ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં વિપક્ષની ગેરહાજરી સાથે ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં બજેટ ઉપરાંત વધારાની માગણીને લઇને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જળસંપત્તિ વિભાગની રૂપિયા 4317.20 કરોડની વર્ષ 2020-21ની માગણીઓને ગૃહમાં મંજૂર કરવામાં આવી હતી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જળસંપત્તિ વિભાગની માગણીઓને ચર્ચાના જવાબમાં જણાવ્યું કે, ભૂગર્ભ જળની ચિંતાજનક સ્થિતિમાંથી બહાર આવવા રાજ્ય સરકારે જળસંગ્રહ શક્તિ વધારવા અને કાર્યદક્ષ વિતરણ પર ઠોસ પગલાં લીધાં છે.
ગત 18 વર્ષમાં સિંચાઇક્ષેત્રે પીયત વિસ્તાર 38.78 લાખ હેક્ટરથી વધી વર્ષ 2018માં 68.28 લાખ હેક્ટર થયો છે. એટલું જ નહીં ગુજરાતનો કુલ ખેતીલાયક વિસ્તાર 125 લાખ હેક્ટરમાંથી પ્રત્યક્ષ અને પરોક્ષ સિંચાઇમાં અગાઉના 31% વિસ્તારને વધારી 55 % સુધી પહોંચાડ્યો છે. વર્ષ 1985થી વર્ષ 1995 સુધીના 10 વર્ષમાં કુલ બજેટની ફાળવણી રૂપિયા 1835 કરોડ હતી. જે ગત 10 વર્ષમાં રૂપિયા 42074 કરોડ કરવામાં આવી છે. એટલે કે, વાર્ષિક ફાળવણીમાં 23 ગણો વધારો કરવામાં આવ્યો છે.
અગત્યની જોગવાઇઓ
- નર્મદાના પુરના વધારાના ત્રણ મીલીયન એકર ફીટ પાણીના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારની કામગીરી માટે રૂપિયા 2143 કરોડની જોગવાઇ
- આદિજાતિ વિસ્તારની યોજનાઓ માટે રૂપિયા 1142 કરોડ
- વિવિધ જળસંચય યોજનાઓ અંતર્ગત ચેકડેમો, તળાવો ઉંડા કરવા તથા વોટર બોડીની પુન: સ્થાપનની કામગીરી માટે રૂપિયા 366 કરોડ
- બંધ (ડેમ) સુરક્ષાના કામો માટે રૂપિયા 123 કરોડ
- હયાત યોજનાઓની નહેર સુધારણા અને આધુનિકરણના કામો માટે રૂપિયા 365 કરોડ
- સહભાગી સિંચાઇ વ્યવસ્થા માટે રૂપિયા 52 કરોડ
- ક્ષાર પ્રવેશ નિયંત્રણના કામો માટે રૂપિયા 50 કરોડ
- દરિયાઇ ધોવાણ અટકાવવાના કામો માટે રૂપિયા 12 કરોડ
- સૌરાષ્ટ્ર વિસ્તારની પ્રગતિ હેઠળની સિંચાઇ યોજનાઓ માટે રૂપિયા 98 કરોડની ફાળવણી