સમગ્ર રાજ્યમાં વિવિધ વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના સમગ્ર પાક નિષ્ફળ ગયા છે, ત્યારે ખેડૂતોને થયેલા નુકસાનમાં રુપિયા 700 કરોડની સહાય જાહેર કરી હતી, પરંતુ અનેક જિલ્લામાંથી ફરિયાદ આવતા અને નુકસાનનો આંક વધી જતાં રાજ્ય સરકારે રિવાઇઝ પેકેજ જાહેર કર્યું હતું. આ ઉપરાંત 700 કરોડની જગ્યાએ કુલ 3795 કરોડની સહાય જેહાર કરી છે. હવે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાના ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે.
કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે રાજ્ય સરકારે જાહેર કર્યું 'સહાય પેકેજ', જાણો કઇ રીતે ભરી શકાશે આ ફોર્મ? - ખેડૂતોને સહાય પેકેજ
ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં અને તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે રાજ્યના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જેની રાજ્ય સરકારે કબુલાત પણ કરી હતી. તેથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય મળી રહે તે માટે ખાસ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
રાજ્યમાં 15 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. તે અંગે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતો દ્વારા નિયત નમુનામાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક અને તલાટી કમ મંત્રીની અરજી કરવાની રહેશે. આ સહાયનો લાભ મેળવવા ખાતેદાર ખેડૂતે 31 ડિસેમ્બર 2019 સુધીમાં અરજી કરવાની રહેશે. આ અરજી સાથે ખેડૂતોએ આધાર કાર્ડ, તલાટીનો પાક વાવેતરનો દાખલો અથવા 7/12, 8-A, બેન્ક એકાઉન્ટ નંબર માટે બેન્ક પાસ બુકના પ્રથમ પાનાની IFSC કોડ સાથેની નકલ તેમજ સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનું અન્ય ખાતેદારની સહીવાળું 'ના વાંધા' અંગેનું સંમતિ પત્રક અથવા તો સંયુક્ત ખાતેદારોની અનુપસ્થિતિમાં ખેડૂતનું કબુલાતનામું જોડવાનું રહેશે.
વધુમાં એક ખાતા દીઠ એક જ અરજી કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી અથવા તાલુકા અમલીકરણ અધિકારી (ખેતી), પેટા વિભાગ કક્ષાએ મદદનીશ ખેતી નિયામક અને જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે.