ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 156 બેઠક સાથે ઐતિહાસિક જીત મેળવી છે. ત્યારે વિધાનસભા સત્ર દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને અચાનક દિલ્હી થી પીએમ મોદીનું તેંડુ આવ્યું હતું. જેમાં લોકસભા ચૂંટણી બાબતે પીએમ મોદીએ સૂચના આપી અને ત્યારબાદ વિધાનસભા સત્ર બાદ ભાજપના તમામ ધારાસભ્યો સાથે સી.આર.પાટીલ અને સીએમ ભુપેન્દ્ર પટેલે લોકસભા ચૂંટણી બાબતે સંવાદ કર્યો હતો.ત્યારે લોકસભાની ચૂંટણી અંતર્ગત હવે સીએમ ભૂપેન્દ્ર પટેલે જિલ્લામાં કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ ગોઠવીને ચૂંટણીના ફરી શ્રીગણેશ કર્યા છે.
કયા જિલ્લામાં થશે પ્રવાસ : ભારતીય જનતા પક્ષના મુખ્ય કાર્યાલય કમલમથી બહાર પાડવામાં આવેલી યાદીમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના 19 થી 22 એપ્રિલ સુધી કાર્યકર્તા સંપર્ક અને સંવાદ કાર્યક્રમના આયોજનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં 19 એપ્રિલ આણંદ 20 એપ્રિલ ભરુચ 21 એપ્રિલ મોરબી અને 22 એપ્રિલના રોજ રાજકોટ ખાતે કાર્યકર્તા સંવાદ અને સંપર્ક કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બેઠક યોજાઈને ચૂંટણીલક્ષી તૈયારીઓ પણ શરૂ કરશે. જ્યારે આ બેઠકોમાં કાર્યકર્તાઓ સાથે જે તે જિલ્લાના ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરોને પણ સાથે રાખવામાં આવશે.
બેઠકમાં ક્યાં મુદ્દે ચર્ચા : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના કાર્યકર્તા અને સંપર્ક સંવાદ બાબતે રાજકોટના જિલ્લા પ્રમુખ મનસુખ ખાચરિયાએ ઈટીવી ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ બેઠકમાં સંગઠનના સભ્યો અને સાંસદ સભ્ય તથા ધારાસભ્ય, સહકારી ક્ષેત્રના સભ્યો કોર્પોરેટર જિલ્લા અને તાલુકાના સભ્ય અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવશે. આ ઉપરાંત સંગઠનના વહીવટી માળખા સાથે પણ બેઠક યોજાશે અને સંગઠન વધુ મજબૂત કઈ રીતે બનાવવું તે બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં જાહેર જનતાને સ્પર્શતા પ્રશ્નો અને સીધી રીતે જનપયોગી પ્રશ્નના કામની નિકાલ માટેનું આયોજન અને સંગઠનની દ્રષ્ટિથી સમગ્ર જિલ્લો મજબૂત બને અને લોકસભાની ચૂંટણીમાં સારું પ્રદર્શન થાય તેવી તમામ બાબતે ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો Lok Sabha Election 2024 : હવે ભાજપનું મિશન લોકસભા, મુખ્યપ્રધાનની હાજરીમાં કેશોદમાં સંકલન બેઠક
જિલ્લામાં ભાજપની સ્થિતિ : ભાજપ માટે કેટલાક જિલ્લાની સ્થિતિ જોઇએ તો આણંદ લોકસભા બેઠકમાં આણંદ જિલ્લાની વિધાનસભાની વાત કરીએ. ખંભાતમાં ચિરાગ પટેલ (કોંગ્રેસ) તેમને મત 69,069 મળ્યાં હતાં. એ જ રીતે બોરસદમાં રમણભાઈ સોલંકી (ભાજપ)ના છે, આંકલાવમાં અમિત ચાવડા(કોંગ્રેસ) 81,512 મત મેળવ્યાં હતાં. ઉમરેઠમાં ગોવિંદ પરમાર (ભાજપ) મતસંખ્યા 95,639. આણંદમાં યોગેશ પટેલ 1,11,859 મત સાથે ભાજપ, પેટલાદમાં કમલેશ પટેલ 89,166 મત સાથે ભાજપ, સોજીત્રામાં વિપુલ પટેલ 87,300 મત સાથે ભાજપ જીત્યો છે.
ભરૂચ જિલ્લાની વિધાનસભાની પરિસ્થિતિ : આ જિલ્લામાં અંકલેશ્વરમાં ઇશ્વરસિંહ પટેલ 96,405 મત સાથે ભાજપ, ભરૂચમાં રમેશ મિસ્ત્રી 1,08,655 મત સાથે ભાજપ, જાંબુસરમાં સી.કે.સ્વામી 91,533 મત સાથે ભાજપ, ઝઘડિયા (એસટી) રિતેશ વસાવા 89,933 મત સાથે ભાજપ, વાગરામાં અરુણસિંહ રાણા 83,036 મત સાથે ભાજપ જીત્યો છે.