ગાંધીનગરમાં ભગવાન જગન્નાથ નગરચર્યા પર, રાજ્યની સૌથી લાંબી છે આ રથયાત્રા
ગાંધીનગરઃ જિલ્લામાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળતા હોય છે. ત્યારે રાજ્યમાં સૌથી લાંબી ગણાતી 32 કિલોમીટરની રથયાત્રામાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા. શહેરના સેક્ટર 22માં આવેલા પંચદેવ મંદિર ખાતે રથયાત્રાનું 7:25 કલાકે પ્રસ્થાન થયું હતું. “હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી જય જગન્નાથ"ના નારાઓ વચ્ચે પાટનગરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા. રથયાત્રા સમિતિના મંત્રી ડૉ. દિનેશ કાપડિયાએ કહ્યું કે, પાટનગરની 35મી રથયાત્રા પરંપરાગત રૂટ ઉપર નીકળી હતી. ભગવાન ભક્તોને દર્શન આપવા માટે સામે ચાલીને આજે નીકળ્યા હતા. ત્યારે ભક્તો ઉત્સાહપૂર્વક ભગવાનના દર્શનનો લાહ્વો લઇ રહ્યાં હતા.
રાજ્યમાં અમદાવાદની રથયાત્રાનું અનેરું મહત્વ છે. મોટી સંખ્યામાં જગન્નાથજીના ભક્તો રથયાત્રામાં જોડાઇ છે. ત્યારે પાટનગરની રથયાત્રાનું મહત્વ અમદાવાદની રથયાત્રા સમું જોવા મળે છે. અમદાવાદમાં જે વર્ષે રથયાત્રા નીકળી ન હતી, તે વર્ષથી ગાંધીનગરમાં તેની શરૂઆત કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથની આ 35મી રથયાત્રા નીકળી રહી છે. રાજ્યમાં પાટનગરની રથયાત્રા સૌથી લાંબી 32 કિલોમીટરની છે. ત્યારે ગાંધીનગરની રથયાત્રામાં હાથી, ઘોડા, ઊંટ લારી, ડીજે અને પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.