ગાંધીનગર : રાજ્યમાં લાખોની સંખ્યામાં માઇ ભક્તો ભાદરવી પૂનમના દર્શન કરતા હોય છે. ભક્તો નવલી નવરાત્રીનું આમંત્રણ માતાજીને આપતા હોય છે. ત્યારે ભાદરવા માસમાં એકમના દિવસથી જ અમદાવાદ સહિત અન્ય જિલ્લામાંથી ભક્તો ચાલતા ચાલતા અંબાજી ધામ દર્શનાર્થે જાય છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાંથી અંબાજી જવાનો માર્ગ પદયાત્રીઓ જય અંબેના નાદથી ગુંજતો હોય છે. ત્યારે ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ પદયાત્રીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
પદયાત્રીઓ માટે ખાસ વ્યવસ્થા : ગાંધીનગર જિલ્લામાંથી અંબાજી જતા પદયાત્રીઓ પસાર થતા હોય છે. તેને ધ્યાનમાં લઈને ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કુલ 11 જેટલા આરોગ્ય કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત કુલ 300 થી વધુ જિલ્લા આરોગ્ય કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. દિવસે તથા રાત્રીના સમયે અનેક પદયાત્રીઓ આરામ કરવા માટે કેમ્પમાં રોકાણ કરતા હોય છે. હાલમાં વરસાદી સિઝન અને મચ્છરજન્ય રોગોના કારણે પદયાત્રીઓ ડેન્ગ્યૂ, મલેરિયા, ચિકનગુનિયા અને જાડા-ઉલટી જેવા રોગના શિકાર ન બને તેને ધ્યાનમાં લઈને આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. આ અંગે ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારી એ.જે. વૈષ્ણવે માહિતી આપી હતી.