ગાંધીનગર: ભુપેન્દ્ર પટેલ સરકાર 2.0 નું બજેટ શુક્રવારે રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં નાણાપ્રધાન કનુ દેસાઈ દ્વારા ગુજરાતનું ઐતિહાસિક જમ્બો બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટનું કદ વધારીને 3.01 લાખ કરોડથી પણ વધારી દેવામાં આવ્યું છે.બજેટમાં લગભગ 23 ટકા જેટલો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કુલ યોજનાનું લેઆઉટ 3.01 લાખ કરોડ રૂપિયાનું છે. તો આવો જાણીએ નાણાં ક્યાંથી આવશે અને ક્યાં વપરાશે.....
રાજ્ય GST માંથી થશે મોટી આવક: રાજ્ય સરકારે રજૂ કરેલા બજેટમાં આવક અને જાવકને લઈને માહિતી આપવામાં આવી હતી. આવકની વાત કરીએ તો સરકારે આગામી એક વર્ષ એટલે કે વર્ષ 2022-23 દરમિયાન કુલ લગભગ 2,41,101 કરોડની આવક થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આવકના સ્ત્રોતોમાં સરકારને આશા છે કે રાજ્ય દ્વારા વસુલવામાં આવતો રાજ્ય જીએસટી વેરામાંથી 23.93 ટકા જેટલી આવક થશે. આ ઉપરાંત 4200 કરોડ રૂપિયા સરકાર વર્લ્ડ બેંક પાસેથી લોક લેશે.
રાજ્ય વેરામાંથી મોટી આવક:સરકારે રજૂ કરેલા બજેટમાં સૌથી વધુ આવક રાજય વેરામાંથી મેળવશે તેવી આશા વ્યક્ત કરી છે. રાજય વેરામાંથીસરકારને લગભગ 62,206 કરોડ રૂપિયાની આવક થશે. આ ઉપરાંત સરકારને કેન્દ્ર પાસેથી જીએસટી અને અન્ય વેરામાંથી 18.41 ટકા જેટલી આવકની ધારણા વ્યક્ત કરી છે. સરકારને કેન્દ્રમાંથી અનુદાન અને વેરામાંથી કુલ 44,385.73 કરોડ જેટલી આવક થશે જેવી ધારણા છે.