ગૌણ સેવા પેપર લીક મામલો, CCTVની તપાસ કરીને ગુનેગાર સામે કાર્યવાહી કરશે: આશિત વોરા
ગાંધીનગર: ગત રવિવારે યોજાયેલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં 10 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, પરંતુ રવિવારે રાજ્યના અનેક પરીક્ષા કેન્દ્રો ઉપર ચોરી થઇ હોવાના આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા તથા ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યા હતા. જેમાં અમુક ઉમેદવારો દ્વારા વર્ગખંડમાં કાપલીમાં ચોરી કરતા હોવાનું પણ સીસીટીવીમાં સામે આવ્યું છે, ત્યારે ગુજરાત ગૌણ પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ સમગ્ર ઘટના બાબતે જણાવ્યું હતું કે, જે સેન્ટરમાંથી જરૂરી થઈ છે, તેવા તમામ સેન્ટરના સીસીટીવી ચેક કરીને કસુરવાર સામે પગલાં ભરવામાં આવશે.
વોરાએ વધુમાં જણાવ્યું હતું કે આજ દિન સુધી આ પ્રકારની ઘટના બની નથી, પણ સુરેન્દ્રનગર અને અન્ય પરીક્ષા કેન્દ્રના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ઉમેદવારો દ્વારા કાપલી લઈને ચોરી કરવામાં આવી હતી. જ્યારે આજે કર્મયોગી ભવન ખાતે આવેલ ઉમેદવારોએ સોશિયલ મીડિયામાં પેપર લીક થઈ હોવાના સ્ક્રિન શોટ અને અન્ય મટિરિયલ્સ લાવ્યા હતા, ત્યારબાદ હોબાળો પણ કર્યો હતો. પણ આ સમગ્ર બાબતે ગુજરાત પસંદગી બોર્ડના અધ્યક્ષ આશિત વોરાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી આવી કોઈ જ ઘટના બની નથી પણ આ પ્રથમ ઘટના છે. જેમાં હવે સીસીટીવીની તપાસ કરીશુ, જ્યારે ચોરી કરતા અને અન્ય કસુવાર સામે પગલાં લેવામાં આવશે. જ્યારે ઉમેદવારો દ્વારા કરેલ ફરિયાદની વાત કરવામાં આવે તો તેઓ માત્ર બે દિવસ રજુવાત કરવા માટે આવ્યા હતા.