ગાંધીનગર :રાજ્ય સરકારના તમામ વિભાગ દ્વારા બજેટ 2024-25 ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નાણાંપ્રધાન કનુ દેસાઈએ પણ છેલ્લા 20 દિવસથી સતત પોતાના કાર્યાલયમાં બજેટને લઈને વિવિધ વિભાગના અધિકારીઓ અને પ્રધાનો સાથે બેઠક કરી છે. સાથે જ મળતી માહિતી પ્રમાણે સરકાર લોકસભાની ચૂંટણી અંતર્ગત વોટ ઓન એકાઉન્ટ બજેટ નહીં પણ સંપૂર્ણ બજેટ લાવશે.
લોકસભા ચૂંટણી લઈને વહેલું બજેટ :લોકસભાની ચૂંટણી વર્ષ 2024 ના માર્ચ-એપ્રિલમાં યોજાશે. ચૂંટણી આચારસંહિતાને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર દ્વારા બજેટની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. પહેલા લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં એકાઉન્ટ બજેટ એટલે કે માત્ર ત્રણ મહિનાનું બજેટ રજૂ કરવામાં આવતું હતું. પરંતુ આ વખતે પ્રથમ વખત ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા ફેબ્રુઆરી માસમાં જ સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. આ અંગેની વિગતવાર માહિતી ગુજરાત રાજ્યના નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ ETV BHARAT સાથે શેર કરી હતી.
બજેટમાં વધારો થવાની શક્યતા :ગુજરાત સરકારના નાણાકીય વર્ષ 2024-25 ના બજેટની વાત કરતા રાજ્ય સરકારના નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જ ગુજરાત સરકાર વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરશે. આ બજેટમાં ગત વર્ષના બજેટ કરતા મોટો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માં 3,022 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ફેબ્રુઆરી માસમાં નાણાકીય વર્ષ 2024-25 નું જે બજેટ રજૂ કરવામાં આવશે, જેમાં 10 થી 15 ટકાનો વધારો થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.
મુખ્યપ્રધાન કરશે અંતિમ બેઠક :રાજ્યના નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ વધુમાં વિગતો આપતાં જણાવ્યું હતું કે, હાલમાં બજેટની તૈયારી શરૂ કરવામાં આવી છે. તે અંતર્ગત તમામ વિભાગમાં બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના વિભાગોમાં ગત બજેટમાં કેટલું બજેટ વાપરવામાં આવ્યું છે અને કેટલું બજેટ હજુ પણ વપરાયેલું છે તે બાબતે ચર્ચા થઈ રહી છે. ગુજરાત વાઈબ્રન્ટ પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે અંતિમ બેઠક કરીને બજેટ નક્કી કરવામાં આવશે. હાલમાં તમામ વિભાગોમાં બજેટ બેઠકની શરૂઆત થઈ ગઈ છે.
ટેક્ષમાં કોઈ વધારો નહીં :રાજ્ય સરકારના નાણાં વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે નાણાકીય વર્ષ 2024-25 માં રાજ્ય સરકાર દ્વારા ટેક્સમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવશે નહીં. ઉપરાંત પ્રજાને ટેક્સમાં રાહત પણ આપવામાં આવશે. સાથે અનેક નવી ફ્લેક્સ યોજના પણ નવા બજેટમાં જાહેર કરવામાં આવશે. જેથી લોકોની રોજગારી અને આવકમાં વધારો થઈ શકે. આમ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં એટલે કે, લગભગ 4-5 ફેબ્રુઆરીના રોજ બજેટ સત્રની શરૂઆત કરવામાં આવશે.
લોકસભાના ચૂંટણી લક્ષી બજેટ :માર્ચ 2024 માં લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. માર્ચ મહિનામાં જ ગુજરાતમાં લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ જાય જેના કારણે વિધાનસભા સત્ર ન મળી શકે. એના કારણે જ રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા સત્ર પણ એક મહિનો વહેલું બોલાવવાનું નક્કી કર્યું છે. જે મુજબ ફેબ્રુઆરી માસમાં જ વિધાનસભાનું સત્ર બોલાવી નાણાકીય વર્ષ 2024-25 નું બજેટ રજૂ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં રાજ્ય સરકારે વોટ ઓન એકાઉન્ટ બજેટ જાહેર કર્યું હતું.
- Budget 2023: આ વર્ષનું બજેટ અત્યાર સુધીનું સૌથી અલગ, પ્રવાસન પર મૂકાયો ભારઃ નાણા પ્રધાન
- સરદાર સરોવર ડેમની જમીનના ખાતેદારોના પુનઃવસવાટની વસાહતોને તેના મૂળ ગામમાં ભેળવવામાં આવશે