- ગીર સોમનાથ જિલ્લામાં 60 વર્ષની ઉંમરના લોકો માટે કોરોના વેક્સિનેશન શરૂ
- 45થી 59 વર્ષના લોકો કે જે ગંભીર બીમારીથી પીડાય છે તેમને પણ અપાઈ વેક્સિન
- ગીર સોમનાથમાં ખાનગી હોસ્પિટલોમાં રૂ. 250 ચૂકવ્યા બાદ જ કોરોનાની રસી મળશે
ગીર સોમનાથઃ સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝનોને કોરોના વેક્સિન આપવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે ગીર સોમનાથમાં પણ વડીલોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. આ સાથે જ 45થી 59 વર્ષના લોકો કે જે ગંભીર બીમારીથી પીડાતા હોય તેવા લોકોને પણ કોરોનાની વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
કલેક્ટર અજયપ્રકાશે આજે કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લીધો
જિલ્લા કલેક્ટર અજય પ્રકાશે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ આજે સરકારી હોસ્પિટલ વેરાવળ ખાતે વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. તેમણે લોકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે, આજથી ગીર સોમનાથ જિલ્લામાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોના વેક્સિનનો બીજા ડોઝ આપવામાં આવી રહ્યો છે. વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારે 28 દિવસ પૂર્ણ થયા હોય તેવા તમામ લોકોએ અચૂક બીજો ડોઝ લઈ કોરોનાથી રક્ષિત થવાના અભિયાનમાં સહભાગી થવું જોઈએ.
કલેક્ટરે વધુમાં કહ્યું કે, આજથી સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં 60 કે તેથી વધુ વર્ષના વયોવૃધ્ધ લોકોને કોરોના પ્રતિરોધક રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ રસી જિલ્લાના વેરાવળ સરકારી હોસ્પિટલ, પીએચસી ધાવા (તાલાળા), સીએચસી સૂત્રાપાડા, પીએચસી ફુલકા (ગીરગઢડા), સબ સેન્ટર-2 કોડીનાર, અને પીએચસી. દેલવાડા (ઊના) ખાતે નિઃશુલ્ક તેમ જ વેરાવળની ખાનગી સાંગાણી હોસ્પિટલ, આદિત્યા બિરલા હોસ્પિટલ, આઈ.જી.મેમોરિયલ હોસ્પિટલ, કોડીનારની અંબુજા હોસ્પિટલ અને આર.એન.વાળા હોસ્પિટલ, ઉનાની નટરાજ હોસ્પિટલ અને જીવનજ્યોત સેવા સંઘ ખાતે રૂ. 250નો ચાર્જ લઈ પ્રથમ ડોઝની રસી આપી રક્ષિત કરવામાં આવશે.