બિનવારસી કારનો ભેદ ઉકેલાયો ગાંધીનગર : ભૂતકાળમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં ખુલ્લેઆમ ફાયરિંગની ઘટનાઓ સામે આવી હતી ત્યારે ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગેરકાયદે હથિયારોનું વેચાણ પણ જોવા મળ્યું હતું. આ વાતને યાદ કરવાનું કારણએ છે કે ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલા સ્વાગત એફોર્ડ ફ્લેટની સ્કીમમાં કેટલાય દિવસથી બિનવારસી પડી રહેલી કારમાંથી હથિયારો મળી આવ્યાં છે. અહીં મહિનાઓથી પડી રહેલી બિનવારસી કારમાં બે રિવોલ્વર, બે દેશી કટ્ટા અને 300 જીવતા કારતૂસ મળી આવ્યા છે આ સર્ચ ઓપરેશનથી ગાંધીનગર પોલીસ પણ અચંબામાં પડી ગઈ છે. મોડી સાંજે રેન્જ આઈજી દ્વારા આ વિશે જાણકારી આપવામાં આવી તે પ્રમાણે જીતેન્દ્ર પટેલ નામના રીઢા ગુનેગારની આમાં સંડોવણી બહાર આવી છે.
સચિવાલયથી થોડે જ દૂર મળ્યાં હથિયારો : ગાંધીનગરના સરગાસણ વિસ્તારના સ્વાગત એફોર્ડ ફ્લેટના ભોંયરામાં છેલ્લા કેટલાય દિવસથી બિનવાસી કાર પડી હતી. આ બાબતની જાણ સ્થાનિકોએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં કરી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ બિનવારસી કારમાંથી બે રિવોલ્વર બે દેશી કટ્ટા અને 300 જેટલા જીવતા કારતૂસ ઇન્ફોસિટી પોલીસે જપ્ત કર્યા છે.
વીવીઆઈપીઓની સુરક્ષાનો મુદ્દો : ગાંધીનગર શહેરની સુરક્ષાની વાત કરવામાં આવે તો ગાંધીનગરને ખૂબ સુરક્ષિત શહેર માનવામાં આવે છે. રાજ્યના પાટનગરનો દરજ્જો ભોગવતા આ શહેરમાં સમગ્ર રાજ્યની સરકાર બેસે છે. રાજ્યના મુખ્યપ્રધાન સહિત પ્રધાનમંડળના સભ્યો રહે છે. સચિવાલયમાં મુખ્યપ્રધાન મુખ્ય સચિવ મુખ્ય પોલીસ વડા સહિત અન્ય વિભાગના મુખ્ય વડાઓ પણ બેસે છે. ત્યારે જે જગ્યાએથી બિનવારસી કારમાંખી હથિયારોનો જથ્થો પ્રાપ્ત થયો છે તે સચિવાલયથી ફક્ત 12 મિનિટના અંતરે 7 કિલોમીટર દૂર જ ઝડપાયો છે.
બિનવારસી હુન્ડાઇ કારમાંથી મળેલા હથિયારોના મામલામાં તપાસ કરતાં કારમાંથી મળેલી અન્ય વસ્તુઓના આધારે જીતેન્દ્ર પટેલ નામનો વ્યકિત આ ગાડીનો માલિક હોવાનું જણાયું હતું. જીતેન્દ્ર પટેલની ધરપકડ અમદાવાદથી કરવામાં આવી છે. તેની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ હથિયારો તેણે લોકડાઉન સમયે મગાવ્યાં હતાં. આ ગાડી તે અહીં ભાડે રહેતો હતો ત્યારે મૂકેલાં હતાં. આરોપીનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે જેમાં તેની સામે હત્યા, અપહરણ, ફાયરિંગ વગેરે ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત પણ ઘણાં ગુના નોંધાયેલા છે.એટીએસમાં પણ એક કેસ છે. હાલમાં આ ભેદ ઉકેલાયો છે પણ આખું કાવતરું શું છે તેની પૂછપરછ ચાલુ છે... અભય ચૂડાસમા (ગાંધીનગર રેન્જ આઈજી)
કારનો નંબર ખોટો : ફ્લેટના ભોંયરામાં પડી રહેલી બિનવારસી કારના માલિક અંગે તપાસ કરતાં સૂત્રોના હવાલે જાણવા મળે છે કે પકડાયેલી કારમાં ગુજરાતના અમદાવાદ આરટીઓ પાર્સિંગનો નંબર લગાવવામાં આવ્યો છે. કારમાં નંબરપ્લેટ પર GJ 01 RJ 5702 નંબર લગાવવામાં આવ્યો છે પણ પોલીસ તપાસમાં આ ખોટો નંબર હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર પોલીસે કારના ચેસીસ નંબર પરથી ગાડીના મૂળ માલિક સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કરયાં છે. આ ગાડી મધ્યપ્રદેશની હોવાનું અનુમાન ગાંધીનગર પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે.
સીએમની સુરક્ષામાં વધારો : ગાંધીનગરમાં વહેલી સવારે બિનવારસી કારમાંથી બે પિસ્તોલ, બે દેશી કટ્ટા અને 300 જેટલા જીવતા કારતૂસ ઝડપાયા હોવાના કારણે સચિવાલયમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.કોઈપણ વ્યક્તિ સીએમની સીધા મુલાકાત કરી ન શકે તેને ધ્યાનમાં લઈને સ્વર્ણિમ સંકુલ એક પાસેના મુખ્યપ્રધાન કાર્યાલય પાસે વધુ કોર્ડન કરીને જગ્યાને સંપૂર્ણ સુરક્ષિત રાખવામાં આવી છે.