ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં સફાઈ કામદારોએ ફરજના કલાકો પૂરા કર્યા બાદ પોતાની બાયોમેટ્રિક હાજરી પૂરવા માટે લાઈન લગાવવી પડે છે.
રોજના 150થી વધુ સફાઈ કામદારો આ રીતે લાઈનમાં ઊભા રહેવું પડે છે, જેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું નથી. ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં આઉટસોર્સિંગથી કામ કરતા સફાઈ કામદારોની શિફ્ટ બપોરે ત્રણ કલાકે પૂરી થાય છે. શિફ્ટ પૂરી થયા બાદ દરેક કામદારે સેકટર-6 ખાતે આવેલી વોર્ડ ઓફિસમાં બાયોમેટ્રિક હાજરી પૂરવાની હોય છે.
જેમા 150થી વધુ સફાઈ કામદારો દરરોજ લાઈન લગાવીને આ રીતે બપોરે ત્રણના અરસામાં ઊભા રહે છે અને વારાફરતી અંગૂઠાની છાપ નોંધાવી હાજરી પૂરે છે. હાલ કોવિડ-19ના પગલે સરકારી અને ખાનગી કચેરીઓમાં ફરજિયાત બાયોમેટ્રિક હાજરી નોંધાતી નથી. જો કે, ગાંધીનગરમાં આ કામદારોએ હાજરી પૂરવા માટે લાંબી લાઈન લગાવીને ઊભા રહેવું પડે છે. જો બાયોમેટ્રિક હાજરી પૂરાવવાનો વિરોધ કરે તો સફાઈ કામદારોનો દિવસનો પગાર કપાઈ જાય તેમ છે.
સફાઈ કામદારો પોતાની સલામતી વિશે વિચારવાના બદલે પેટિયું રળવા પર ભાર મૂકે છે. રાજકોટમાં 900 સફાઈ કામદારોનું હેલ્થ સ્ક્રિનિંગ થયું હતું, જેમાંથી 45નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ગાંધીનગરના સેકટર-6 ખાતે દરરોજ બપોરે હાજરી પૂરાવવા ભેગા થતાં સફાઈ કામદારો સવારના સમયે વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા કામ કરતા હોય છે. આ કામદારો પૈકી કોઈ એકને કોરોના પોઝિટિવ હોય, તો અન્ય તમામ પર જોખમ સર્જાવાની ભીતિ છે.