ફરિયાદી જ હતો આરોપી પોલીસે કાવતરાના ગુનામાં સર્જન વઘાસિયાની પણ કરી અટકાયત ગીર સોમનાથ:જિલ્લાના ઉના તાલુકાના કાજરડી ગામમાં ફરિયાદી જ આરોપી સાબિત થતા મારામારીના કેસમાં નાટ્યાત્મક વળાંક આવ્યો છે. 27મી જુલાઈના સવારના સાતથી આઠની વચ્ચે ગામના નાનુભાઈ ચારણીયા ને ગામના કેટલાક ઈસમો એ છરી વડે ઇજા પહોંચાડાયાની પોલીસ ફરિયાદ ઉના પોલીસ મથકમાં દાખલ થઈ હતી. જેની ઉના પોલીસ તપાસ કરી રહી હતી. સમગ્ર મારામારી અને છરીથી ઈજા પહોંચાડાયાના આરોપમાં ફરિયાદી નાનુભાઈ ચારણીયા ખુદ આરોપી સાબિત થયા છે. તેમની સાથે ઉનાના તબીબ રસિક વઘાસીયા પણ આરોપી તરીકે પોલીસ તપાસમાં નામ ખોલતા સમગ્ર મામલો હવે ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો છે.
"ફરિયાદીની હિલચાલ અને પોલીસ તપાસમાં ફરિયાદી દ્વારા જે ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું હતું તે પ્રકારના એક પણ સંયોગીક પુરાવાઓ પ્રાપ્ત થયા ન હતા. ત્યાર બાદ પોલીસે ફરિયાદી નાનુભાઈ ચારણીયા ના મોબાઈલ ફોનમાં કરેલા કોલ રેકોર્ડિંગ ની તપાસ કરતા સમગ્ર કાવતરું ખુલ્લું પડ્યું હતું જેમાં ફરિયાદી બનેલા નાનુભાઈ ચારણીયા ખુદ આરોપી નિકળતા સમગ્ર કાવતરામાં સહકાર આપતા ઉનાના તબીબ રસિક વઘાસીયા પણ સામેલ હોય પોલીસે ચાર વ્યક્તિની અટકાયત કરીને ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે"-- જીતેન્દ્ર અગ્રવાલ (મદદનીશ પોલીસ અધિક્ષક ઉના)
રચાયું કાવતરું:કાજરડી ગામના કેટલાક લોકોને હેરાન કરવા માટે નાનુભાઈ ચારણીયાએ આ પ્રકારનું કાવતરું રચ્યું હતું. જેમાં ઉનાના ડો રસિક વઘાસીયા પણ સામેલ થયા હતા કોઈ પણ પ્રકારનો હુમલો કે છરી વડે ઈજા નહીં થઈ હોવા છતાં નાનુભાઈ ડો રસિક વધાસીયા ની હોસ્પિટલે પહોંચે છે. તેમની મિલીભગત થી હોસ્પિટલના અન્ય સ્ટાફે તેને બેભાન કરીને ઓપરેશનમાં ઉપયોગમાં લેવામાં આવતી બ્લેડ વડે ખભા અને પેટના ભાગે સામાન્ય ઇજા કરીને ફરી ટાંકા લઈ ડો રસિક વઘાસિયા દ્વારા ઉના પોલીસ મથકને છરી થી ઈજા થઈ છે. તેવો ફોન કરીને પોલીસને હોસ્પિટલે બોલાવ્યા હતા. પરંતુ સમગ્ર કારસ્તાન આજે આજે ખુલ્લું પડી ગયું છે.
ડો રસિક વઘાસિયાનો ગુનાહિત ઇતિહાસ:ડોક્ટર રસિક વઘાસિયા આજે ખોટી રીતે નિર્દોષ લોકોને કાવતરાનો ભોગ બનાવીને પોલીસ ચક્કરમાં ફસાવી રહ્યા હતા. તેવા કારસ્તાન નો પર્દાફાશ થયો છે. અગાઉ રસિક વઘાસિયા વિરુદ્ધ તાલાલા પોલીસ મથકમાં ખેતીલાયક જમીનને પચાવી પાડવાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો તે સમયે પણ રસિક વઘાસીયા ની અટકાયત કરવામાં આવી હતી ત્યારે આજે ફરી વખત ડો રસિક વઘાસિયા નિર્દોષ લોકોને ખોટી રીતે ગુનામાં ફીટ કરવાના કાવતરામાં આરોપી સાબિત થયા છે જેની ધરપકડ કરીને ઉના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- Ahmedabad Crime News : ટ્રેડ ફંડના નામે 2 કરોડનો ચૂનો લગાવવાનો પ્રયાસ, વેપારીની સજાગતાએ ઠગનો ભાંડો ફોડ્યો
- Sexual harassment Case : બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ નોંધાઇ ગેરકાયદેસર ખાણકામની ફરિયાદ, NGTએ તપાસના આદેશ આપ્યા