ગીર સોમનાથ: જિલ્લા ભાજપના પ્રમુખ પદેથી માનસિહ પરમારે અચાનક રાજીનામું ધરી દેતા જિલ્લાના રાજકારણમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે માનસિંહ પરમારે વેરાવળ બેઠક પરથી ભાજપના ઉમેદવાર જાહેર થતાં તેમણે પદ પરથી રાજીનામું આપ્યું હતું. ચૂંટણીમાં હાર બાદ આજે ફરી એક વખત અચાનક રાજીનામું આપતાં અનેક રાજકીય ચર્ચાઓ વેગ પકડી રહી છે.
જિલ્લા ભાજપ પ્રમુખે આપ્યું રાજીનામું:ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ પદેથી યુવાન કારડીયા રાજપુત સમાજના અગ્રણી માનસિંહ પરમારે અચાનક રાજીનામું આપી દીધું છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનમાં ફેર બદલાવ કરીને જિલ્લા ભાજપના પ્રમુખ પદે માનસિંહ પરમારને નિયુક્તિ કરી હતી. ત્યારબાદ વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં સોમનાથ બેઠક પરથી ભાજપે માનસિંહ પરમારને ઉમેદવાર જાહેર કરતા તેમણે હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું.
વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર: ત્યારબાદ પ્રમુખ તરીકે સહકારી આગેવાન જશાભાઇ બારડના પુત્ર દિલીપ બારડને પ્રમુખ પદ સોપાયું હતું. પરંતુ ચૂંટણીમાં માનસિંહ પરમારની હાર થતા ફરી તેમને જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેમણે આજે અચાનક રાજીનામું આપીને જિલ્લાના રાજકીય વાતાવરણમાં ચર્ચાના નવા દોરને શરૂ કર્યો છે
રાજીનામા પાછળ સામાજિક કારણો:હોદ્દા પરથી રાજીનામું આપતા પૂર્વે માનસિહ પરમારે સામાજિક અને તેમના ઉદ્યોગ અને ખેતીમાં વ્યસ્તતાને કારણે રાજકીય પક્ષમાં સંગઠન જેવી અતિ મહત્વની જવાબદારીમાં સમય ફાળવી ન શકતા હોવાને કારણે તેઓએ રાજીનામું આપ્યું છે તેવી વાત કરી છે. પરંતુ પાછલા એક દસકા દરમિયાન ગીર સોમનાથ જિલ્લાનું રાજકારણ અને ખાસ કરીને સંગઠનાત્મક નિમણૂકો ચૂંટણી પરિણામો પૂર્વે અને ત્યારબાદ સતત બદલાતી જોવા મળી રહી છે. જેને કારણે પદ પરથી રાજીનામું આપવામાં આવ્યું છે. તેવી ભાજપના આંતરિક સૂત્રોમાં પણ ચર્ચાઓ થઈ રહી છે.