ગાંધીનગર ખાતે મળેલી વાહન વ્યવહાર વિભાગની બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા લોકોની સુખાકારી અને સવલત મળી રહે તથા કોઈને હેરાનગતિનો સામનો કરવો ન પડે તે માટે ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે. મળતી માહીતી મુજબ, રાજ્ય સરકારની ખાસ બેઠકમાં રવિવારે પણ લાયસન્સના કામ થઈ શકે તે માટે રાજ્યની તમામ આરટીઓને કાર્યરત રાખવાની સુચના આપવામાં આવી છે. રવિવારના દિવસે આરટીઓમાં નવા લાયસન્સ, પાકા લાયસન્સ રીન્યુ તથા લાયસન્સને લગતી તમામ કામગીરી સાથે વાહનોમાં એચ.એસ.આર.પી નંબર પ્લેટ લગાવવાની પણ કામગીરી ચાલુ રાખવામાં આવશે.
લાયસન્સના કામનું ભારણ ઓછું કરવા હવે રવિવારે પણ RTO રહેશે કાર્યરત - વાહન વ્યવહાર વિભાગ
ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમન લાગુ કરવામાં આવ્યા છે, ત્યારે ગુજરાત સરકારે પણ આ નવા નિયમો રાજ્યમાં લાગુ કરી દીધા છે. હવે લોકોએ લાયસન્સ કઢાવવા માટે આરટીઓમાં લાંબી લાઈન લગાવી છે. આરટીઓમાં વધારાના ધસારાને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ આરટીઓ રવિવાર રજાના દિવસે પણ ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે.
લાયસન્સના કામનું ભારણ ઓછું કરવા હવે રવિવારે પણ RTO રહેશે કાર્યરત
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના નવા નિયમો બાદ રાજ્યના તમામ આરટીઓમાં લાયસન્સને લગતા તમામ કામકાજ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે, ત્યારે જાહેર જનતા દ્વારા પણ અનેક સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે તે સમયે જનતાને વધુ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે અને આરટીઓમાં લાંબી લાઈનથી છુટકારો મળે તે માટે રાજ્ય સરકારે રવિવારના દિવસે પણ આરટીઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.