ગાંધીનગર: દેશમાં હાલમાં IPL ક્રિકેટ નો ફિવર જોવા મળી રહ્યો છે, ત્યારે અમુક લોકો શોર્ટ કટનો ઉપયોગ કરીને ક્રિકેટમાં સટ્ટો રમીને લાખો કરોડોપતી થવાં માટે સટ્ટો રમી રહ્યા છે. ગુજરાતમાં સટ્ટો ગેરકાયદેસર છે અને અમદાવાદના માધુપુરા વિસ્તારમાં PCB દ્વારા IPL સટ્ટા પર રેડ પડવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપી જીતુને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જીતુ હજુ પોલીસ કસ્ટડીથી દૂર છે ત્યારે અચાનક વોન્ટેડ આરોપી જીતુ થરાદ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્યના ફોટો સોસીયલ મીડિયામાં વાઇરલ થતા સવાલો ઉભા થઈ રહ્યા છે.
જીતુ થરાદે રાજભવનમાં ભોજન લીધું:માધુપુરામાં IPL 2023 ક્રિકેટ ઉપર કરોડોનો સટ્ટો રમાડતા અમદાવાદ પીસીબી દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં સટ્ટા કિંગ જીતુ ઠક્કર જીતુ થરાદને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. હજુ પણ તે પોલીસની ધરપકડથી દૂર છે અને તે પહેલાં જ ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સાથે રાજભવનમાં ભોજન લેતા હોય તેવા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ફોટાની વાત કરવામાં આવે તો મુખ્ય ખુરશી ઉપર રાજ્યપાલ આચાર્ય બેઠા છે અને આચાર્ય દેવ્રતની બાજુમાં ડાબી બાજુ સટ્ટા કિંગ જીતુ ઠક્કર ભોજન લેતા હોય તેવા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ઉપરાંત તેમની પાસે અન્ય લોકો પણ રાજ ભવનમાં ભોજન લેતા હોય તેવા ફોટોમાં દેખાઈ આવે છે.
રાજભવનથી કોઈ સ્પષ્ટતા નહીં:સોશિયલ મીડિયામાં મંગળવારથી સટ્ટા કિંગ જીતુ ઠક્કર અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યના ફોટો વાયરલ થઈ રહ્યા છે, ત્યારે આ બાબતે રાજભવનથી અને રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. જ્યારે આ ફોટો બાબતે ETV ભારત પણ કોઈ જ પ્રકારની પુષ્ટિ કરતું નથી. આ ફોટો કેટલો જૂનો છે, કોણે વાઇરલ કર્યો, તે બાબતે ETV કોઈ પુષ્ટિ કરતું નથી.
2000 કરોડનો સટ્ટો:અમદાવાદના માધુપુરા વિસ્તારમાં પીસીબી દ્વારા રેડ પાડવામાં આવી હતી, જેમાં પોલીસ તપાસમાં 2000 કરોડ રૂપિયાનો સટ્ટાકાંડ હોવાનું સામે આવ્યું છે. જ્યારે મુખ્ય આરોપી જીતુ થરાદ ઉર્ફે જીતુ ઠક્કરને ગુજરાત પોલીસ દ્વારા વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યો છે. જીતુ થરાદન વિદેશમાં અનેક મિલકતો ધરાવે છે. જ્યારે રિયલ એસ્ટેટથી લઈને અનેક ક્ષેત્રમાં પોતાની પ્રોપર્ટી ખરીદીને પણ રાખી છે. PCB રેડમાં ભ્રષ્ટચાર થયા હોવાના આક્ષેપ પણ PCB ટિમ પર લાગ્યા છે, ત્યારે PCB PIની પણ બદલી કરી દેવામાં આવી છે.