મંગળવારે રાજ્યસભાની બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, ભાજપે સત્તાના જોરે ઈલેક્શન કમિશનને પોતાનું કરી લીધું છે.
ભાજપે સત્તાના જોરે ઈલેક્શન કમિશનને પોતાનું કરી લીધું છે: પરેશ ધાનાણી - gujaratinews
ગાંધીનગર: રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીનો વિજય થતા રાજ્યસભાની 2 બેઠકો ખાલી પડી છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડીની તૈયારીઓ કરવા માટે સોમવારે બેઠક બોલાવવામાં આવી હતી.
પરેશ ધાનાણીએ કહ્યું કે, વિધાનસભાનું સત્ર 2 જુલાઇથી શરૂ થઇ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના સભ્યોની 3 હજારથી વધુ પ્રશ્ન પ્રજાના હિતમાં કરવાના છે. જ્યારે રાજ્યસભાની 2 બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવા માટે પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ચર્ચા કરવામાં આવી હતી. ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલ, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પ્રમુખ અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા સહીત 55 જેટલા ધારાસભ્યો હાજર રહ્યાં હતા. જ્યારે 8 જેટલા ધારાસભ્ય બહાર હોવાની જાણ કરવામાં આવી હતી.
આ બેઠકમાં રાજ્યસભામાં નોમિનેશન માટે સૂત્રોનું માનીએ તો અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, કરસનદાસ સોનેરી તેમજ શંભુભાઈ પ્રજાપતિના નામની ચર્ચા કરવામાં આવી હતી. 25 જૂનના રોજ કોંગ્રેસ દ્વારા કોર્ટમાં કરવામાં આવેલી ફરિયાદની સુનાવણી પણ રાખવામાં આવી છે. ત્યારે જો કોર્ટ દ્વારા કોંગ્રેસ તરફી ચુકાદો આપવામાં આવશે, તો સમગ્ર પ્રક્રિયા પર સ્ટે આવી શકે છે. જ્યારે ઉમેદવારીપત્ર ભરવું પડશે ત્યારે આ નેતાઓમાંથી કોઈ એક નેતા પાસે ઉમેદવારી કરાવવામાં આવશે. આ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગ કરવામાં ના આવે તેને લઈને પણ સૂચનો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસમાં એકસૂત્રતા જળવાઇ રહે તે માટે સભ્યોને ટકોર કરવામાં આવી હતી.