ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 20 વર્ષથી બે વર્ષના સમયાંતરે ગુજરાત વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વર્ષ 2024 માં પણ જાન્યુઆરી માસમાં ગુજરાત સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 11 ઓક્ટોબરના રોજ મુંબઈમાં વાઈબ્રન્ટ ગુજરાતને લઈને રોડ શો કરશે. આ અંગે GMDC ના MD રાહુલ ગુપ્તાએ જાહેરાત કરી વિગતવાર માહિતી આપી હતી.
Vibrant Gujarat 2024 : મુંબઈમાં CM ભૂપેન્દ્ર પટેલ કરશે વિવિધ દેશના કોન્સ્યુલેટ અને ઉદ્યોગકારો સાથે બેઠક
વર્ષ 2024 જાન્યુઆરી માસમાં ગુજરાત સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મુખ્યપ્રધાન 11 ઓક્ટોબરના રોજ મુંબઈ ખાતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુંબઈના ઉદ્યોગકારો અને ડિપ્લોમેટ સાથે બેઠક કરી ગુજરાતમાં રોકાણ કરવા માટેનું આમંત્રણ આપવામાં આવશે.
Published : Oct 9, 2023, 8:23 PM IST
ઉદ્યોગકારો અને ડિપ્લોમેટ સાથે બેઠક :રાહુલ ગુપ્તાએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2024 માં ગુજરાત વાઈબ્રન્ટ સમિટનું 10 મું એડીશન શરૂ કરવા જઈ રહ્યા છે. તે માટે 11 ઓક્ટોબરના રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુંબઈ ખાતે રોડ શો કરશે. આ રોડ શોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં પ્રથમ ભાગમાં સીએમ ભુપેન્દ્ર પટેલ 12 જેટલા ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક કરશે. આ 12 કંપનીની વાત કરવામાં આવે તો તેમાં રિલાયન્સ, ગોદરેજ, ટીવીએસ, પારલે-એગ્રો જેવી કંપનીઓના ઉદ્યોગકારો સાથે બેઠક કરશે. જ્યારે બીજી બેઠકમાં અન્ય 500 થી 600 જેટલા ઉદ્યોગકારો સાથે પણ બેઠક કરશે. મુંબઈ રોડ શોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિટની માહિતી આપવામાં આવશે કે, ગુજરાતની અંદર કયા બિઝનેસ કરી શકાય અને કઈ પ્રકારનું રોકાણ થઈ શકે તેમ છે.
દિલ્હી વાઈબ્રન્ટ ગુજરાત રોડ શો :11 ઓક્ટોબરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુંબઈ ખાતે રોડ શો યોજવા જઈ રહ્યા છે. ત્યારે અગાઉના અઠવાડિયે સીએમ ભૂપેન્દ્ર પટેલનો દિલ્હી ખાતે રોડ શો હતો. તેમાં પણ દિલ્હીમાં ઉદ્યોગકારો સાથે બેઠક કર્યા બાદ સમિટમાં હાજર રહેવાનું અને ગુજરાતમાં રોકાણ કરવા માટેનું આમંત્રણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપ્યું હતું. સાથે જ વાત કરવામાં આવે તો દિલ્હી ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સરકારની પોલીસી બાબતની પણ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આ પોલીસીના માધ્યમથી કંપનીઓ માટે સર્વગ્રાહી ઈકો સિસ્ટમ તૈયાર કરવાનો તેમજ ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક કક્ષાએ સ્પર્ધાત્મક બનાવવાના ગુજરાત સરકારનો ઉદ્દેશ છે.