ગાંધીનગર :7 ઓકટોબર 2001 ગુજરાત સહિત ભારતીય રાજકારણના ઈતિહાસની મહત્વપૂર્ણ તારીખ છે. સંઘના સ્વયંસેવકથી ભાજપના સંગઠનમાં મહત્વની ભૂમિકા નિભાવનાર નરેન્દ્ર મોદીએ આ દિવસે ગુજરાતમાં સત્તાનું સુકાન સંભાળ્યું હતું. અત્યાર સુધી ચૂંટણીના રાજકારણથી જોજનો દૂર રહેલા મોદીએ 51 વર્ષની ઉંમરમાં પહેલી વખત ગુજરાતના 14 મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાનનું સુકાન સંભાળ્યા બાદ મુશ્કેલીઓનો મક્કમતાપૂર્વક સામનો કરવો પડ્યો હતો.
ગુજરાતના 14 મા મુખ્યપ્રધાન : જ્યારે મોદી ગાંધીનગરની ખુરશી પર બેઠા ત્યારે ગુજરાતનું રાજકીય અને સામાજિક પરિદૃશ્ય કંઈક એવું હતું કે, મુખ્યપ્રધાન તરીકે શાસન કરવું એક મોટો પડકાર હતો. કચ્છના પુનર્નિર્માણના વિરાટ પડકારથી લઈને રાજ્યમાં શિક્ષા, સ્વાસ્થ્ય અને કૃષિ જેવા ક્ષેત્રોની સ્થિતિ કથળી રહી હતી. ત્યારે ઉદ્યોગ અને મૂડી રોકાણ ક્ષેત્રમાં આકરી પ્રતિસ્પર્ધાનો સામનો કરવા માટે મોદીએ એક નવી યોજના તૈયાર કરી. શાસન ચલાવવાની મોદીની પોતાની એક અલગ રીત છે. કહેવાય છે કે, મુખ્યપ્રધાન બન્યા બાદ વહીવટી અધિકારીઓ સાથે પહેલી બેઠકમાં તેઓ શાંત બેઠા રહ્યા અને અધિકારીઓને તેમના વિચારો વ્યક્ત કરવાનું કહ્યું. આ રીતે લોકોની ક્ષમતાને ઓળખવાની તેમની રીત ચોંકાવનારી હતી.
ગુજરાત બન્યું ઔદ્યોગિક રાજ્ય :ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમની પારીની શરૂઆત સાથે જ સર્વપ્રથમ સુશાસનની સ્થાપના પર ભાર મૂક્યો હતો. ઔદ્યોગિક રાજ્ય તરીકે ધુંધળી થયેલી ગુજરાતની છબિને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ચમકાવવા માટે અથાગ પ્રયાસો કર્યા હતા. નરેન્દ્ર મોદીએ લોક ફરિયાદોનું ટેકનોલોજીના માધ્યમથી સમાધાન કરવા માટે ‘સ્વાગત’ના રૂપમાં એક ઓનલાઈન પ્લેટફોર્મ શરૂ કર્યું. જે તે સમયે દેશમાં આ પ્રકારનો એકમાત્ર કાર્યક્રમ હતો. અધિકારીઓને તેમણે વાતાનુકૂલિત કચેરીમાંથી બહાર નીકળીને લોકો સાથે સંવાદ સ્થાપિત કરવાની શીખ આપી. નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા, ગુણોત્સવ, કૃષિ મહોત્સવ, પશુ આરોગ્ય મેળા, ખેલ મહાકુંભ અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવા કાર્યક્રમોના માધ્યમથી ગુજરાતના વિકાસનું એક નવું મોડલ રજૂ કર્યું હતું.
ગુજરાતને મળી વિશ્વવ્યાપી ઓળખ :નરેન્દ્ર મોદીએ પ્રવાસનની વિરાટ સંભાવનાને ધ્યાનમાં રાખીને અનેક કાર્યક્રમ શરૂ કર્યા હતા. ‘ખુશ્બૂ ગુજરાત કી’ પ્રવાસન અભિયાનથી ગુજરાતના પ્રવાસન આકર્ષણો દેશ અને વિશ્વ સમક્ષ ઉજાગર કર્યા. લાંબા સમયથી પાણીની સમસ્યાથી ઝઝૂમી રહેલા ગુજરાતમાં તેમણે આયોજનપૂર્વક કામગીરી શરૂ કરી. નર્મદા જેવી વિશાળ નદી હોવા છતાં ગુજરાતની આ સ્થિતિથી તેઓ ચિંતિત હતા. સરદાર સરોવર ડેમના નિર્માણમાં અનેક વિઘ્નો આવી રહ્યા હતા. પણ તેમણે આ મહત્વાકાંક્ષી પરિયોજનાને સાકાર કરવાનો અટલ સંકલ્પ પૂર્ણ કર્યો. આજે નર્મદાના પાણી, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યા છે અને ખેડૂતો માટે વરદાન સાબિત થયા છે.
ગુજરાતની જનતાને મળેલી કેટલીક ખાસ ભેટ :
- સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી : 2014 માં વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ માત્ર 17 દિવસની અંદર નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપી દીધી હતી. આ રીતે ગુજરાતના લોકોનું વર્ષો જૂનું સપનું આખરે સાકાર થયું.
- ગુજરાતને મળી ક્રૂડ રોયલ્ટી : વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ માર્ચ 2015 માં ક્રૂડની રોયલ્ટી સંબંધિત એક મોટી સમસ્યાનો ઉકેલ લાવવાનું નક્કી કર્યું. ત્યારબાદ ગુજરાતને ક્રૂડ ઓઈલની રોયલ્ટી તરીકે લગભગ રૂ. 800 કરોડ આપવાનો નિર્ણય કર્યો.
- રાજ્યના 8 સ્માર્ટ સિટી :સ્માર્ટ સિટી મિશન હેઠળ ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ સહિત કુલ 6 શહેરો પસંદ કરવામાં આવ્યા
નરેન્દ્ર મોદીના શાસનમાં વિકાસકાર્યો :
- બુલેટ ટ્રેન
- સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશન હેઠળ ગુજરાતના વડોદરામાં રેલવે યુનિવર્સિટીની સ્થાપના
- રાજકોટ ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
- ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષા શક્તિ યુનિવર્સિટીની રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓની સ્થિતિ
- રાજકોટ AIIMS
- કચ્છમાં વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનું ઉદઘાટન
- લાઈટહાઉસ પ્રોજેક્ટ રાજકોટ (LHP)
- સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રેલ કનેક્ટિવિટી
- ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, જામનગર
- વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન
- ગિફ્ટ સિટીમાં ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટીના (IFSCA) મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ
- GIFT સિટી ખાતે ઈન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)
- અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન
- તારંગા હિલ-અંબાજી-આબુ રોડ રેલ લાઇન પ્રોજેક્ટને મંજૂરી
- રાજયના પાંચ જિલ્લાઓને મેડિકલ કોલેજની ભેટ
- દાહોદમાં ઇલેક્ટ્રિક લોકોમોટિવ મશીન પ્રોડક્શન યુનિટનો શિલાન્યાસ
- ભરૂચમાં બલ્ક ડ્રગ પાર્કનું લોકાર્પણ
- ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં 1000 કિલોમીટરથી વધુ લંબાઈના રસ્તાઓનું નિર્માણકાર્ય
- ગુજરાતમાં રાષ્ટ્રીય રમતોનું આયોજન
- ભારતના G20 પ્રમુખપદ હેઠળ ગુજરાતમાં 18 બેઠકોનું આયોજન
- નવસારીમાં PM મિત્ર પાર્ક
- ભુજમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારક
- કચ્છના અંજારમાં વીર બાલ સ્મારક
- સાબર ડેરી ચીઝ પ્લાન્ટ
- ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ
- સાબરમતી રિવરફ્રન્ટ અટલ ફૂટ ઓવરબ્રિજ
- નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)
- અંબાજી-પાવાગઢ-સોમનાથમાં પ્રવાસન વિકાસકાર્ય
- એશિયામાં સૌથી મોટો જૂનાગઢનો ગિરનાર રોપ વે
- એસ્ટોલ પ્રોજેક્ટ
- વિદ્યા સમીક્ષા કેન્દ્ર
પશુપાલનને વેગ : નરેન્દ્ર મોદીએ રાજ્યમાં પશુ આરોગ્ય મેળા અભિયાન શરૂ કર્યું હતું. જે અંતર્ગત 2002-03 થી 2022-23 દરમિયાન 76,600 પશુ આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે હેઠળ છેલ્લા 22 વર્ષોમાં 3.19 કરોડથી વધુ પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે. ઉપરાંત 3.74 કરોડથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. દૂધ ઉત્પાદનની વાત કરવામાં આવે તો 2002માં ગુજરાતનું દૂધ ઉત્પાદન 60.89 લાખ મેટ્રિક ટન હતું. જે 2023માં વધીને 167.22 લાખ મેટ્રિક ટન પર પહોંચ્યું છે.
જ્યોતિગ્રામ યોજનાથી રાજ્ય ઝગમગ્યું : એક સમયે વીજળીની અછત સામે ઝઝૂમી રહેલું ગુજરાત આજે એનર્જી સરપ્લસ રાજ્ય બન્યું છે. રાતે મીણબત્તીના પ્રકાશમાં ભોજન કરતા ગુજરાતના લોકો માટે નરેન્દ્ર મોદીએ જ્યોતિગ્રામ યોજના શરૂ કરી હતી. આ યોજનાના માધ્યમથી રાજ્યના તમામ 18 હજાર ગામોમાં વીજળી પહોંચાડવામાં આવી અને ગામોને 24 કલાક થ્રી ફેઝ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવ્યો. આજે સોલાર રૂફટોપ યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રાજ્ય છે. 31 જુલાઈ 2023 સુધીમાં ગુજરાતમાં 2842 મેગાવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ કાર્યરત છે. ચારણકામાં દેશનો પ્રથમ સોલાર પાર્ક સ્થિત છે. તેમજ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાયબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક નિર્માણાધીન છે. 2002 માં રાજ્યમાં રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન ફક્ત 99 મેગાવોટ હતું. જ્યારે 2023માં તે વધીને 21,504 મેગાવોટ થયું છે. આ જ રીતે પરંપરાગત વીજળીનું ઉત્પાદન પણ 2002 માં 8750 મેગાવોટમાંથી વધીને 2023 માં 45,026 મેગાવોટ થઈ ગયું છે. ગુજરાતમાં 40,000 કિમીથી પણ લાંબુ ગેસ પાઈપલાઇન નેટવર્ક છે, જેના દ્વારા ઘરે-ઘરે રાંધણગેસ પહોંચ્યું છે.
ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર : ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતે છેલ્લા 22 વર્ષોમાં હરણફાળ ભરી છે. છેલ્લા બે દાયકાઓમાં ઉદ્યોગો માટે સાનુકૂળ નીતિઓ, વિશ્વ સ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ અને બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણને કારણે વિશ્વના મોટા-મોટા ઉદ્યોગોએ ગુજરાતને પોતાનું ઘર બનાવ્યું છે. સીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તરની વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરી હતી. આજે આ સમિટ વિશ્વભરના ઉદ્યોગો અને રોકાણકારો માટે એક પ્રતિષ્ઠિત મંચ તરીકે સ્થાપિત થઈ છે. ગુજરાતમાં મહિલા ઉદ્યોગ સાહસિકો માટે અલગ GIDC જેવા ઔદ્યોગિક વિસ્તારો શરૂ કરવામાં આવ્યા હતા. ભારતનું પ્રથમ ડાયમંડ રિસર્ચ અને મર્કન્ટાઈલ સિટી (ડ્રીમ સિટી) સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું. ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટની (FDI) બાબતમાં ગુજરાત સતત ત્રણ વર્ષથી પ્રથમ સ્થાને છે. સેમીકંડકટર અને ડિફેન્સ જેવા આધુનિક ક્ષેત્રો ગુજરાતની ધરતી પર આકાર લઇ રહ્યા છે. તાજેતરમાં જ અમેરિકન કંપની માઇક્રોન ટેક્નોલોજીએ ગુજરાતના પોતાની ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો છે. દેશમાં પહેલીવાર સાણંદ ખાતે રૂપિયા 22,516 કરોડના ખર્ચે સેમીકંડકટર એસેમ્બ્લી, ટેસ્ટ અને પેકેજીંગ પ્લાન્ટ સ્થાપિત થશે.
- PM Modi Gujarat Visit : 21મી સદી પછી ગુજરાત ફાયનાન્શિયલ હબ બન્યું, આગળનાં 20 વર્ષ વધુ મહત્ત્વનાં: PM મોદી
- Gandhinagar News : ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય શિક્ષક અધિવેશન યોજાશે, પીએમ મોદી કરશે ઉદ્ઘાટન