ગીર સોમનાથ જિલ્લાનું આદર્શ ગામ એટલે કે, વેરાવળ તાલુકાનું બાદલપરા ગામ. આ ગામ કોંગ્રેસના દિવંગત પૂર્વ સાંસદ જશુભાઈ બારડ અને હાલના તાલાળાના કોંગ્રેસી ધારાસભ્ય અને હાલમાં જ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા સસ્પેનશન મામલે વિવાદમાં રહેલા ભગવાન બારડનું ગામ છે. સોમવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વ. જશુભાઈ બારડ મેમોરિયલ સેન્ટર, સાયક્લોન સેન્ટર માટે ભૂમિ દાન, આદર્શ ગામ બાદલપરા પ્રવેશદ્વાર, પેટા આરોગ્ય કેન્દ્ર સહિતના કામોનું લોકાર્પણ કર્યું હતું.
ગીર સોમનાથ: CM રૂપાણીએ કોંગ્રેસના ધારાસભ્યની સેવાઓનું લોકાર્પણ કરતા રાજકારણ ગરમાયું - જશુભાઇ બારડ મેમોરિયલ સેન્ટર
ગીરસોમનાથ: CM રૂપાણીએ કોંગ્રેસના નેતા સ્વ.જશુભાઇ બારડ મેમોરિયલ સેન્ટર સહિતના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણ તલાલાના ધારાસભ્ય ભગવાન બારડે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરાવ્યું હતું. જે બાદ ગીર સોમનાથ જિલ્લામાં રાજકીય સમીકરણો બદલાયા છે.
આ કાર્યક્રમમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા, પુંજા વંશ, વિમલ ચુડાસમા સહિતના કોંગી નેતાઓ અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, સાંસદ પૂનમ માંડવ, પ્રધાન જવાહર ચાવડા, સાંસદ રાજેશ ચુડાસમા સહિતના નેતાઓએ એક મંચ પર જોવા મળ્યા હતા.
આ તમામ નેતાઓની એકમંચ પરની હાજરીથી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, અનેક પ્રકારની અફવાઓનો દોર શરૂ થયો છે. જ્યારે લોકોમાં થતી ચર્ચા મુજબ એક સમયે જયારે તાલાલા કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ખનિજચોરી કેસમાં કોર્ટના આદેશ બાદ વિધાનસભાના અધ્યક્ષે સસ્પેન્ડ કરતા આ જ ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આરોપ પ્રતિઆરોપ કરી રહ્યા હતા. ભગવાન બારડના સસ્પેન્શનને લઈ વિવાદમાં આવેલા તમામ ભાજપ તેમજ કોંગ્રેસના તમામ નેતાઓ એકમંચ પર સાથે જોવા મળતા આવનારા દિવસોમાં ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના રાજકારણમાં ફેરબદલ થાય તો નવાઈ નહી.