મટાણા ગામમાં દીપડાએ માસૂમનો ભોગ લીધા બાદ વન વિભાગ જાગ્યું ગીર સોમનાથ: જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામમાં ગઈકાલે રાત્રિના દસ વાગ્યાની આસપાસ દીપડાએ બે વર્ષના બાળકને ઉઠાવી જઈને તેનો શિકાર કરી નાંખ્યો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ગામ લોકોમાં રોષની સાથે ભય જોવા મળી રહ્યો છે. પાછલા 24 કલાકથી દીપડાએ ફેલાવેલા ભારે આતંકને પગલે ભારે ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.
'બાળક ઘરની બહાર નીકળ્યું અને શિકારની રાહમાં બેઠેલા દીપડાએ તુરંત તેને શિકાર બનાવીને જંગલ વિસ્તાર તરફ ખેંચીને લઈ ગયો. ચાર પાંચ કલાકની ભારે જહેમત બાદ અંતે બાળકનો મૃતદેહ હાથ લાગ્યો હતો. જેને કારણે સમગ્ર પરિવાર સાથે ગામના લોકો પણ ભારે ઘેરા શોકમાં ડૂબી ગયું હતું.'--માનસિંહ જાદવ ( બાળકના સગા)
બાળકનો મૃતદેહ શેરડીના ખેતરમાંથી: પરિવારની નજર સામેથી દીપડો બાળકનો શિકાર કરીને તેને જંગલ તરફ લઈ ગયો હતો. ત્યારે રાત્રે દરમિયાન બાળકને શોધખોળ કરતા તેનો મૃતદેહ શેરડીના ખેતરમાંથી મળી આવ્યો હતો. આજે સવારે ફરી એક વખત દીપડાએ પોતાના ઘરમાં આરામ કરી રહેલા 75 વર્ષના વૃદ્ધાને ફાડી ખાવાના ઇરાદે ખૂબ જ હિંસક બનીને હુમલો કર્યો હતો. પરંતુ પરિવારના અન્ય સભ્યો હાજર હોવાના કારણે દીપડો વૃદ્ધાને ગંભીર ઈજા પહોંચાડી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેને પકડી પાડવા માટે વન વિભાગે આખા ગામમાં આઠ જેટલા પિંજરા ગોઠવી દીધા છે.
"જે રીતે ગામ લોકોનો દીપડાના હુમલાને લઈને મેસેજ આવતા વન વિભાગનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ભારે જહેમત બાદ બાળકના મૃતદેહને શોધવામાં સફળતા મેળવી હતી. પરંતુ દીપડાને પકડવામાં હજુ સુધી સફળતા મળી નથી. હાલ દીપડાના ગામમાં પ્રવેશ કરવાની જગ્યા પર પિંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. સાથે સાથે અન્ય વિસ્તાર માંથી પણ દીપડાને પકડી શકાય તે માટે આઠ જેટલા પિંજરા મંગાવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સાતથી આઠ જેટલા દિપડાઓ હોઈ શકે છે. જેને કારણે હિંસક બનેલા દીપડાને પકડી પાડવા માટે હાલ તુરંત વન વિભાગ કામગીરી કરી રહ્યું છે."--કે ડી પંપાણીયા (રેન્જ ફોરેસ્ટ ઓફિસર)
દીપડાના હુમલાથી હાહાકાર: પાછલા બે મહિનાથી ગીરના જંગલોમાં દીપડાના હુમલાને કારણે ભારે હાહાકાર જોવા મળી રહ્યો છે. આજે દીપડાએ શિકારનું નવું સરનામું શોધ્યું હોય તે પ્રકારે સુત્રાપાડા તાલુકાના મટાણા ગામમાં 12 કલાક કરતાં ઓછા સમયમાં ખૂબ જ નિર્દયતાથી બાળક અને વૃદ્ધા પર શિકાર કરવાના ઇરાદે હુમલો કર્યો હતો. જેમાં બાળકનું મોત થયું છે તો વૃદ્ધાને ખૂબ જ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે.
દીપડાના હુમલાથી ભય:ગામના ખેડૂતો પણ દીપડાના હુમલાથી થરથર કાંપી રહ્યા છે. લાકડી કુહાડા સાથે ખેડૂતો સામૂહિક રીતે રાત્રિ દરમિયાન ખેતી કરવા માટે જાય છે. દીપડાના હુમલાથી બચવા માટે ખેડૂતો ટ્રેક્ટર જેવા વાહનનો સામૂહિક ઉપયોગ કરીને પણ પોતાની ખેતીને બચાવી રહ્યા છે. દરેક ખેડૂતો એક સાથે અને સામૂહિક રીતે તમામ ખેતરોમાં ખેતીનું કામ કરવા માટે લાકડી અને કુહાડા જેવા હથિયારોનો સહારો લઈને પણ આજે સતત ભયની વચ્ચે પોતાનો જીવ જોખમમાં મૂકીને જીવતર સમાન ખેતીને પણ પોતાના જીવના જોખમે બચાવવા માટેની મનોમંથન કરી રહ્યા છે.
દિપડો કરાવી રહ્યો છે ઉજાગરા: મોરડીયા ગામના જાહીબેન પોતાના પરિવાર અને ખાસ કરીને બાળકો અને માલ ઢોરનું રક્ષણ કરવા માટે લાકડીના સહારે આખી રાત ઉજાગરા કરતા જોવા મળી રહ્યા છે. ખેતીનું કામ અને રાત્રે સતત દીપડાના ભયની વચ્ચે પરિવારના બાળકો અને દુધાળા પશુઓનું રક્ષણ આ મહિલાઓ લાકડીના સથવારે કરી રહી છે. તેની પાછળનો એકમાત્ર ઉદેશ સતત દીપડાના ભયની વચ્ચે ગામ લોકોનું જીવન આજે દુષ્કર બની રહ્યું છે.
- Surat News : સાત વર્ષ બાદ સુરત જિલ્લામાં દીપડાની વસ્તી ગણતરી શરુ, કેવી રીતે થાય છે કામગીરી જાણો
- Kheda News : ખેડામાં ભૂંડ પકડવા નાંખેલી જાળમાં બે દીપડા ફસાયાં, એક ભાગી છૂટતાં લોકોમાં ભય વધ્યો