મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે ગુજરાત વિધાનસભામાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1879માં તૃતિય સુધારા વિધેયક 2019 રજૂ કર્યું હતું. રાજ્યમાં ઔદ્યોગીકરણ અને શહેરીકરણનો વ્યાપ ઝડપથી વધતા કાયદાકીય જરૂરી હોય તેવી મંજૂરીઓ (બિનખેતી પરવાનગી વગેરે) લીધા વિના ખાનગી જમીનો પર રહેણાંક અને ઔદ્યોગિક હેતુથી કરવામાં આવેલ વિકાસ ફેરફારના રજીસ્ટરમાં અને હક્ક પત્રકમાં જમીન ધારણ વગેરે અંગેની ખરેખરી સ્થિતિ નહી દર્શાવાને કારણે જમીન પરના અપૂર્ણ હક્ક, માલિકી હક્ક, હિત સંબંધના અનેક પ્રશ્નો ધ્યાન પર આવેલ છે.
રાજ્ય સરકારે જમીન મહેસૂલ કાયદામાં પરિવર્તન લાવીને વર્ષ 2017ના વિધેયકથી કાયદાના અમલમાં સામાન્ય લોકોને પોતાના હક્ક/ હિતો રેકર્ડ પર નોંધવા માટે પડતી સમસ્યા જેવી કે, માંડવાળ ફી અને અન્ય રકમોને 90 દિવસમાં ભરવા અંગેની જોગવાઈ કરવામાં આવી હતી.
નાના મિલકત ધારકોને પોતાના મિલકતના હકો રેકોર્ડ ઓફ રાઈટ્સમાં નોંધાવી શકે છે. મિલકતના દાવેદારોને આ કાયદાનો લાભ બહોળા પ્રમાણમાં મળે તેવા બહુવિધ હેતુથી તથા જરૂરી નાણા ભરવામાં સવલત રહે તે માટે કાયદામાં 90 દિવસમાં એક જ હપ્તામાં નાણા ભરવાની જોગવાઈ છે. તેમાં મહત્વનો સુધારો લાવીને સુધારણાના કાયદામાં માંડવાળ ફીની રકમ ભરવાનો સમયગાળો 90 દિવસથી વધારીને 365 દિવસ કરવામાં આવ્યો છે. વધુમાં સુધારણા વિધેયક દ્વારા માંડવાળ ફીની રકમ અને અન્ય ફી રકમ ભરવા સવલત કરી આપી 365 દિવસમાં સરળ ચાર હપ્તામાં નાણા ભરી શકે તેવી જોગવાઈ આ બિલમાં કરવામાં આવેલ છે.
વિધાનસભા ગૃહમાં ચર્ચા મુજબ ખાનગી જમીન પર બનેલી ગેરકાયદેસર સોસાયટી કાયદેસર કરાશે. મનપા અને નગરપાલિકા વિસ્તારમાં આ અધિનિયમ લાગુ પડશે. જેમાં બીયું પરમિશન કે, એનએ કર્યા વિનાની સોસાયટી કાયદેસર કરાશે. જ્યારે વર્ષો પહેલા 100ના સ્ટેપ આધારે મકાન ખરીદનાર લોકોને પણ ફાયદો થશે. જ્યારે રાજ્ય સરકાર કાયદેસર કરતા પહેલા તમામ વેરા વસુલ કરશે.