પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા 2077 કરોડની જોગવાઇ ગાંધીનગર: આજે વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલની બીજી ટર્મમાં નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરાયું હતું. નાણાપ્રધાન કનુ દેસાઇ વિધાનસભામાં બીજી વખત બજેટ રજૂ કર્યું હતું. ગુજરાત એક પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યું છે. પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. ત્યારે આ ક્ષેત્રને વેગ આપવા માટે બજેટમાં 2077 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
પ્રવાસન ક્ષેત્રને વેગ: રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓ થકી રોજગારીની નવી તકો ઊભી કરવા સરકારે અનેકવિધ પગલાઓ લીધેલ છે. આઇકોનિક ટુરિસ્ટ સ્થળોના સંકલિત વિકાસ માટે 706 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સાથે જ ધાર્મિક, હેરીટેજ, એડવેન્ચર અને ઇકો ટુરિઝમ અંતર્ગત આવતા પ્રવાસન સ્થળોના વિકાસ માટે 640 કરોડની જાહેરાત કરાઈ છે. પ્રવાસન સ્થળોએ લોકો સહેલાઈથી પહોંચી શકે તે માટે એરપોર્ટનો વિકાસ કરવા તેમજ એર કનેક્ટિવિટી વધારવા માટે 215 કરોડની ફાળવણી કરાઈ છે.
Gujarat Budget 2023 : ખેડૂતોને ઘરેબેઠા સેવાઓ આપવા સરકાર કટિબદ્ધ, 5140 કરોડની કરી જાહેરાત
પાંચ સ્થળોએ બનશે ટેન્ટ સિટી: પ્રવાસનને વેગ આપવા પાંચ સ્થળોનો વિકાસ કરવામાં આવશે. અંબાજી-ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ વિકાસ માટે 300 કરોડની જાહેરાત કરી છે. રાજ્યમાં આવેલ જુદા જુદા યાત્રાધામોના વિકાસ અને યાત્રિકોની સગવડો વધારવા માટે 94 કરોડની ફાળવણી કરાઈ છે. ઉપરાંત હેરિટેજ અને સિનેમેટિક પ્રવાસન નીતિ માટે 33 કરોડની જાહેરાત કરાઈ છે. પોરબંદર ખાતે કર્લી જળાશય વિસ્તારને પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવા માટે 25 કરોડની જાહેરાત કરી છે. સાથે જ ધોળાવીરા, ધરોઈ, નડાબેટ, કડાણા ડેમ, શિવરાજપુર વગેરે સ્થળોએ ટેન્ટ સિટી વિકસાવવા માટે 20 કરોડની જોગવાઇ કરી છે. સ્વામી વિવેકાનંદ સર્કિટના વિકાસ માટે 120 કરોડના આયોજન સામે 10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
Budget 2023: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 15182 કરોડની જોગવાઈ
એકતાનગરનો થશે વિકાસ: વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે વિવિધ કામગીરી માટે 565 કરોડની જોગવાઇ કરી છે. પ્રવાસીઓ માટે વિવિધ આકર્ષણો સાથે તેમની સગવડોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. એકતાનગર આજે વિશ્વના નોંધપાત્ર પર્યટન સ્થળ તરીકે ઉભરી રહેલ છે. ત્યારે આગામી સમયમાં એકતાનગર ખાતે વિશ્વકક્ષાની ડ્રાઇવ ઇન સફારી અને વિવિધ પ્રકારના મ્યુઝિયમ પણ સ્થાપવામાં આવશે.