રૂપાલ ગામમાં કોઈપણ વ્યક્તિના ઘરે દીકરાનો જન્મ થાય ત્યાર બાદ સવા મહિના બાદ દીકરાના પરિવારના કોઈપણ સભ્ય ઉપવાસ કરતા હોય છે. નવરાત્રી દરમિયાન પહેલા બે દિવસ નકોડા ઉપવાસ કરવામાં આવે છે. જ્યારે બાકીના સાત દિવસ માત્ર દૂધ અને પાણી ઉપર દિવસ પસાર કરે છે. ઉપવાસ કરનાર વ્યક્તિ નવ દિવસ દરમિયાન પોતાના કપડાને ઈસ્ત્રી પણ કરી શકતો નથી અને નવ દિવસ સુધી માતાજીની આરાધના અને પૂજા કરવી પડતી હોય છે. તે ઉપરાંત આ બાળકો જે વિસ્તારમાં રહેતા હોય તેજ ચોકમાં પલ્લીની જ્વાળાના દર્શન કરવા પડતા હોય છે.
શું તમે જાણો છો, પલ્લી રથની જ્વાળા ઉપર શા માટે ભૂલકાઓને લઇ જવાય છે ?
ગાંધીનગરઃ શહેર પાસે આવેલા રૂપાલ ગામમાં આસો સુદ 9ના દિવસે વરદાયની માતાજીની પલ્લી નીકળે છે. ગામના 27 ચોકમાં પલ્લીના રથને ઊભો રાખવામાં આવે છે. તે દરમિયાન ટ્રોલીમાં ભરેલા ઘીનો અભિષેક કરવામાં આવે છે. પલ્લીનો રથ બીજા નંબરના ચોકમાં આવે છે. તે પહેલા જ નાના ભૂલકાઓને રથની નજીક લાવવામાં આવે છે. અને પલ્લી ઉપર ઘી ચડાવતા સ્વયંસેવકોનો બાળકો સોંપવામાં આવે છે. એક હાથે પકડી પકડીને સ્વયંસેવકો જ્યોત ઉપરથી બાળકોને ફેરવીને પોતાના માતા-પિતાને પરત આપે છે.
પલ્લીના દર્શન સમયે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, ત્યારે નાના બાળકો ભીડ જોઈને જ રડતા હોય છે. તેમ છતાં આ બાળકોને એક હાથે ઊંચકીને પલ્લીની જવાળા સુધી લઇ જવામાં આવે છે. નાના ભૂલકાઓને પલ્લીની જ્વાળા ઉપરથી શા માટે ફેરવવામાં આવે છે. તો આપને જણાવી દઈએ કે, રૂપાલ ગામમાં કોઈપણ દીકરો જન્મે તેની બાબરી સીધી રીતે કરી શકાતી નથી. જ્યોત ઉપરથી બાળકને ફેરવીને તેના દર્શન કરાવ્યા બાદ થોડા વાળ કાપવામાં આવે છે, ત્યાર બાદ આ બાળકને ચૌલ ક્રિયા કરી શકાય છે. જ્યાં સુધી રૂપાલ ગામમાં જન્મેલા દીકરાને પલ્લી જ્યોતના દર્શન ન કરાવવામા આવે ત્યાં સુધી બાળકની બાબરી ઉતારી શકાતી નથી.
ગાંધીનગરથી દીલીપ પ્રજાપતીનો વિશેષ અહેવાલ