સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. તેની અમલવારી આગામી દિવસોમાં શરૂ થશે, ત્યારે સોમનાથ ધાર્મિકની સાથે હવે પર્યટન ક્ષેત્રે પણ સમગ્ર વિશ્વમાં આગળ પડતું જોવા મળશે.
300 કરોડના ખર્ચે વિકાસના વિવિધ કામોને મંજૂરી આપાશે
આગામી દિવસોમાં સોમનાથ ધાર્મિકની સાથે પર્યટન ક્ષેત્રે પણ આગળ આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. 300 કરોડના ખર્ચે વિકાસના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટના આઠમાં ચેરમેન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. ચેરમેન બનવાની સાથે વડાપ્રધાન મોદીએ સોમનાથ ટ્રસ્ટના વિકાસને લઈને તાકીદે કામગીરી હાથ પર લીધી છે. બોર્ડની પ્રથમ બેઠકમાં જ સોમનાથ અને તેની આસ-પાસના વિસ્તારોને ડેવલોપ કઈ રીતે કરી શકાય તેમજ અહીં વિવિધતા વાળો પ્રદેશ હોવાને કારણે લોકો ધાર્મિકતાની સાથે પર્યટન અને પ્રવાસ માટે પણ સમગ્ર વિશ્વમાંથી આવે તેને ધ્યાને રાખીને સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં સોમનાથ મંદિર સહિત આસ-પાસના વિસ્તારોમાં વિકાસના કામોને મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. જેમાં સોમનાથ મંદિર નજીક દરિયાઇ વિસ્તારમાં કાચની ટનલ બનાવવામાં આવશે જેના મારફતે અહીં સોમનાથ મહાદેવના દર્શન કરવા આવતા યાત્રિકો દરિયાઈ જીવ સૃષ્ટિને માણી અને જાણી શકે તે માટેની આગવી વ્યવસ્થા આગામી દિવસોમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉભી કરવાનું આયોજન થઈ રહ્યું છે. જેના માટે અંદાજિત 300 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવશે.