ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેક રિપબ્લિકના વડાપ્રધાન પેટ્ર ફિઆલા સાથે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરમાં મુલાકાત બેઠક યોજી હતી. પેટ્ર ફિઆલા રાષ્ટ્ર અધ્યક્ષ હોવાના નાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ચીફ ગેસ્ટ તરીકે સહભાગી થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેક રિપબ્લિકના વડાપ્રધાન પેટ્ર ફિઆલા સાથે ઇન્ડસ્ટ્રી, ઓટોમેટીવ અને ક્લીન એનર્જી ક્ષેત્રે સહભાગીતા કરવા માટે પરામર્શ કર્યો હતો.
ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે,2001માં ગુજરાતે ભયંકર ભૂકંપનો માર વેઠ્યો હતો. ઉપરાંત પાણીની ભારે અછત પણ ગુજરાતી ભોગવી છે. આ બધી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી ગુજરાતને બહાર લાવવા અને વિકાસના માર્ગે ગતિમાન બનાવવા માટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પરંપરા શરૂ કરાવી હતી. આ સમિટે ગુજરાતની ગ્રોથ સ્ટોરીના ઉજળા અધ્યાયનો આરંભ કર્યો છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત અમૃતકાળમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટેનું વિઝન પ્રસ્તુત કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.
સહભાગીતાની પરંપરા :આ સાથે મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીના વિકસિત ભારતના વિઝન અને વૈશ્વિક મંચ ઉપર ગુજરાતની ક્ષમતાઓને ઉજાગર કરવામાં વાઇબ્રન્ટ સમિટના ભૂમિકા અંગે વિષદ છણાવટ કરી હતી. તો મુલાકાત સંદર્ભે ચેક રિપપ્બિકના પીએમ પેટ્ર ફીઆલાએ જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ચેક રિપબ્લિકના વડાપ્રધાન સહભાગી થાય તે હવે એક પરંપરા બની ગઈ છે. આ પહેલાંની વાઇબ્રન્ટ સમિટમાં તેમના પૂર્વગામી વડાપ્રધાન સહભાગી થયા હતાં અને હવે તેઓને વાઇબ્રન્ટ સમિટની આ ૧૦મી એડિશનમાં સામેલ થવાની તક મળી છે.
સંરક્ષણ કંપનીઓના રોકાણની શક્યતાઓની ચર્ચા :આ બેઠકમાં ઇન્ડસ્ટ્રી, ઓટોમેટીવ અને ક્લીન એનર્જી ક્ષેત્રે સહભાગીતા કરવા માટે પરામર્શ કરવામાં આવ્યો હતો. ચેક રિપબ્લિકના વડાપ્રધાન સાથેની મુલાકાતને ફળદાયી ગણાવતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમના એક ટ્વીટમાં જણાવ્યું હતું કે પેટ્ર ફિઆલા સાથે ફળદાયી બેઠક કરી. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં ચેક રિપબ્લિક પાર્ટનર કન્ટ્રી હતું અને તે #VGGS2024માં પણ છે. અમે ધોલેરા SIR માં ચેક સંરક્ષણ કંપનીઓના રોકાણની શક્યતાઓની ચર્ચા કરી. ઝેક રિપબ્લિકની અગ્રણી ઓટો કંપનીઓ ભારતમાં રોકાણ કરી ચૂકી છે. આ સંદર્ભમાં, ગુજરાત દ્વારા ઓટોમોટિવ અને રેલ્વે ક્ષેત્રે ઓફર કરાયેલ રોકાણની તકો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
- VGGS 2024 : વાઈબ્રન્ટ ગુજરાતમાં આવેલા વિદેશી રોકાણકારની દ્રષ્ટિએ ભારતની ઇકોનોમી
- VGGS 2024 : ભારતના અમૃતકાળમાં વાઈબ્રન્ટનું પ્રદાન, કેન્દ્રીય રેલવેપ્રધાન દર્શના જરદોશની પ્રતિક્રિયા