ગુજરાત

gujarat

ETV Bharat / state

45 વર્ષ બાદ ગુજરાત પોલીસના નવા મેન્યુઅલની રચના, આંધ્રપ્રદેશ બાદ ગુજરાત મેન્યુઅલ લાવનારું બીજું રાજ્ય - Gujarat CM Vijay rupani introduces new manual of Gujarat police

1975ના વર્ષમાં ગુજરાત રાજ્યના પોલીસ મેન્યુઅલની રચના થયા બાદ લગભગ સાડાચાર દાયકા એટલે કે 45 વર્ષના ગાળા પછી પ્રથમવાર નવું પોલીસ મેન્યુઅલ તૈયાર કરવામાં આવ્યું છે. જેને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અર્પણ કર્યું હતું. વર્તમાન સમયમાં નવું પોલીસ મેન્યુઅલ તૈયાર કરનાર ગુજરાત આંધ્રપ્રદેશ બાદ બીજા નંબરનું રાજ્ય બન્યું છે.

45 વર્ષ બાદ ગુજરાત પોલીસના નવા મેન્યુઅલની રચના, આંધ્રપ્રદેશ બાદ ગુજરાત મેન્યુઅલ લાવનારું બીજું રાજ્ય
45 વર્ષ બાદ ગુજરાત પોલીસના નવા મેન્યુઅલની રચના, આંધ્રપ્રદેશ બાદ ગુજરાત મેન્યુઅલ લાવનારું બીજું રાજ્ય

By

Published : Jul 30, 2020, 6:55 PM IST

ગાંધીનગર: ગુજરાત પોલીસ માટે કાર્યવાહીના અધિનિયમ, કાર્યરીતિ, નિયમો અને તકનિકોમાં સમયાંતરે આવેલા બહોળા પરિવર્તનને પરિણામે 1975માં તૈયાર થયેલું આ મેન્યુઅલ સમકાલિન વ્યાવસાયિક સંદર્ભમાં જૂનવાણી, પુરાણું અને અસંગત હતું. આ જૂના નિયમોની સમીક્ષા અને સુધારણા કરી ગુજરાત પોલીસ માટે સચોટ, સર્વગાહી, સુવ્યવસ્થિત અને સમગ્રતાલક્ષી નવા પોલીસ મેન્યુઅલનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

ગુજરાત પોલીસ મેન્યુઅલના આ નવા ડ્રાફ્ટને ઇ-બુકના માધ્યમથી પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જેથી આ ઇ-બુક પોકેટ-કો એપ્લિકેશન અને ગુજરાત પોલીસની વેબસાઇટ પર સર્ચની સુવિધા સાથે ઉપલબ્ધ રહેશે.

ગુજરાત પોલીસના તમામ સંવર્ગના અધિકારીઓ સરળતાથી સમજી અને ઉપયોગ કરી શકે તે માટે ગુજરાત પોલીસ મેન્યુઅલ ડ્રાફ્ટ ગુજરાતી ભાષામાં પણ ઉપલબ્ધ કરાવાશે. એટલું જ નહીં સમયાંતરે સમયાનુકુળ જરૂરી સુધારાને પણ અવકાશ રહેશે.

ગુજરાત પોલીસ મેન્યુઅલ–2020 ડ્રાફ્ટને ત્રણ ભાગમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ ત્રણ ભાગમાં CRPC, IPC, પુરાવા અધિનિયમ, POCSO Act-2012, SC ST સુધારા અધિનિયમ-2015, જુવેનાઇલ જસ્ટિસ (સીપીસ) એક્ટ 2015, અનલોફૂલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) સુધારા અધિનિયમ એક્ટ-2014, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અધિનિયમ-2008નો સમાવેશ થયો છે.

તદઉપરાંત આ ત્રણ ભાગમાં નવી ટેક્નિક જેમ કે સાઇબર ફોરેન્સિક લેબ, સાઇબર ક્રાઇમ તપાસ સાધનો, સોશીયલ મીડિયા મોનિટરિંગ ટૂલ્સ તેમજ અમલમાં આવેલા અન્ય સુધારાઓને પણ આવરી લેવામાં આવ્યા છે.

એટલું જ નહી, નવા આર્થિક ગુનાઓ મલ્ટિ લેવલ માર્કેટિંગ, એફઆઇસીએન કેસ, હ્યુમન ટ્રાફિકિંગ, ડ્રગ ટ્રાફિકિંગ, સાઇબર ક્રાઇમ્સ અને ટ્રાન્સનેશનલ આતંકવાદ જેવી સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવાની પ્રક્રિયાનો પણ સમાવેશ ગુજરાત પોલીસ મેન્યુઅલના ત્રણ ભાગમાં કરવામાં આવ્યો છે. આ નવું ગુજરાત પોલીસ મેન્યુઅલ નાગરિકોને અવિરત સેવા, અભેધ સુરક્ષા અને અખંડ શાંતિ આપવા તત્પર એવી ગુજરાત પોલીસના વ્યાવસાયિક અભિગમને અસરકારક બનાવવામાં મદદરૂપ રહેશે.

ABOUT THE AUTHOR

...view details