ગાંધીનગર:ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક મળી હતી 12 કલાકે મળેલ બેઠકમાં કુલ 7 જેટલા એજન્ડા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જેમાંથી સાત એજન્ડા ઉપર કુલ 52 જેટલા વિષયોને મંજૂર કરવામાં આવ્યા છે. એક વિષય કે જેમાં કોર્પોરેશન દ્વારા જાહેર રસ્તા ઉપર રખડતા ઢોરોને છોડવા બાબતની ચર્ચા પેન્ડિંગ રાખવામાં આવી છે. જેમાં સરકારના આદેશ અને સૂચનો બાદ ઢોરોને મુક્ત કરવાની વાત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે નિવેદન આપ્યું હતું. જ્યારે GMC દ્વારા મિલકત પર ટેક્સમાં 50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ગાંધીનગર મ્યુ. કોર્પોરેશ માં મોબાઈલ પેથોલોજી વાન માટેની મંજુરી સેન્ડિંગ કમિટીમાં મંજુરી આપવામાં આવી છે.
મિલકત વેરામાં વધારો કરવામાં આવ્યો:ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન બને દસ વર્ષ થયા છે પરંતુ હજી સુધી એક પણ વખત મિલકતવેરામાં વધારો કરવામાં આવ્યો ન હતો. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં લાંબા સમય બાદ મિલકત વેરામાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રહેણાંક મિલકતમાં પ્રતિ ચોરસ મીટરે 10 રૂપિયા રેટ હતો જે વધારીને 15 રૂપિયા કરવામાં આવ્યો છે. કોમર્શિયલમાં પ્રતિ ચોરસ મીટરે ₹20નો ચાર્જ હતો જે વધારીને 30 કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં GMCમાં કુલ 90,000 મિલકતો હતી જે વધીને 1,76,000 મિલકત થઈ છે જ્યારે હજુ પણ GMCનો સર્વે ચાલુ છે. જેમાં 10,000 જેટલી મિલકત હજુ નોંધાશે તેવી વાત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે કરી હતી. આ નિર્ણયથી 10 કરોડની આવક થવાનો અંદાજ GMC એ રાખ્યો છે.
ટ્રાન્સફર પ્રોપર્ટીમાં ફીમાં વધારો:ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માલ મિલકત વેરામાં વધારો કરવામાં આવ્યો છે. તેની સાથે જ માલમિલકતના ટ્રાન્સફર ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે જણાવ્યું હતું કે, આજની સ્ટેન્ડિંગ કમિટીના સર્વાનુમતે નિર્ણય પ્રમાણે 25 લાખ રૂપિયા સુધીની મિલકતમાં ₹2,000 ફી, 25 લાખથી 50 લાખ રૂપિયા સુધીની મિલકતમાં 4000 રૂપિયા ફી અને 50 લાખથી 1.5 કરોડની મિલકતમાં દસ્તાવેજના 0.02 ટકા ફી અને 1.5 કરોડથી વધુની કિંમતના મિલકતમાં દસ્તાવેજના 0.04 ટકા કિંમત ટ્રાન્સફર ફી પેટે લેવામાં આવશે. જ્યારે આનો અમલ 1 એપ્રિલ 2023થી શરૂ થશે. આ નિર્ણયથી 20 લાખની આવક થશે.