ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની આવનારી પેઢી રમતગમત ક્ષેત્રે આગળ વધે તેને ધ્યાનમાં લઈને ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો વિધાનસભામાં રજૂ થયેલ આંકડા પ્રમાણે વર્ષ 2020 માં 4,612 શાળા પાસે રમતગમતના મેદાન પણ નહોતા. ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્ય સરકારે સરકારી શાળામાં વ્યાયામના શિક્ષકોની ભરતી જ ન કરી હોવાનું સામે આવ્યું છે.
ચોંકાવનારો ખુલાસો : ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો વર્ષ 2020 માં ગુજરાતની કુલ 4,612 શાળા એવી હતી કે જેમાં રમતગમતનું મેદાન જ નહોતા. આ વાત સરકારે વિધાનસભા ગૃહમાં જ કબૂલી હતું. ત્યારે હવે રાજ્ય સરકારમાંથી મળતી માહિતી પ્રમાણે વર્ષ 2009 થી ગુજરાતની સરકારી શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં જ આવી નથી. તેથી લગભગ મોટાભાગની શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. ત્યારે હવે રાજ્ય સરકાર રમતગમત અને વ્યાયામના શિક્ષકોની ખેલ સહાયક તરીકે ભરતી કરવાની તૈયારી કરી રહી છે.
ખેલ સહાયક ભરતીથી ખાનાપૂર્તિ થશે ?ગુજરાતની શાળાઓમાં વ્યાયામ શિક્ષકો અને રમતગમતના શિક્ષકો બાબતે કેબિનેટ પ્રધાન કુબેર ડીંડોરે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ 2009 થી જ ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની ભરતી થઈ નથી અને ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની આવી કોઈ કેડર જ નથી. જ્યારે હવે રાજ્ય સરકાર ખેલ સહાયકની ભરતી કરવાની તૈયારી કરી છે. જેમાં અત્યાર સુધીમાં 4,400 જેટલી અરજી રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ છે. દિવાળી પછી રાજ્ય સરકાર ખેલ સહાયક ભરતી માટે પરીક્ષાની પણ સત્તાવાર જાહેરાત કરશે. બીજા સત્રથી જ ખેલ સહાયકો શાળામાં કાર્યરત થાય તે માટેનું આયોજન પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
5 હજારથી વધુ ખેલ સહાયકની ભરતી જાહેર સરકારી શાળાઓની સ્થિતિ : પોરબંદરમાં જાહેર રજા અને શાળામાં રિશેષ દરમિયાન રમતગમતના વધારાના શિક્ષક તરીકે ફરજ બજાવતા લાખાભાઈ સૌંદરવાએ ETV BHARAT સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રતિ શાળાએ એક વ્યાયામ શિક્ષક હોવા જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા યોજાતા ખેલ મહાકુંભ અને ઇન્ટર-સ્ટેટ રમતગમતમાં બાળકો વધુ ભાગ લે તો રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે છે. ઉપરાંત ખાનગી શાળામાં રમતગમતનો સ્પેશિયલ કોર્સ હોય છે. જેથી ખાનગી શાળાના બાળકોને સારી સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે છે.
રાજ્ય સરકાર ખેલ સહાયકની ભરતી કરવાની તૈયારી કરી છે. જેમાં અત્યાર સુધીમાં 4,400 જેટલી અરજી રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ છે. દિવાળી પછી રાજ્ય સરકાર ખેલ સહાયક ભરતી માટે પરીક્ષાની પણ સત્તાવાર જાહેરાત કરશે. --કુબેર ડિંડોર (કેબિનેટ પ્રધાન)
સરકારી શિક્ષકની સલાહ : લાખાભાઈ સૌંદરવાએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારી પ્રાથમિક શાળામાં જ્યાં ઓછી સંખ્યા હોય ત્યાં શિક્ષક ન હોય તો વાંધો નથી, પણ જ્યાં પૂરી સંખ્યા છે કે જે હાઇસ્કુલ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રમતગમત અને વ્યાયામ શિક્ષકો જરૂરી છે. આમ શાળામાં સ્પેશિયલ શિક્ષક ન હોવાને કારણે બાળકોને જરૂરી પ્લેટફોર્મ પૂરું પડતું નથી. ભુતકાળમાં રમતગમત શિક્ષક બનવા માટે CPED, BPED, MPED ના ઉમેદવારો હજુ હાજર છે. સરકાર રમતગમતને વધુ પ્રોત્સાહન આપવા માંગતા હોય તો શાળામાં રમતગમત શિક્ષક ફાળવવા જોઈએ.
- વર્ષ 2009 થી રાજ્યની શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી નહીં
- 14 વર્ષ પછી સરકાર ખેલ સહાયક તરીકે ભરતી કરશે
- તમામ ભરતી 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કરવામાં આવશે
- ગુજરાતના બાળકોને આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ આપવા શિક્ષકોની કોન્ટ્રાક્ટર પર ભરતી
- 5,075 જેટલા ખેલ સહાયકોની થશે ભરતી
- ખેલ સહાયકોની મળશે પ્રતિમાસ રુ. 21,000 મહેનતાણું
શિક્ષણ વિભાગની જાહેરાત : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 11 જુલાઈ 2023 ના રોજ પરિપત્ર બહાર પાડીને એક જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, રાજ્યની 300 કે તેથી વધુ સંખ્યા ધરાવતી સરકારી પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કરાર આધારિત અંદાજિત 5,075 જેટલા ખેલ સહાયકની ભરતી કરવામાં આવશે. આ ખેલ સહાયકોને માસિક 21,000 રૂપિયા પગાર પણ ચૂકવવામાં આવશે. ભરતી માટે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે.
સરકાર ખેલ મહાકુંભ અને રમશે ગુજરાત જેવી વાતો તો કરે છે, પરંતુ સરકારની નીતિ એવી છે કે સરકાર પોતે જ લાંબા સમયથી શિક્ષકો ન મૂકીને ગુજરાતના રમતગમતની વ્યવસ્થાને ખૂબ મોટું નુકસાન પહોંચાડી રહી છે. -- મનીષ દોશી (કોંગ્રેસ પ્રવક્તા)
ખેલ સહાયક ભરતીમાં જરૂરી લાયકાત : ઉમેદવારોએ ખેલ સહાયક માટે ખેલ અભિરુચિ કસોટી પણ આપવાની રહેશે. ભરતી માટે ઉમેદવાર કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અને C.P.ed, D.P.ed, B.P.ed, BA Yoga અથવા B.Sc Yoga ડિગ્રી ધરાવતા હોવા જરૂરી છે. ઉપરાંત ઉંમર મર્યાદા 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ખેલ સહાયકની ભરતી પરીક્ષામાં નેગેટિવ માર્કિગ નહીં, પરંતુ મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન બેઝ પરીક્ષા રાખવામાં આવશે અને ઉમેદવારોએ 90 મિનિટમાં વિવિધ હેતુલક્ષી 100 પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. જ્યારે 100 ગુણમાંથી 70 ગુણ રમતગમત સાથે સંકળાયેલા જ્ઞાન આધારિત, 20 ગુણ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો અને 10 ગુણ સામાન્ય જ્ઞાન બાબતના હશે. આ ઉપરાંત આ પરીક્ષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય માધ્યમમાં યોજાશે.
વિપક્ષના સરકાર પર ચાબખા : વ્યાયામ શિક્ષક બાબતે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં સરકાર રમતગમતના મહત્વને અવગણી રહી છે. એટલા માટે મેદાન વગરની શાળા અને કોલેજોને મંજૂરી આપી રહી છે. છેલ્લા 15 વર્ષ જેટલા સમયથી શાળામાં શારીરિક શિક્ષણના શિક્ષકો અને કોલેજમાં લેક્ચરરની નિમણૂક થઈ શકી નથી, જો રમતગમત શિક્ષક જ ન હોય તો કેવી રીતે રમશે ગુજરાત ?
કોંગ્રેસ પ્રવક્તાનું નિવેદન : મનીષ દોશીએ વધુમાં કહ્યું હતું કે, સરકાર ખેલ મહાકુંભ અને રમશે ગુજરાત જેવી વાતો તો કરે છે, પરંતુ સરકારની નીતિ એવી છે કે સરકાર પોતે જ લાંબા સમયથી શિક્ષકો ન મૂકીને ગુજરાતના રમતગમતની વ્યવસ્થાને ખૂબ મોટું નુકસાન પહોંચાડી રહી છે. ગુજરાતના ભાવિ ખેલાડીઓને તૈયાર કરવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. આમ રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે શાળા-કોલેજમાં શિક્ષકો અને પ્રોફેસરની જરૂર પડે તે ગુજરાત સરકારે સમજવું જોઈશે, તો જ ગુજરાતમાંથી સારા ખેલાડીઓ તૈયાર થશે.
- Gujarat Cabinet Meeting: જાણો કેબિનેટ બેઠકમાં કયા મુદ્દાઓને લઈને થશે છે ચર્ચા?
- Ration Shop Owners Strike: સસ્તા અનાજના દુકાનદારોની હડતાળથી ગરીબોને મળતું અનાજ અટકી નહીં જાયઃ કુંવરજી બાવળિયા