સામાન્ય રીતે જ્યારે પણ કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીનું ભાષણ સાંભળીએ ત્યારે એક વાતનો ઉલ્લેખ ચોક્કસથી જોવા મળે છે કે સરકાર દ્વારા ભૂતકાળમાં બનતા માર્ગની સરખામણીમાં રસ્તાઓ બમણી ઝડપે બની રહ્યા છે. જેમાં લોકો તાળીઓ પણ ખૂબ પાડે છે પણ ગીરસોમનાથ જિલ્લોએ ઝડપી રસ્તાઓ વાળી સ્કીમમાંથી બાકાત હોય તેમ લાગી રહ્યું છે. જેમાં ગીરસોમનાથ અને ભાવનગરને જોડતો નેશનલ હાઇવે અંદાજે 3 વર્ષ પહેલાં ફોરટ્રેક સ્વરૂપમાં મંજુર કરવામાં આવ્યો છે. પણ નેશનલ હાઇવે ઓથોરિટીના વાયુ વેગે ચાલતા પ્રચાર વચ્ચે આ રસ્તો બનવાની પ્રક્રિયા કીડી વેગે ચાલી રહી છે. જેના કારણે રસ્તા ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે.
ગીરસોમનાથના 40થી વધુ ગામો બિસ્માર હાઇવેથી પરેશાન... - ગીર સોમનાથને ભાવનગર સાથે જોડતો હાઇવે
ગીરસોમનાથ: જિલ્લાને ભાવનગર સાથે જોડતો હાઇવે છેલ્લા 2 વર્ષથી અતિ બિસ્માર હાલતમાં છે. જેના કારણે આસપાસના ગામનાઓને ધૂળ અને ખાડા વચ્ચેથી સફર કરવાની ફરજ પડી રહી છે, ત્યારે દરેક રીતે રજુઆત કરી હાલમાં તો જનતા રસ્તો બનશે કે કેમ તેવા નિરાશાના માહોલમાં જીવી રહી છે.
આસપાસના 40થી વધુ ગામના લોકોનો આક્ષેપ છે કે રસ્તાઓની કાર્યવાહી બેદરકારી ભરી કરવામાં આવી છે. એટલુ જ નહિ પણ ખાનગી ઉદ્યોગના ઓવર લોડેડ વાહનો ગામલોકોના મતે રસ્તો બગડવાનું મુખ્ય કારણ છે, ત્યારે ગામલોકોના મતે એમ્બ્યુલન્સ દુર્ગમ રસ્તાના કારણે સમયસર નથી પહોંચી શકતી અને રસ્તાની ધૂળની ડમરીઓના કારણે બાઇક ચાલકો તેમજ રોડ નજીક ખેતી કરતા ખેડૂતોને પણ આ રસ્તાના કારણે ખુબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે, ત્યારે જનતા બિચારી બની અને કોઈ સાંભળવા વાળું ન હોય તેવી લાગણી અનુભવી રહી છે.