ગાંધીનગરઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ધમકીભર્યા મેલ મળ્યા હતા. જેમાં 400 કરોડની ખંડણી પણ માંગવામાં આવી હતી. આ કેસમાં મુંબઈ પોલીસે તેલંગાણામાંથી એક આરોપીની ધરપકડ કરી છે. હવે આ કેસમાં ગુજરાત કનેકશન સામે આવ્યું છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે કલોલના એક પોલીસપુત્રની અટકાયત કરી છે.
Mukesh Ambani Threat Case: મુકેશ અંબાણીને ધમકી મામલે ગુજરાત કનેક્શન, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કલોલમાંથી પોલીસપુત્રની કરી અટકાયત - ગાંધીનગર
ભારતના ધનકુબેર મુકેશ અંબાણીને ધમકી ભર્યા મેલ મળવાની ઘટનામાં ગુજરાત કનેક્શન બહાર આવ્યું છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કલોલમાંથી એક પોલીસ પુત્રની અટકાયત કરી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક
Published : Nov 6, 2023, 3:02 PM IST
|Updated : Nov 6, 2023, 4:04 PM IST
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહીઃ બહુ ચકચારી એવા કેસની તપાસ માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ કલોલ આવી હતી. મુંબઈ પોલીસે કલોલમાંથી જગતસિંહ ખાટ નામના યુવકની અટકાયત કરી હતી. હાલ આ યુવકને પોલીસ પુછપરછ માટે મુંબઈ લઈ ગઈ છે. આ યુવકનું આઈડી હેક થયું હોવાની સંભાવના પણ વર્તાઈ રહી છે. આ હેક થયેલા આઈડી પરથી મુકેશ અંબાણીને ધમકીભર્યા મેલ થયા હતા. મુંબઈ સાયબર સેલ આ મામલે સઘન તપાસ કરી રહી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ કલોલ આવી ત્યારે અમદાવાદ કે ગાંધીનગર પોલીસ અધિકારીઓને કોઈ આગોતરી જાણકારી આપવામાં આવી નહતી.
પોલીસ પરિવાર પલાયનઃ ગાંધીનગરના કલોલ પોલીસ લાઈનમાં રહેતા અને ગાંધીનગર પોલીસમાં ફરજ બજાવતા એવા પોલીસ કર્મચારીના પુત્રની અટકાયત કરવામાં આવી છે. હાલ પોલીસ લાઈનમાં પોલીસ કર્મીના ક્વાર્ટરમાં તાળું જોવા મળ્યું હતું. ઘર બંધ કરીને પોલીસ કર્મચારી પરિવાર સાથે પલાયન થયો હોવાની વિગતો પણ સામે આવી રહી છે. પડોશમાં રહેતા પોલીસ કર્મચારીઓના પરિવારોએ પણ અહીંયા કોઈ રહેતા હતા કે નહીં તે વિષે કંઈ જણાવવા તૈયાર નથી. જ્યારે આ સમગ્ર બાબતે ગાંધીનગરના એસ.પી. રવિતેજા વાસમ શેટ્ટીને ઈટીવી ભારત દ્વારા ખરાઈ કરવા ફોન પર અનેક સંપર્ક કર્યા હતા, પરંતુ ગાંધીનગર એસપીએ ફોન ઉપાડવાની પણ તસ્તી લીધી ન હતી.