ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટનગરને આજે 56મું બેઠું, એક માળની ઇમારતથી 16 માળ સુધીનો વિકાસ થયો - પાટનગર

ગાંધીનગરને આજે 56મું વર્ષ બેઠું છે, ત્યારે કોરોના મહામારીને લઇને આ વર્ષે અત્યંત સાદગીપૂર્વક રીતે આ દિવસની ઉજવણી કરવા માટે નાગરિક સંગઠનો અને વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સાડા પાંચ દાયકા અગાઉ માત્ર પાંચ હજારની વસ્તી ધરાવતા પાટનગરમાં હાલ પાંચ લાખથી વધુ વસ્તી વસે છે. શહેરના વિકાસની આ સફરને યાદગાર બનાવવા માટે નગરજનો સાંજે પોતાના ઘર આંગણે દીવડા પ્રગટાવશે.

Gandhinagar
પાટનગર

By

Published : Aug 2, 2020, 6:50 AM IST

Updated : Aug 2, 2020, 7:01 AM IST

ગાંધીનગર: રાજ્યનું પાટનગર ગાંધીનગર આજે વિશ્વના નક્શામાં ઝળહળતું જોવા મળે છે, ત્યારે આ શહેર આજે 56 માં વર્ષમાં પ્રવેશ કરશે. જો કે, કોરોના વાઇરસના કારણે ઉજવણી બંધ રાખવામાં આવી છે. ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવાનું સુચન 16 માર્ચ 1960ના રોજ મુખ્ય પ્રધાન જીવરાજ મહેતાએ કર્યું હતું. ગાંધીનગર શહેરની સ્થાપના 2 ઓગસ્ટ 1965ના રોજ થઇ હતી. શહેર માટેની પ્રથમ ઇટ હાલમાં કાર્યરત થર્મલ પાવર સ્ટેશન ખાતે મૂકવામાં આવી હતી. ત્યારબાદ આ બિલ્ડિંગને GEBને સોંપી દેવામાં આવ્યું હતું. ઇ.સ. 1971થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું. તે સમયે હિતેન્દ્રભાઇ દેસાઈ મુખ્ય પ્રધાન હતા.

પ્રથમ દંપતી તરીકે પૂર્વ મુખ્ય પ્રધાનના પુત્ર અને પુત્રવધુ

ગાંધીનગરમાં સૌપ્રથમ દંપતી સેક્ટર 29માં રહેવા માટે આવ્યા હતા. સરકારી મકાનમાં પૂર્વ મુખ્ય પ્રધાન બાબુભાઈ જશભાઈ પટેલના પુત્ર સતીશ પટેલ અને પુત્રવધુ ગીરાબેન પટેલ રહેવા માટે આવ્યા હતા. બાબુભાઈ જશભાઈ પટેલ વિદુર હોવાના કારણે પ્રથમ દંપતી તરીકે તેમના પુત્ર અને પુત્રવધુનું નામ આવે છે.

ગાંધીનગરના નિર્માણમાં સ્મશાન ગૃહ ભુલાયું હતું

ગાંધીનગર શહેરની સ્થાપના કરવામાં આવી ત્યારબાદ તેમાં જરૂરિયાત પૂરતી તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. પરંતુ શહેરમાં રહેતો નાગરિક મૃત્યુ પામે ત્યારબાદ તેને સ્મશાન ગૃહ લઈ જવામાં આવે છે, તે સમયે ગાંધીનગર શહેરમાં પ્રથમ મોત 25 ઓગસ્ટ 1970નાં રોજ ચંદ્રકાન્ત બક્ષીનું થયું, ત્યારે તેના અગ્નિસંસ્કાર ક્યા કરવા તે સમસ્યા ઊભી થઈ હતી. ત્યારે હાલમાં સરકારી પ્રેસ જ્યાં આવેલું છે, તે સેક્ટર 28 ચાર રસ્તા પાસે શહેરમાં રહેતા પ્રથમ નાગરિકના મોત બાદ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સાબરમતી નદીના કિનારે મુક્તિધામનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

પાટનગરને આજે 56મું બેઠું, એક માળની ઇમારતથી 16 માળ સુધીનો વિકાસ થયો
પ્રથમ બસ મથક સેક્ટર 28 પાસે બનાવાયું હતું
ગાંધીનગર શહેરની સ્થાપના બાદ બસ મથક હાલમાં સેક્ટર 28 પ્રેસ સર્કલ જ્યાં છે, ત્યાં બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સમય ગયા બાદ માગ વધતા તેને ગાંધીનગર શહેરમાં હાલમાં સેક્ટર 11માં બનાવવામાં આવ્યું છે.

શહેરને 'ક થી જ' અને '1થી 7' વચ્ચેની ઓળખ અપાઇગાંધીનગર શહેરને વિવિધ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે. તેમાં ક, ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા તથા 1, 2, 3, 4, 5, 6, 7 નામના આડા રસ્તા આવેલા છે. ક, ખ, ગ, ઘ, ચ, અને છ રોડની દિશા ઉત્તર-દક્ષિણ છે, જ્યારે અંકોમાં નિર્દિષ્ટ રસ્તાઓની દિશા પૂર્વ-પશ્ચિમ છે. ઊભા અને આડા રસ્તાઓ દર એક કિલોમીટરનાં અંતરે એકબીજાને છેડે છે. રસ્તા કેટલાક ભાગમાં પૂર્વ-પશ્ચિમ છે અને કેટલાક ભાગમાં ઉત્તર-દક્ષિણ છે. ગાંધીનગર શહેરની રચનામાં સિંધુ સંસ્કૃતિની એક અનોખી ઝલક જાવા મળે છે. સુ-વ્યવસ્થિત નગર નિયોજન જોવા મળે છે. શહેરની રચનાનું આયોજન મુખ્ય સ્થપતિ (ચીફ આર્કિટેક્ટ) એચ. કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું.

ગુજરાતનું 7મું પાટનગર છે ગાંધીનગર

ગાંધીનગર ગુજરાતનું સાતમું પાટનગર છે. આ અગાઉ પ્રથમ આનર્તપુર, બીજુ ધ્વરાવતી (દ્વારકા), ત્રીજુ ગીરીનગર (જૂનાગઢ), ચોથુ વલ્લભી (ભાવનગર), પાંચમુ અણહીલપુર (પાટણ), છઠ્ઠુ અમદાવાદ અને સાતમું ગાંધીનગર પાટનગર બન્યુ હતું.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી સાબરમતી નદીના કિનારે વસાવાયેલા ગાંધીનગરમાં ઇમારતોની શરૂઆત જીઇબી કોલોનીના ગેસ્ટ હાઉસથી થઇ હતી. જ્યારે ગાંધીનગરમાં પ્રથમ સચિવાલય અમદાવાદમાં હાલના પોલિટેકનિક મકાન (આંબાવાડી)થઈ ખસેડી લેવાયુ હતું. આ જૂના સચિવાલય એટલે કે, ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન ડૉ.જીવરાજ મહેતાનું નામકરણ ધરાવતી ઇમારતમાં સ્થળાંતર થયુ હતું. આ પછી 11 જુલાઇ, 1985ના રોજ નવા સચિવાલયમાં 9 માળના કુલ બે બ્લોકમાં બ્લોક નંબર 1થી 14 કાર્યરત થયા. જ્યાં મુખ્યપ્રધાન સહિતનાઓ માટે બ્લોક નંબર 1-2માં વિશિષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ પછી 6 વર્ષ પહેલા સ્વર્ણિમ સંકુલ 1 અને 2નું નિર્માણ કરતા મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળ કાર્યરત છે.

ગાંધીનગરના જોવાલાયક સ્થળો

ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોમાં સેક્ટર 28 નો બગીચો, બાલક્રિડાંગણ, અક્ષરધામ મંદિર અને સ્વામિનારાયણ ધામ (ઇન્ફોસિટીની સામે) છે, જે ગાંધીનગરમાં સૌથી વિશાળ જગ્યામાં ઘેરાયેલુ છે. ગાંધીનગરની નજીકમાં વિજાપુર રોડ પર મહુડી ઘંટાકરણ મહાવીરનું પ્રખ્યાત જૈન મંદિર તથા અમરનાથ ધામ (મૂળ અમરનાથની પ્રતિકૃતિ) પણ જોવા લાયક છે. જેમા અક્ષરધામ, સેક્ટર 28નો બગીચો, ગુજરાત વિધાનસભા, ઇન્ફોસિટી, મહાત્મા મંદિર, સ્વર્ણિમ પાર્ક ( ગાંધીનગર), સરિતા ઉદ્યાન, સંત સરોવર, હરણ ઉદ્યાન, સચિવાલય, ગિફ્ટ સિટી, અડાલજની વાવ, અંબાપુરની વાવ જ્યારે સાબરમતી નદીના કિનારે ચીમનભાઇ પટેલની સમાધિ ‘ર્નમદા ઘાટ’ આવેલ છે.

વર્ષ 2011માં મહાપાલિકા અસ્તિત્વમા આવી

ગાંધીનગર શહેરની સ્થાપના બાદ નોટિફાઇડ એરિયા કાર્યરત હતું. પરંતુ શહેરમાં રહેતા બુદ્ધિજીવીઓ દ્વારા ગાંધીનગર શહેરને મહાપાલિકા આપવામાં આવે તેવો હાઈકોર્ટમાં કેસ કર્યા બાદ વર્ષ 2011માં મહાપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં પ્રથમ કોંગ્રેસની બોડી ચૂંટાઈ આવી હતી. જેમાં મેયર તરીકે મહેન્દ્રસિંહ રાણા (હાલ ભાજપમા) ડેપ્યુટી મેયર તરીકે યુસુફ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પ્રવિણ પટેલ (હાલ ભાજપમા)ની વરણી કરવામાં આવી હતી.

નગર બનાવવા 7 ગામ લીધાં, હવે વધું 18નો સમાવેશ કરાયો

2 ઓગસ્ટ 1965ના દિવસે જીઈબી થર્મલ પાવર સ્ટેશન ખાતે પ્રથમ ઈમારતની પ્રથમ ઈંટ મુકાઈ હતી. જોકે, નગરનું નામાભિધાન 23 ડિસેમ્બર 1969ના દિવસે થયું હતું. અનેક કામગીરી પૂર્ણ થયા બાદ 30 જુલાઈ 1970ના રોજ નવા પાટનગરમાં સ્થાંળતર થયું હતું. જે સાત ગામોની જમીન પર ગાંધીનગર વસ્યુ છે. તે ગ્રામજનોના જ અનેક પ્રશ્નો હજુ ઉકેલાયા નથી. ત્યાં વધુ 18 ગામોનો સમાવેશ કરી દેવાયો છે.

નગરજનો દીવડા પ્રગટાવી ગાંધીનગરનો જન્મદિન ઉજવશે

આજે ગાંધીનગરનો 56મો સ્થાપના દિન છે. આ વર્ષે અત્યંત સાદગીપૂર્વક રીતે આ દિવસની ઉજવણી કરવા માટે નાગરિક સંગઠનો અને વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સાડા પાંચ દાયકા અગાઉ માત્ર પાંચ હજારની વસતી ધરાવતા પાટનગરમાં હાલ પાંચ લાખથી વધુ વસતી છે. શહેરના વિકાસની આ સફરને યાદગાર બનાવવા માટે નગરજનો સાંજે પોતાના ઘર આંગણે દીવડા પ્રગટાવશે.

સાડા પાંચ દાયકાની સફરમાં વસતી 5 હજારથી વધીને 5 લાખ પર પહોંચી

ભાજપ સંગઠન દ્વારા આજે સવારે 9 કલાકે જીઈબી ગેસ્ટ હાઉસ ખાતે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ યોજાશે. આ કાર્યક્રમાં સીએમ વિજયભાઈ રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ ઓનલાઈન હાજરી આપશે. મેયર રીટાબેન પટેલે જણાવ્યું કે, આજના દિવસે નગરના પ્રત્યેક પરિવાર દ્વારા એક વૃક્ષ વાવીને અને તેનો જતનપૂર્વક ઉછેર કરવાની જવાબદારી લે તો સોનામાં સુગંધ ભળશે. આ સાથે જ સ્થાપના દિવસ તારીખ 2 ઓગસ્ટને યાદગાર બનાવવા માટે સાંજે 7.30 કલાકે દરેક ઘરના આંગણે દિવા પ્રગટાવવામાં આવે તેવી અપીલ કરું છું.

નાના શહેરથી સ્માર્ટ સિટીની ઓળખ

ગાંધીનગરની સ્માર્ટ સિટીમાં પસંદગી બાદ તેની કાયાપલટ માટે કરોડો રૂપિયનો ખર્ચ થઈ રહ્યો છે. મહાપાલિકા દ્વારા અને સ્માર્ટ સિટી અંતર્ગત કુલ મળીને રૂપિયા 6.65 અબજ મતલબ કે, રૂપિયા 664.77 કરોડના ખર્ચના કામ હાથ ધરવામાં આવ્યા છે. તેમાં 579 કરોડના ખર્ચના કામ પ્રગતિ હેઠળ છે. ઘ-4 ખાતે અંડરબ્રિજ, બગીચાઓના નવીનીકરણ અને ગટર-પાણીની લાઈન સહિતના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાલ પ્રક્રિયા હેઠળ છે.

સાબરમતીના તીરે તીરે,ધીરે ધીરે વિકસતું ગાંધીનગર.

વાવ, વગાડોને વચનોમાં વિસ્તરતું ગાંધીનગર.

છેલ છબીલું, દિવસ રાત સકલ સૂરત બદલાતું ગાંધીનગર.

હરિયાળું, હર્યું ભર્યું ને શાંત કોલાહલ વચ્ચે,“ફ્લેટ્સની સ્કીમ્સ”થી રળિયામણું બનતું ગાંધીનગર.

ગઈકાલે હતું જે, ને વળી આજે છે જે,એનાથી વધુ આવતીકાલ માટે સજતું સવરતું ગાંધીનગર.

ક થી લઇ જ સુધી ને,0 (શૂન્ય) થી લઇ સાત બ્રહ્માંડ સુધી વિકસતું ગાંધીનગર.

સાબરમતીના તીરે તીરે,ધીરે ધીરે વિકસતું ગાંધીનગર....

આ કવિતાની સાથે ગાંધીનગર શહેરના વિવિધ સ્થળ બતાવતી શોર્ટ ફિલ્મ ત્રણ યુવાનો પરેશ પ્રજાપતિ, અંકુર શ્રીમાળી અને જયેશ પંચોલી દ્વારા બનાવવામાં આવી છે.

Last Updated : Aug 2, 2020, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details