ગાંધીનગરઃ વાહનોના નંબર પ્લેટને આધારે રસ્તા ઉપર વારંવાર ફરતા દેખાતા નાગરિકોને શોધી કાઢવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નાઇઝેશન (એ.એન.પી.આર.) સોફ્ટવેરની મદદ લેવામાં આવી રહી છે. રસ્તા ઉપર ફરતા વાહનોનું એનાલિસીસ કરીને એક જ નંબર ધરાવતા વાહનની રૂટ હિસ્ટ્રી તપાસી બિનજરૂરી ફરતા વાહનચાલકોની યાદી તૈયાર કરી તમામ સામે ગુનો દાખલ કરવા સુધીની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ફેસબુક, ટ્વિટર, ટિકટોકના 164 એકાઉન્ટ બ્લૉક કરી દેવાયા : DGP - Shivanand jha
રાજ્યમાં લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. અનેક ખોટી પોસ્ટ વાયરલ કરીને વાતાવરણને તંગ બનાવવામાં આવી રહ્યું છે. તેવા સમયે સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયા પર બાજનજર રાખી 21 માર્ચથી અત્યાર સુધીમાં ફેસબુક, ટ્વિટર, ટિકટોક, યુ ટ્યુબ, વોટસએપ, ઇન્સ્ટાગ્રામ સહિતના 174 જેટલા વિવિધ સોશિયલ મિડીયા એકાઉન્ટ બ્લૉક કરી કાર્યવાહી કરવામાં આવી છે.
શહેરી વિસ્તારોમાં વાહનોના નંબર આધારે ટ્રેકિંગ માટે એ.એન.પી.આર. સોફ્ટવેરની મદદથી વાહન પર નજર રાખી 15 ગુના દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.રેલી-સરઘસોમાં વપરાતી 360 ડિગ્રી એરિયા કવર કરતાં કેમેરાથી સુસજ્જ પોલીસની વાન 'પ્રહરી' દ્વારા લોકડાઉન પર ચાંપતી નજર રાખવામાં આવશે. તે ઉપરાંત પોલીસ પેટ્રોલિંગમાં ફરતી ગાડીઓમાં પણ હવેથી વીડિયોગ્રાફર રખાશે. જેની વિડિયોગ્રાફી બાદ ફૂટેજના આધારે લોકડાઉન ભંગ કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરાશે. તો બીજી તરફ ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં વિશેષ તકેદારી માટે રેન્જ આઇજીને કેમ્પ કરીને સમગ્ર વિસ્તારમાં અસરકારક સુપરવિઝન કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે.
દિલ્હી નિઝામુદ્દીન મરકઝથી ગુજરાતમા ગઈકાલ સુધી આવેલા ગુજરાતમાંથી 127 નાગરિકો પકડાયા હતા જે મરકઝથી આવ્યા હતા. આજે અન્ય ત્રણ વ્યક્તિઓને ઓળખી લેવામાં આવ્યા છે. જે ત્રણેય વ્યક્તિઓ ભાવનગરના છે. જે ત્રણમાંથી એકનો કેસ પોઝિટિવ આવ્યો છે. એટલે કે કુલ 130 વ્યક્તિઓને પોલીસે શોધી કાઢ્યા છે જે તમામને કવોરંટાઈન કરવા સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સુરા જમાતમાંથી 1095 વ્યક્તિઓ ગુજરાતમાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે તે પૈકી મૂળ તમિલનાડુના ચાર વ્યક્તિઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે જે ભરૂચમાં છે. સુરા જમાતના મરક્ઝથી આવેલા અન્ય વ્યક્તિઓના ટ્રેસિંગની કાર્યવાહી ચાલુ છે.
સોશિયલ મીડિયા ઉપર ભડકાઉ મેસેજ બનાવનાર અને તેને ફેલાવનાર બંને સામે ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારે આવી રીતે સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવા બદલ 17 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 166 ગુનાઓ દાખલ કરી 303 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત પોલીસની ત્રીજી આંખ પણ લોકડાઉનની કડક અમલવારી માટે કાર્યરત છે. ડ્રોનની મદદથી 463 ગુનાઓ તથા સીસીટીવીની મદદથી 74 ગુનાઓ ગઈ કાલે દાખલ કરવામાં આવ્યા હતા.
અત્યાર સુધીમાં ડ્રોનની મદદથી 3480 ગુનાઓ તથા સીસીટીવીની મદદથી 534 ગુનાઓ દાખલ કરી લોકડાઉનની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના 3276 અને હોમ કવોરન્ટાઈન ભંગના 943 તથા અન્ય 450 ગુનાઓ મળી કુલ 4669 ગુનાઓ શુક્રવારના રોજ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 6928 વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને 3862 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.