ગુજરાત

gujarat

ETV Bharat / state

Latest Report of Cyclone Biparjoy : ગુજરાતના કચ્છ પર બિપરજોય વાવાઝોડું 15 જૂને ત્રાટકશે, 21,000 લોકોનું સ્થળાંતર - કચ્છ પર બિપરજોય વાવાઝોડું 15 જૂને ત્રાટકશે

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર પર બિપરજોય વાવાઝોડાનું ત્રાટકવાની તૈયારી છે. વાવાઝોડુ 15 જૂને કચ્છના જખૌ વિસ્તાર પરથી પસાર થશે, ત્યારે 150થી વધુ કિલોમીટરની ઝડપે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાત સરકારે 21,000થી વધુ લોકોનું સ્થળાંતર કરી લીધું છે. તેમજ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સ્થળ પર ગોઠવાઈ ગઈ છે.

Latest Report of Cyclone Biparjoy : ગુજરાતના કચ્છ પર બિપરજોય વાવાઝોડું 15 જૂને ત્રાટકશે, 21,000 લોકોનું સ્થળાંતર
Latest Report of Cyclone Biparjoy : ગુજરાતના કચ્છ પર બિપરજોય વાવાઝોડું 15 જૂને ત્રાટકશે, 21,000 લોકોનું સ્થળાંતર

By

Published : Jun 13, 2023, 9:44 PM IST

અમદાવાદ/ગાંધીનગર: ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર પર બિપરજોય વાવાઝોડાનું ત્રાટકવાની તૈયારી છે. વાવાઝોડુ 15 જૂને કચ્છના જખૌ વિસ્તાર પરથી પસાર થશે, ત્યારે 150થી વધુ કિલોમીટરની ઝડપે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાત સરકારે 21,000થી વધુ લોકોનું સ્થળાંતર કરી લીધું છે. તેમજ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સ્થળ પર ગોઠવાઈ ગઈ છે.

21000 લોકોનું સ્થળાંતર : ગુજરાતના કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં બિપરજોય નામનું વાવાઝોડું ટકરાવાની સંપૂર્ણ શક્યતા છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે આઠ કોસ્ટલ કલેકટર ઉપરાંત એનડીઆરએફ અને એસડીઆરએફ, એરફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને સમીક્ષા કરી હતી. જેમાં અત્યાર સુધીમાં બિપરજોય જ્યાં ત્રાટકવાનું છે તેવા દરિયાકિનારે થી 0-5 કિલોમીટર સુધીમાં 21,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

સ્થળાંતર કાર્યવાહી

હાલની સ્થિતિ : હવામાન વિભાગની યાદી મુજબ બિપરજોય વાવાઝોડું દેવભૂમિ દ્વારકાથી 290 કિલોમીટર, પોરબંદરથી 320 કિલોમીટર તથા નલિયાથી 330 કિલોમીટર અને જખૌ પોર્ટથી 320 કિલોમીટર દૂર હોવાનું જણાવ્યું છે.

બિપરજોય વાવાઝોડાને લઈને જનતાને સતત અપડેટ આપવામાં આવી રહ્યા છે. 15 જૂને સાંજે ગુજરાતના દરિયા કિનારે બિપરજોય વાવાઝોડું ટકરાવાની સંભાવનાઓ છે. આ સાથે 130 થી 135 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાશે અને આ વાવાઝોડાની અસર આખા ગુજરાતમાં જોવા મળશે. જો કે હાલ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ બિપરજોય વાવાઝોડાનો ખતરો સમયની સાથે વધી રહ્યો છે. બિપરજોય વાવાઝોડુ તીવ્ર ગતિએ ગુજરાતમાં વિનાશ વેરવા આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના મતે બિપરજોય વાવાઝોડું 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે...મનોરમા મોહંતી(હવામાન વિભાગના ડાયરેક્ટર)

બચાવ ટુકડીઓ તહેનાત: NDRFની ટીમ જૂનાગઢ, પોરબંદર, ગિરસોમનાથ, મોરબી અને વલસાડમાં 1-1 ટીમ, કચ્છમાં 4 ટીમ, દ્વારકામાં 3 ટીમ, રાજકોટ 3 ટીમ અને જામનગર 2 NDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. ઉપરાંત બરોડામાં 2 અને ગાંધીનગર ખાતે 1 NDRF ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. જ્યારે SDRFની વાત કરવામા આવે તો જૂનાગઢ, સોમનાથ, મોરબી, પાટણ, બનાસકાંઠા, પોરબંદરમાં 1-1 SDRFની ટીમ, કચ્છ જામનગર અને દ્વારકામાં 2-2 એસડીઆરએફની ટીમ મૂકવામાં આવી છે. જ્યારે સુરત ખાતે 1 SDRF ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. આમ NDRF કુલ 22 ટીમ અને SDRFની કુલ 13 ટીમને ડિપ્લોય કરવામાં આવી છે.

કંટ્રોલરૂમ કાર્યરત: ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે. નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલ રૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામક કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. ગુજરાત સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે.

14, 15 અને 16 એમ ત્રણ દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, ઓખા, સલાયા, માંગરોળ, ઉપરાંત પોરબંદર, જામનગર, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડશે. જ્યારે વાવાઝોડું કચ્છ બાજુ અને દરિયા કિનારે લેન્ડફોલ થશે. ત્યારે તેની અસર ઉત્તર ગુજરાત સાથે મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે. અને તેના કારણે મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે...અંબાલાલ પટેલ(હવામાન શાસ્ત્રી)

50 લોકોનું રેસ્કયૂ : ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દ્વારકા સમુદ્રમાં સ્થિત ઓઈલ રિંગમાં કામ કરી રહેલા 50 લોકોને રેસ્કયૂ કરીને બચાવી લેવાયા છે. ગુજરાતના ઓખાના જેક અપ રિંગ ‘કી સિંગાપોર’માંથી કુલ 50 કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. 12 જૂને 26 ક્રૂ મેમ્બરને બચાવ્યા હતા અને આજે વધુ 24 ક્રૂ મેમ્બરને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે હેલિકોપ્ટરથી બચાવ્યા છે.

ઝીરો કેઝ્યુલિટી પ્લાન પર ચર્ચા : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ જનતાને જાહેર અપીલ કરી છે કે વાવાઝોડાનો આપણે બધાં સાથે મળીને સામનો કરીએ. વહીવટીતંત્રને મદદ કરીએ. તેમજ દરિયાકાંઠાના વિસ્તારના લોકો સ્થળાંતર કરીને સલામત સ્થળે પહોંચી જાય. ગુજરાત સરકારે ઝીરો કેઝ્યુલિટી પ્લાન પર ચર્ચા કરીને તેને અમલમાં મુક્યો છે. ઓછામાં ઓછી નુકસાની થાય તે માટે સરકારના તમામ પ્રધાનો ખડેપગે છે. તેમજ વાવાઝોડા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની પણ સતત નજર છે. તેઓ પણ વાવાઝોડાનું અપડેટ લઈ રહ્યા છે અને તમામ મદદ કરવાની ખાતરી આપી છે.

ટ્રેનો રદ : સૌરાષ્ટ્ર અને કચ્છ જતી 90 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. આજે ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા 350 જેટલી બસને રદ કરવામા આવી છે. જયારે 60 જેટલી બસના રૂટ ટૂંકાવવા આવ્યા છે. ગુજરાત એસ. ટી નિગમના સચિવ કે. ડી દેસાઈએ ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાત એસટી નિગમના MD એમ કે ગાંધીના માર્ગદર્શન હેઠળ દરિવાઈ વિસ્તારમાં આવેલ એસ. ટી ડેપોના મેનેજર સાથે સતત બેઠક કરવામાં આવી રહી છે. જામનગર, અમરેલી, કચ્છ, જૂનાગઢ, રાજકોટ અને ભાવનગર ડિવિઝનમાં બસના વિવિધ રૂટને ટૂંકાવવા આવ્યા છે. જે પ્રવાસીએ રિઝર્વેશન કરવામાં આવ્યું છે. તેમને મોબાઈલમાં મેસેજ દ્વારા જાણ કરી દેવામાં આવી છે.

કચ્છના દરિયાઈ વિસ્તારના 0 થી 5 કિલોમીટરમાં આવતાં 72 ગામડાઓ અને 0 થી 10 કિલોમીટરના 120 ગામના લોકો અને પશુઓને ખસેડવામાં આવી રહ્યા છે. તો 0 થી 5 કિલોમીટરની અંદર 100 ટકા સ્થળાંતર કરવામાં આવ્યું છે. લોકોને સ્થળાંતરિત કરીને શેલ્ટર હોમમાં આશ્રય આપવામાં આવ્યો છે તો જરૂર જણાતા અન્ય શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે...મનસુખ માંડવીયા(કેન્દ્રીય આરોગ્યપ્રધાન)

પશુઓના બચાવની કામગીરી: મનસુખ માંડવિયાએ વધુમાં ઉમેર્યું હતું કે શેલ્ટર હોમ પર જમવાની, રહેવાની, મિલ્ક, મિલ્ક પાવડર, ફૂડ પેકેટ વગેરેની પ્લાનિંગ સાથે તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો સાયકલોન કચ્છની ધરતી પર ટકરાય ત્યારે ઓછામાં ઓછી નુકસાની થાય તેવી કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કચ્છમાં 8,000 જેટલા લોકોનું સ્થળાંતર થઈ ચૂક્યું છે, જ્યારે બાકીના લોકોનું આજના દિવસે સ્થળાંતર કરવામાં આવશે. તો 1.5 થી 2 લાખ પશુઓને બચાવવા માટે સ્પેશિયલ ડિઝાસ્ટરની કામગીરી મુજબ ઊંચાઈવાળા વિસ્તારમાં પશુઓને ખસેડવામાં આવી રહ્યા છે.

કચ્છ કલેકટરની અપીલ : કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ કચ્છ જિલ્લાના નાગરિકોને વિડીયો મારફતે અપીલ કરી છે. જેમાં દરિયાકાંઠાના લોકોને શેલ્ટર હોમમાં આશ્રય લેવા માટે અનુરોધ કર્યો છે. તો તેમને શેલ્ટર હોમમાં રહેવાની, ભોજનની, આરોગ્યની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.જ્યારે સંભવિત વાવાઝોડાના ખતરાને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવ ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે સતત વધી રહેલા વાવાઝોડાના ખતરાને પગલે શિવ ભક્તો પ્રત્યક્ષ દર્શન કરવા માટે સોમનાથ ન આવે. સોશિયમ મીડિયાના માધ્યમથી સોમનાથ મહાદેવના દર્શન કરવા અપીલ કરી છે.

ગૃહપ્રધાન હર્ષ સંઘવીની દ્વારકા મુલાકાત : અહીં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સંકટના સમયમાં પ્રવાસીઓની મદદ કરવીએ આપણા સૌની જવાબદારી છે. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા દૂર દૂરથી પધારતાં યાત્રાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે વહીવટી તંત્રનો સહયોગ આપી આપણે સૌ આવનારા સંકટ સામનો કરવો જોઇએ. દિવ્યાંગો, બાળકો, મહિલાઓ તથા વયોવૃદ્ધ વ્યક્તિઓની તકેદારીઓ રાખવી. તથા જે કોઈપણ પ્રવાસીઓ અત્યારે હોટેલમાં કે અન્યત્ર રોકાયા છે. જ્યારે ભારે પવન ફૂંકાય ત્યારે બહાર ન નીકળવા અપીલ કરી છે. ઇમરજન્સી સમયે વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહી ઓછામાં ઓછી મુશ્કેલીઓ પડે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. તેમજ સૌ સાથે મળી વાવાઝોડારૂપી સંકટનો સામનો કરવા અપીલ કરી હતી.
આ પહેલા હર્ષ સંઘવીએ વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તાર તેમજ ઓખા જેટીની મુલાકાત લીધી હતી અને વાવાઝોડા સામેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

દ્વારકાધીશના મંદિરે ધજા ન ચડી : યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશના જગત મંદિરના શિખર પર ધ્વજાજીનું અનેરું મહત્વ છે અને ભગવાનના ભક્તો ખૂબ ધામધૂમથી ધ્વજા ચડાવવા પહોંચે છે. પરંતુ આજ રોજ વાવાઝોડાની સંભાવનાને લઈ દ્વારકાધીશ મંદિરના વહીવટદાર દ્વારા મંદિરના શિખર પર ધ્વજા ફરકાવવામાં ન આવે તેવું સૂચન કર્યું છે. અબોટી બ્રાહ્મણની ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે કે ધજાજી આવી ચૂકેલ છે પણ આ વાવાઝોડાને કારણે ધ્વજાજી ચડાવી શકાય તેમ નથી. ભારે પવન અને વરસાદના કારણે મંદિરના શિખર પર ચડવું ખૂબ જ મુશ્કેલભર્યું થઈ ચૂક્યું છે. જેથી ઈતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે દ્વારકાધીશના મંદિરની શિખર પર ધજા ચઢી નથી.

10 નંબરનું સિગ્નલ :બિપરજોય વાવાઝોડાના ભયસૂચક અનુમાન પ્રમાણેકચ્છના જખૌ, માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, સલાયા અને ઓખા દરિયાકાંઠે 10 નંબરનું સિગ્નલ લગાવી દેવાયા છે. જે 10 નંબરનું સિગ્નલ ભારે ચેતવણીસૂચક છે.

  1. Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર અપાયાં, 1077 નંબર પણ સહાય ઉપલબ્ધ
  2. Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાને પહોંચી વળવા PGVCL તંત્ર સજજ, 4389 વીજકર્મીઓની ટીમ તૈનાત
  3. Cyclone Biparjoy: સંભવિત ચક્રવાત બિપરજોયને લઈને કચ્છના જખૌ બંદર પરથી ETV Bharatનો ગ્રાઉન્ડ રિપોર્ટ

ABOUT THE AUTHOR

...view details