ગાંધીનગરઃ આજે 14મી ઓગસ્ટે ભારતને બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મળી અને દેશ આઝાદ થયો હતો. પરંતુ આઝાદી વખતે ભારત માતાની ભુજાઓ આ દિવસે જ કપાઈ ગઈ. આ દિવસે ભારતે આઝાદી તો મેળવી પણ અખંડ ભારતના વિભાજનનો પણ નિર્ણય કરાયો. આ નિર્ણય થી લાખો લોકો અપરંપાર પીડાનો ભોગ બન્યા હતા. 14મી ઓગસ્ટના દિવસે બ્રિટિશરો ભારત થી ગયા પણ તેના કપરાં પરિણામ ભારતની પ્રજા એ ભોગવ્યા છે. જેનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે. આઝાદી તો મળી પણ આઝાદી સાથે કરુણાંતિકા પણ ભારતને મળી છે. જેને યાદ કરતા આજે પણ લોકોના હૃદયમાં કંપન છૂટી જાય છે. વિભાજન વખતે લાખો લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા. કોમી રમખાણોમાં કેટલાય નિર્દોષો ના જીવ હોમાયા હતા.
સ્મૃતિ દિવસની સંકલ્પનાઃ આ કરૂણાંતિકાને શ્રદ્ધાંજલિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ આ દિવસને સ્મૃતિ દિવસ તરીકે જાહેર કર્યો છે. જેથી આજની અને આવનારી પેઢીને આ વિભાજનની કરૂણાંતિકાની માહિતી મળી રહે. આ માટે જિલ્લાના તમામ કેન્દ્રો ઉપર વિભાજનની વિભિષિકા કાર્યક્રમનું આયોજન કરાયું છે.