ગાંધીનગર : કહેવત છે કે ગુજરાતનું કચ્છ હંમેશા પાણી માટે તરસ્યું હોય છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel)રાજ્યના સરહદી જિલ્લા કચ્છ માટે નર્મદાના વધારાના 1 મિલીયન એકર ફીટ પાણીના ઉપયોગ માટે ફેઝ-1ના કામો માટે રૂપિયા 4369 કરોડના કામો મંજૂર કર્યા છે. આમ નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફીટ પાણીનો જથ્થો (Narmada water will be provided in Kutch )કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે. આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ 337.98 કિલોમીટરની લંબાઇની પાઇપ લાઇન દ્વારા 4 લિંકનું આયોજન કરાયું છે.
38 જેટલી સિંચાઈ યોજના
કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી (Irrigation water to the farmers of Kutch )મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે 38 જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે. આ હેતુસર કચ્છ શાખા નહેરની વર્તમાન કામગીરીને ધ્યાનમાં રાખીને ફેઝ-1 અંતર્ગત 4369 કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની વહીવટી મંજૂરી આપી છે. આ કામો હાથ ધરાવાના પરિણામે કચ્છના મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા એમ 6 તાલુકાના 77 ગામોને સિંચાઈસુવિધા મળતી થશે. ઉપરાંત અંદાજે 2 લાખ 81 હજાર એકર વિસ્તારમાં આ નર્મદા જળથી સિંચાઈ થઈ શકશે.