ગાંધીનગર : ગાંધીનગરમાં આજે મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમમાં થયેલા એમઓયુની વિશેષ ખબર સામે આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2035 સુધીમાં સ્પેસ સ્ટેશન અને 2040 સુધીમાં ચંદ્ર પર સમાનવ મિશન પાર પાડવાનું લક્ષ્યાંકમાં આપેલું છે. તેમાં ગુજરાત યોગદાન આપવા સજ્જ થવા ઇન સ્પેસ અને ગુજરાત સરકારે સાણંદમાં સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર સ્થાપવા માટે એમઓયુ કર્યા છે. આ સમજૂતી કરાર દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
સમાનવ મિશન પાર પાડવાનું લક્ષ્યાંક અવકાશ ક્ષેત્રમાં નવી ઊંચાઈએ પહોંચાડવાની પ્રતિબદ્ધતા : આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર જમીન તેમજ સ્પેસ અને સંલગ્ન ક્ષેત્રના ઉદ્યોગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં સંપૂર્ણ સહયોગ આપશે. આ સાથે એમઓયુને લઇને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન 3ની સફળતા પછી ભારતને અવકાશ ક્ષેત્રમાં નવી ઊંચાઈએ પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ હેતુસર વડાપ્રધાનશ્રીએ ૨૦૩૫ સુધીમાં સ્પેસ સ્ટેશન અને 2040 સુધીમાં ચંદ્ર પર સમાનવ મિશનનો લક્ષ્યાંક રાખ્યો છે. એટલું જ નહીં, ચંદ્રયાન મિશન્સની વધુ શૃંખલા, નેકસ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ ડેવલપમેન્ટ, નવા લોન્ચપેડ નિર્માણ જેવી પહેલ માટે પણ પ્રેરણા આપી છે.
ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ લક્ષ્યાંકમાં પોતાનું યોગદાન આપવાની સજ્જતા કેળવવા એક મહત્વપૂર્ણ એમઓયુ કર્યાં છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની સ્વાયત એજન્સી ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર ઇન સ્પેસ અને ગુજરાત સરકાર વચ્ચે આ એમઓયુ કરવામાં આવ્યા છે....ભૂપેન્દ્ર પટેલ ( મુખ્યપ્રધાન )
સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરની સ્થાપના : સાણંદમાં સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર સ્થાપવા માટે એમઓયુ હેઠળ અમદાવાદના બોપલમાં પોતાનું હેડ ક્વાર્ટર ધરાવતી ઇનસ્પેસ સાણંદમાં સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરની સ્થાપના કરવાની છે. સ્પેસ ટેકનોલોજીના સાધનોને અનુરૂપ વિવિધ મેન્યુફેક્ચરિંગ એકમો-ઉદ્યોગો આ ક્લસ્ટરમાં શરૂ કરવા માટે ઇન સ્પેસ પ્રોત્સાહન અને ટેકનિકલ ગાઈડન્સ પૂરું પાડશે. આ હેતુસર બોપલમાં ઇન સ્પેસના હેડક્વાર્ટર ખાતે ટેકનિકલ સપોર્ટ એન્ડ ઇન્કયુબેશન સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે.
સરકાર જમીન આપશે : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર જમીન તેમજ સ્પેસ અને સંલગ્ન ક્ષેત્રના ઉદ્યોગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં સંપૂર્ણ સહયોગ આપશે તેમ જણાવ્યું હતું. આ એમઓયુ સાઈનીંગ અવસરે ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂત, રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ ભારત સરકારની ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર ઇન સ્પેસના ચેરમેન ડૉ. પવન કુમાર ગોયેંકા, જોઈન્ટ સેક્રેટરી લોચન શહેરા તથા પ્રખ્યાત વૈજ્ઞાનિક અને ઇન સ્પેસના ડાયરેક્ટર ટેકનિકલ ડૉ. રાજીવ જ્યોતિ અને ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવો સહભાગી થયાં હતાં.
- CM Bhupendra Patel: 25 જિલ્લામાં વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ કાર્યક્રમ થકી 2500 કરોડથી વધુના MOU થયાં: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
- Vibrant Gujarat Vibrant Kutch : 139 એમએસએમઈ એકમો સાથે 3370 કરોડના એમઓયુ સાઈન, વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ કચ્છ સમિટ શરુ
- Vibrant Gujarat Vibrant Navsari : વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ નવસારી સમિટમાં 212 કરોડના એમઓયુ પર હસ્તાક્ષર