ગાંધીનગર:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં બેઠક મળી હતી. આ બેઠકમાં TRB જવાનને છૂટા કરવાના મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. TRB જવાનોને ફરજ પરથી મોકૂફ કરવાનો નિર્ણય હાલ મુલતવી રાખવામાં આવ્યો છે. બેઠકમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, કે કૈલાશનાથન હજાર રહ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાયા હતા.
સરકારની પીછેહઠ ! સરકારે 6000થી વધુ TRB જવાનને છૂટા કરવાનો નિર્ણય કર્યો મોકૂફ
ગુજરાત સરકારે TRB જવાનોને ફરજ પરથી છૂટા કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજ્યના 6000થી વધુ TRB જવાનોને છૂટા કરવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.
Published : Nov 23, 2023, 9:12 PM IST
રાજ્ય પોલીસ વડાનો આદેશ:રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજ્યના 6000થી વધુ TRB જવાનોને છૂટા કરવાનો લઈને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. તે મુજબ 10 વર્ષથી માનદ સેવા સાથે જોડાયેલા 1100 જેટલા જવાનો, 5 વર્ષથી ટ્રાફિક નિયમન કરતા 3000 જવાનો અને પાછલા 3 વર્ષથી ટ્રાફિકનું સફળ સંચાલન થાય તે માટે સેવામાં જોડાયેલા 2300 જેટલા મહિલા અને પુરુષ ટ્રાફિક બ્રિગેડના જવાનોને વહીવટી રીતે હવે સેવામાં ચાલુ રાખી શકાય નહીં તેવા આદેશ આપવામાં આવ્યા હતા. જેમાં દસ વર્ષની માનદ સેવા કરેલા ટ્રાફિક બ્રિગેડના જવાનોને 30 નવેમ્બર 2023, પાંચ વર્ષની માનદ સેવા કરેલા ટ્રાફિક બ્રિગેડના જવાનને 30 ડિસેમ્બર 2023 અને ત્રણ વર્ષની માનદ સેવા કરેલા ટ્રાફિક બ્રિગેડના જવાનને 31 માર્ચ 2024 સુધીમાં ફરજ મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
સરકારને પરિપત્ર પરત ખેંચવા માંગ:અચાનક ફરજમાંથી છૂટા કરવાનો આદેશ કરવામાં આવતાં TRB જવાનો અને તેમના પરિવારજનોમાં ભારે ચિંતા જોવા મળી રહી હતી. પાછલા દસ વર્ષથી ટ્રાફિક નિયમન સાથે જોડાયેલા અને માનદ વેતન સાથે કામ કરતા TRB જવાનો બેરોજગાર થવાને આરે ઉભેલા જોવા મળ્યા હતા. ત્રણ અને પાંચ વર્ષથી કોન્ટ્રાક્ટ આધારિત ટીઆરપી જવાન તરીકે ફરજ બજાવનાર લોકોને છૂટા કરી દેવાના આદેશ પગલે રોષનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્ય સરકાર પોતાનો પરિપત્ર પરત ખેંચે તેવી માંગ TRBના જવાનો દ્વારા કરવામાં આવી હતી. જેને પગલે આજે મળેલી બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા TRB જવાનોને છૂટા કરવાનો મોકૂફ રાખ્યો છે.