અમદાવાદ : ગુજરાત રાજ્ય પ્રગતિશીલ કહેવાય છે. પણ ગુજરાતમાં થયેલ 15 વિધાનસભા ચૂંટણીઓમાં કુલ 2,307 ધારાસભ્યો પૈકી ફક્ત 111 ધારાસભ્યો જ ચૂંટાઇને આવ્યાં છે. જે દર્શાવે છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજના રાજકારણ કરતાં વિધાનસભા અને લોકસભામાં મહિલા પ્રતિનિધિત્વ બાબતે ઘણું કરવાનું છે.
મહિલા પ્રતિનિધિત્વ ઉત્સાહપ્રેરક નથી : પ્રગતિશીલ ગુજરાતમાં પણ રાજ્યને તેના પ્રથમ મહિલા મુખ્યમંત્રી 54 વર્ષ બાદ આનંદીબહેન પટેલ તરીકે મળ્યાં, અને રાજ્યને વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર નીમાબહેન આચાર્ય 2021માં મળ્યા. 2009માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના બિલ લોકલ ઓથોરિટી લો એક્ટના રુલ્સ 2014માં કરીને મહિલાઓની 50 ટકા ભાગીદારીનો કાયદો કર્યો. આનંદીબહેન પટેલ સરકારે રાજ્ય સરકારની નોકરીઓમાં 33 ટકા મહિલાઓ માટે અનામત કરી મહિલાઓની સામાજિક-આર્થિક પ્રગતિ માટેની તક સર્જી છે. ગુજરાતની ભાજપ સરકારના મહિલા અનામતના આ બે ઐતિહાસિક પહેલ સાથે પણ વિધાનસભા અને સંસદમાં મહિલા પ્રતિનિધિત્વ ઉત્સાહપ્રેરક રહ્યું નથી.
26 લોકસભા બેઠકો પૈકી 6 બેઠકો પર મહિલા સાંસદો : જે રાજ્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે એ રાજ્યમાં 26 લોકસભા બેઠકો પૈકી 6 બેઠકો પર મહિલા સાંસદો છે. જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં પેટા-ચૂંટણી સહિત કુલ 5 મહિલા સાંસદો ચૂંટાયા હતા. છેલ્લી 2022ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ગુજરાતમાં 182 બેઠકો પરથી ફક્ત 15 મહિલાઓ જ ધારાસભ્ય તરીકે ચૂંટાઇ છે. પ્રગતિશીલ ગુજરાત રાજ્યમાં મહિલા પ્રતિનિધિત્વ તેના વિધાનસભા ગૃહ અને લોકસભામાં વધે એ ચર્ચાઓ વર્ષોથી છે. હાલમાં લોકસભામાં પસાર થયેલ નારી શક્તિ વંદન બિલથી ગુજરાતની કુલ 26 બેઠકો પૈકી 9 બેઠકો મહિલા અનામત જાહેર થશે ત્યારે ગુજરાતમાં મહિલાઓની સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિ બદલાશે એવા રાજકીય વર્તારા છે.
ગુજરાતનો મહિલા પ્રતિનિધિત્વ અંગે કેવો છે ટ્રેક રેકોર્ડ : 1962થી 2022 સુધીની 15 વિધાનસભા ચૂંટણીઓમાં ગાંધી-સરદાર-મોદીના ગુજરાતમાં મહિલા પ્રતિનિધિત્વને નજર અંદાજ કરાયું છે, એ આંકડાઓથી કહી શકાય. મુંબઇ સ્ટેટથી અલગ રાજ્ય તરીકે ગુજરાત 1960માં અસ્તિત્વમાં આવ્યું. 1962ની પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં 19 મહિલા ઉમેદવારે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતુ જેમાં 11નો વિજય થયો હતો. રાજ્યની વિવિધ અગત્યની વિધાનસભા ચૂંટણીઓમાં મહિલા ઉમેદવારો અને તેના વિજયના આ આંકડા મહિલાઓ પ્રત્યેના ગુજરાતીઓના અભિગમને સ્પષ્ટ દર્શાવે છે.
વિધાનસભા ચૂંટણી પ્રમાણે વિજેતા મહિલા ઉમેદવારો : બહુ દૂર સુધી ન જતાં 1975ની ચૂંટણીથી વાત કરીએ તો 1975 વિધાનસભા ચૂંટણીમાં 4, 1980 વિધાનસભા ચૂંટણીમાં 5,1990 વિધાનસભા ચૂંટણીમાં 4,1995 વિધાનસભા ચૂંટણીમાં 2,2002 વિધાનસભા ચૂંટણીમાં 12, 2012 વિધાનસભા ચૂંટણીમાં 16,2017 વિધાનસભા ચૂંટણીમાં 13 અને 2022 વિધાનસભા ચૂંટણીમાં15 મહિલાઓ વિજેતા નીવડી શકી છે.
ભાજપના શાસનમાં વધ્યું મહિલા પ્રતિનિધિત્વ : ગુજરાત વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ભાજપના શાસનમાં વધ્યું છે. એમાંય તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયથી મહિલાઓના વિજયની સરેરાશ વધી છે. મહિલા ધારાસભ્યોની સંખ્યા વઘતા મહિલા આરોગ્ય, મહિલા શિક્ષણ, પાણી, જાહેર સ્વચ્છતા જેવાં પ્રશ્નોની રજૂઆત વધી છે અને એ બાબતે સરકારી સહાય અને યોજનાઓ પણ વધતી ગઇ છે.
લોકસભામાં મહિલા પ્રતિનિધિત્વ : ગુજરાતથી મહિલા સાંસદોનું પ્રતિનિધિત્વ પણ ચર્ચામાં રહ્યું છે. 1962માં સ્વતંત્ર ગુજરાત રાજ્યમાં યોજાયેલ પ્રથમ લોકસભા ચૂંટણીમાં કુલ છ મહિલા ઉમેદવારો પૈકી કોંગ્રેસના બે મહિલા ઉમેદવારો જીતીને સાંસદ બન્યાં હતા. 2014થી ગુજરાતમાં મહિલા સાંસદોની સંખ્યા પ્રમાણમાં વધી છે. 2014માં ભાજપે 26 બેઠકો પૈકીની 4 બેઠકો મહિલાઓને ફાળવી હતી, જે ચારેય મહિલાઓ જીતીને સાંસદ બની હતી. 2019માં ભાજપે 2014 કરતાં બે વધુ મહિલા ઉમેદવારને ટિકિટ ફાળવી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજરની છ મહિલાઓ ચૂંટણી જીતી છે. જે પૈકી દર્શના જરદોશને કેન્દ્રમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યાં છે. રાજ્યમા મહિલા અનામત બિલનો અમલ થશે ત્યારે રાજ્યને 9 મહિલા સાંસદો મળશે. ગુજરાતમાં સ્થાનિક સંસ્થા, વિધાનસભા અને સંસદમાં વધતા મહિલા પ્રતિનિધિત્વથી મહિલાઓની સમસ્યાઓ દૂર થશે. આ છે રાજકીય વિશ્લેષકો અને સામાજિક કાર્યકરનો મત.
મહિલાઓની રાજકીય અનામતનો મુદ્દો જ્યારે નવી વસ્તી ગણતરી અને નવા સીમાંકન પૂર્ણ થશે ત્યારે ચર્ચામાં આવશે. એ હકિકત છે કે, આ નવા કાયદાથી રાજકીય પક્ષોની મહિલાઓમાં રોમાંચ જાગ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને આ બિલની ક્રેડિટ લેવામાં પડ્યા છે. આપણાં દેશમાં રાબડીદેવી હોય તે સરપંચ પતિના દાખલા સામે છે, જ્યાં મહિલા નેતા ફક્ત રબરસ્ટેમ્પ સાબિત થયા છે. એ પણ હકિકત છે કે, મહિલા પ્રતિનિધિત્વ સાથે મંત્રીઓની સંખ્યા વધતા છતાં મહિલાના પ્રશ્નો ઓછા થયાં નથી.' -જયવંત પંડ્યા (રાજકીય વિશ્લેષક )
શું રાજકીય અનામતે મહિલાઓની સ્થિતિ બદલી છે? : દેશમાં મહિલા અનામતના પ્રશ્નની જ્યારે ચર્ચા થાય છે ત્યારે એ મુદ્દો વારંવાર ઉઠે છે કે, શું રાજકીય અનામતે મહિલાઓની સ્થિતિને બદલી છે. આ બાબતે રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા કહે છે કે, મહિલાઓની રાજકીય અનામતનો મુદ્દો જ્યારે નવી વસતિ ગણતરી અને નવા સીમાંકન પૂર્ણ થશે ત્યારે ચર્ચામાં આવશે. એ હકીકત છે કે, આ નવા કાયદાથી રાજકીય પક્ષોની મહિલાઓમાં રોમાંચ જાગ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને આ બિલની ક્રેડિટ લેવામાં પડ્યા છે.
રાજકીય પક્ષો મહિલાઓના સત્તામાં ભાગીદારી અંગે કાયદો બને એની રાહ કેમ જુએ છે એ નથી સમજાતું. રાજકીય પક્ષોએ 2027 પહેલાં જ પોતાના પક્ષમાં 33 ટકા ટિકિટ મહિલા ઉમેદવારોને આપીને એક આદર્શ ઉભો કરવો જોઇએ. મહિલા પ્રતિનિધિને સ્વતંત્ર રીતે કાર્ય કરે એવો માહોલ ઉભો કરવો જોઇએ જેથી કોઇ મહિલા સરપંચ, ધારાસભ્ય કે સાંસદને પાછલા બારણે કોઇ પુરૂષ દોરી ન શકે. મહિલાઓનું રાજકીય પ્રતિનિધિત્વ મહિલાના પ્રાથમિક પ્રશ્નો જેવાં કે બાળ શિક્ષણ, પીવાના પાણીના પ્રશ્નો, જાહેર સ્વચ્છતાના પ્રશ્નો, અનાજના પ્રશ્નો કે સામાજિક સલામતીના પ્રશ્નો બાબતે સવિશેષ કાર્યો કરે છે. 33 મહિલા અનામતથી વિવિધ રાજકીય પક્ષોની મહિલાઓમાં હિંમત ભરશે અને પક્ષાપક્ષી છોડીને મહિલા વિકાસ માટે હિંમતથી કરવા પ્રેરશે...રુઝાન ખંભાતા (સામાજનિક કાર્યકર)
પ્રક્રિયા પર અસર : મહિલા આરક્ષણ બિલ ( નારી શક્તિ વંદન બિલ )નો અમલ દેશમાં 50 ટકા મહિલા વસતીના પ્રશ્નોને વધુ સ્પષ્ટ રીતે કાયદાના નિર્માતાઓ અને તેની પ્રક્રિયા પર અસર કરશે. જેમ કહેવાય છે કે 21મી સદી એશિયાની છે તો 21મી સદી ભારતમાં મહિલાઓની છે એ આ બિલ સાર્થક કરશે.
- Women Reservation Bill: 'આ યુગ બદલતું બિલ છે, નવા સંસદભવનમાં પહેલા જ દિવસે મહિલાઓને અધિકાર આપવાનું બિલ રજૂ કરાયું' - અમિત શાહ
- Parliament Special Session: 'OBC ક્વોટા વગર મહિલા અનામત બિલ અધૂરું છે.' - રાહુલ ગાંધી
- Women Reservation Bill : લૈંગિક ન્યાય માટે આપણા સમયની સૌથી પરિવર્તનકારી ક્રાંતિ હશે - રાષ્ટ્રપતિ