ખેડૂતો પણ વિશ્વાસુ બિયારણ વિક્રેતા પાસેથી લીગલ બિયારણ જ ખરીદવાનો આગ્રહ રાખે ગાંધીનગરઃ ગુજરાતમાં ખેડૂતો માટે રવિ પાકની સીઝન આવી રહી છે. આ સમયે ખેડૂતો તરફથી નકલી બિયારણની વ્યાપક ફરિયાદો સાંસદ રામ મોકરિયાને કરવામાં આવી હતી. સાસંદે આ સમસ્યાની ગંભીરતાને ધ્યાને લઈને કૃષિ પ્રધાનને રજૂઆત કરી હતી. એક પત્ર લખીને આ વેપારીઓ પર કડક કાર્યવાહી થાય તેવી માંગણી પણ કરાઈ હતી. આ મુદ્દે કૃષિ પ્રધાને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. કૃષિ પ્રધાને અધિકારીઓને નકલી બિયારણ મુદ્દે અસરકારક પગલાં લેવાની સૂચના આપી છે.
કૃષિ વિભાગની કાર્યવાહીઃ રાજ્ય સરકારના કષિ વિભાગ દ્વારા દર વર્ષે નકલી ખાતર અને બીજી કૃષિ વિષયક ચીજ વસ્તુઓના નમૂના લઈ ચકાસણી કરવામાં આવે છે. જો આ નમૂના ફેલ જણાય તો જે તે વેપારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે. કૃષિ વિભાગના અધિકારીઓએ આ વર્ષે વેપારીઓ દ્વારા વેચવામાં આવતી ચીજ વસ્તુઓની ખૂબ જ તપાસ કરી રહી છે. ગત વર્ષ કરતા આ વર્ષે ત્રણ ગણા નમૂના ચેક કરવામાં આવ્યા છે. આ નમૂનામાંથી જે નમૂના ફેલ જશે તે અધિકારીઓને કડક સજા પણ કરવામાં આવશે.
નકલી ખાતર બાબતે અમારો વિભાગ હંમેશા સતર્ક રહે છે. ખાતરની નિયમિત તપાસ પણ કરવામાં આવે છે. જો કે હજુ સુધી નકલી બિયારણનો નમૂનો અમારા ધ્યાને આવ્યો નથી. ગત વર્ષ કરતા અમે આ વર્ષે ત્રણ ગણા નમૂનાની તપાસ કરી રહ્યા છીએ. ગત વર્ષે અમે 7000 નમૂના લીધા હતા જ્યારે આ વર્ષે અમે 24000 નમૂનાનું પરિક્ષણ કરી રહ્યા છીએ. ખેડૂતોને પણ અમે અપીલ કરીએ છીએ કે વિશ્વાસુ બિયારણ વિક્રેતા પાસેથી લીગલ બિયારણ જ ખરીદવાનો આગ્રહ રાખે...શિશિર સોલંકી(નિયામક, કૃષિ વિભાગ, ગુજરાત સરકાર)
રામ મોકરિયાએ મને પત્ર લખ્યો છે. જેમાં કયા ખેડૂતને ક્યાંથી નકલી બિયારણ મળ્યું છે તેનો ઉલ્લેખ નથી. કોઈ ખેડૂત આ મુદ્દે ફરિયાદ લઈને આવશે તો તાત્કાલિક પગલા ભરવામાં આવશે. મેં કૃષિ વિભાગના અધિકારીઓને આ બાબતે સૂચના આપી દીધી છે...રાઘવજી પટેલ(કૃષિ પ્રધાન, ગુજરાત સરકાર)
- Rajkot News: રાજ્યમાં બેફામ વેચાતા નકલી બિયારણ મુદ્દે સરકાર કડક કાર્યવાહી કરેઃ સાંસદ રામ મોકરિયા
- Rajkot News: મગફળીનું ઉત્પાદન વધ્યું છતાં સીંગતેલના ભાવ નહીં ઘટેઃ સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિયેશન